Abtak Media Google News

કાલે પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠક માટે સેન્સ લેવાશે: પ્રદેશ નિરીક્ષકો સમક્ષ લાગણી વ્યકત કરતા કાર્યકરો-આગેવાનો

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. ચુંટણી માટેનું સતાવાર જાહેરનામું આગામી ૨૮મી માર્ચના રોજ પ્રસિઘ્ધ થવાનું છે ત્યારે તમામ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપ દ્વારા આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ દ્વારા નિયુકત કરાયેલા નિરીક્ષકો લોકસભા વિસ્તારમાં જઈ ઉમેદવારોની પસંદગી માટે કાર્યકરો અને આગેવાનોના અભિપ્રાય લેશે. આજે સૌરાષ્ટ્રની ૭ પૈકી રાજકોટ, જામનગર અને અમરેલી બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. આવતીકાલે પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રાજકોટ લોકસભા બેઠક માટે નિરીક્ષક તરીકે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા નરહરીભાઈ અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકર, જામનગર બેઠક માટે મનસુખભાઈ માંડવીયા, રમણભાઈ વોરા અને બીનાબેન આચાર્ય જયારે અમરેલી બેઠક માટે આર.સી.ફળદુ, જયંતીભાઈ કવાડિયા અને નીમુબેન બાંભણીયાની વરણી કરવામાં આવી છે. બેઠક વાઈઝ ૩-૩ નિરીક્ષકોની પેનલ નિયુકત કરાઈ છે.

આજે સવારથી નિરીક્ષકો જે-તે લોકસભા મતવિસ્તારમાં ગયા હતા અને ત્યાં લોકસભાની બેઠક માટે ઉમેદવાર પસંદ કરવા કાર્યકરો અને આગેવાનોને સાંભળ્યા હતા અને તેઓની પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો. રાજકોટ લોકસભા બેઠક માટે સવારે વાંકાનેર અને જસદણ વિધાનસભા બેઠકના અપેક્ષિત કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા જયારે બપોર બાદ રાજકોટ પૂર્વ, રાજકોટ, પશ્ર્ચિમ, રાજકોટ ગ્રામ્ય અને રાજકોટ દક્ષિણના કાર્યકરોને નિરીક્ષકો સાંભળશે. સૌરાષ્ટ્રની ૭ બેઠકો પૈકી આજે રાજકોટ ઉપરાંત જામનગર અને અમરેલી બેઠક માટે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. દરમિયાન આવતીકાલે પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠક માટે સેન્સ લેવામાં આવશે. પોરબંદર બેઠક માટે શંભુનાથજી ટુંડીયા, રમેશભાઈ મુંગરા, આદ્યશકિતબેન મજમુદાર, જુનાગઢ બેઠક માટે ચીમનભાઈ સાપરીયા, રમેશભાઈ ‚પાપરા અને હમીબેન પરીખ, ભાવનગર બેઠક માટે મુળુભાઈ બેરા, મહેશભાઈ કસવાલા અને ભાનુબેન બાબરીયા જયારે સુરેન્દ્રનગર બેઠક માટે સૌરભભાઈ પટેલ, નિતીનભાઈ ભારદ્વાજ અને જશુબેન કોરાટની નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી છે.

૧૪ થી ૧૬ માર્ચ દરમિયાન રાજયની તમામ ૨૬ બેઠકો માટે ભાજપના પ્રદેશ નિરીક્ષકો કાર્યકર્તાઓના અભિપ્રાય અને સુચન લીધા બાદ આ અહેવાલ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન મળનારી ગુજરાતની ચુંટણી સમિતિની બેઠક સમક્ષ રજુ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાંથી ચુંટણી નહીં લડે: પ્રદેશ નિરીક્ષકની સ્પષ્ટતા

રાજકોટ લોકસભા બેઠક માટે સેન્સ લેવા આવેલા પ્રદેશ નિરીક્ષક બાબુભાઈ જેબલીયાનું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકસભાની આગામી ચુંટણીમાં ઉતરપ્રદેશની વારાણસી બેઠક ઉપરાંત ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરથી જંગમાં ઝંપલાવશે તેવી વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. દરમિયાન આજે રાજકોટ બેઠક માટે સેન્સ લેવા આવેલા પ્રદેશ નિરીક્ષક બાબુભાઈ જેબલીયાએ એવી સ્પષ્ટતા કરી હતી કે, વડાપ્રધાન રાજકોટ બેઠક પરથી ચુંટણી નહીં લડે. આ બેઠક પરથી ચુંટણી લડવા માટે ભાજપમાં અનેક નેતાઓ તૈયાર છે.

આજે સવારે સેન્સ પ્રક્રિયા પૂર્વે તેઓએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એઈમ્સ સહિતની સુવિધાઓની જે ભેટ આપવામાં આવી છે તેના પરથી છેલ્લા ઘણા સમયથી એવી વાતો વહેતી થઈ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ લોકસભા બેઠક પરથી ચુંટણી લડશે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને જે ભેટ આપવામાં આવી છે તે રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય સેન્ટર છે જેને ધ્યાનમાં રાખીને અપાઈ છે. રાજકોટ જેટલી જ યોજનાઓ અમદાવાદ અને બરોડાને પણ આપવામાં આવી છે. વડાપ્રધાન રાજકોટ બેઠક પરથી લોકસભાની ચુંટણી લડશે તે વાતમાં કોઈ દમ નથી અને આ વાત પાયાવિહોણી છે. વાસ્તવમાં રાજકોટ બેઠક પરથી લોકસભાની ચુંટણી લડવા માટે ભાજપમાં અનેક કાર્યકરો તૈયાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.