Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમો ૩૭૦ અને ૩૫-એ હટાવીને

દેશભરમાં સમાન નાગરિક કાયદા તરફ આગળ વધવાની ભાજપની મહેચ્છા

દેશમાં લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીનું પ્રચારકાર્ય ચરમસીમાએ પહોચ્યું છે. ત્યારે ભાજપે ફરીથી આતંકવાદીઓ માટે સ્વર્ગ બનેલા જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને નાબુદ કરવાનો પુર્નોચ્ચાર કર્યો છે.

દેશમાં ફરી મોદી સરકાર આવે તો જમ્મુ-કાશ્મીરના મૂળ નાગરિકોને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૫ એ નાબુદ કરવાની તાજેતરમા જાહેરાત કરનારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે વલસાડના ધરમપૂરમાં એક જાહેરસભામાં આ ચૂંટણી વચન આપ્યું હતુ ઉલ્લેખનીય છે કે, ભાજપે તેના લોકસભા ચૂંટણી માટેના ઢંઢેરામાં જમ્મુ કાશ્મીરને લગતી આ બંને કલમો દૂર કરીને આપીને દેશભરમાં સમાન નાગરીકત્વ તરફ આગળ વધવાનું વચન આપ્યું છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શાંત થવા આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે વલસાડના ધરમપૂરમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જાહેરસભા યોજાઈ હતી. ભાજપના વર્તમાન સાંસદ ડો.કે.સી. પટેલના ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી જાહેરસભામાં અમિત શાહે જણાવ્યું હતુ કે લોકસભા અને રાજયસભામાં ભાજપની બહુમતી આવશે તો અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદા મુજબ જમ્મુ કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને રદ કરવામાં આવશે. જેથી કાશ્મીર ભારતનું કાયમી અભિન્ન અંગ બની જશે. હાલમાં ભાજપ પાસે રાજયસભામાં બહુમતી ન હોય બંધારણની વિવાદાસ્પદ કલમો રદ કરી શકાતી નથી તેમ જણાવીને શાહે રાજયની તમામ ૨૬ બેઠકો ફરીથી જીતવાનો દ્દઢ નિશ્ચિત વ્યકત કર્યો હતો.

આ ચૂંટણીમાં વિકાસની સાથે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદો મહત્વનો છે. અને આ મુદાઓ પર વડાપ્રધાન મોદી અને ભાજપ જ સારી રીતે કાર્યવાહી કરી શકે છે. તેમ જણાવીને શાહે ઉમેર્યું હતુ કે વડાપ્રધાન મોદી ભારતને સુપર પાવર દેશ બનાવી શકે છે. પુલવામામાં હુમલા બાદ વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક પર શાહે જણાવ્યું હતુ કે જયારે આખો દેશ સેનાના સાહસને બિરદાવતો હતો ત્યારે કોંગ્રેસ ઉદાસ હતુ આ મુદે પાકિસ્તાન દુ:ખી થાય તે માની શકાય પરંતુ રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસ આતંકવાદીઓ મરે ત્યારે સંવેદના વ્યકત કરે છે? તેમ જણાવીને કોંગ્રેસે તેના શાસનમાં દેશને બેફામપણે લૂંટયો હોવાનો આક્ષેપ પણ શાહે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર રાજયને બંધારણની કલમ ૩૭૦ હેઠળ દેશમાં વિશેષ દરજજો આપવામાં આવ્યો છે. જેથી ભારત દેશના તમામ કાયદાઓનો અમલ જમ્મુ કાશ્મીરમાં થઈશકતો નથી. જમ્મુ કાશ્મીરમાં ભારતના કાયદાઓ લાગુ પાડવા ત્યાંની વિધાનસભામા બહુમતીથી તેને પસાર કરવા પડે છે. જેના કારણે જમ્મુ કાશ્મીર રાજયની નિયમતિ કાર્યવાહીમા કેન્દ્ર સરકાર સીધી દખલગીરી કરી શકતી નથી. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, રાજય સત્તાધીશોની રહેમ નજર તળે ફૂલી ફાલી હોવાના આક્ષેપો થતા રહે છે. ભાજપ બંધારણની ૩૭૦ની આ કલમ હટાવવા લાંબા સમયથી તેના ચૂંટણી ઢંઢેરામાં વાયદો કરતુ આવ્યું છે. તેવી જ રીતે આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત બંધારણની કલમ ૩૫એ રદ કરવાનું પણ ભાજપે વચન આપ્યું છે.

બંધારણની કલમ ૩૫ એ હેઠળ જમ્મુ કાશ્મીર રાજયમાં મૂળ નાગરીકોને વિશેષ દરજજો આપવામાં આવ્યો છે. કાશ્મીરમાં દેશના બીજા રાજયોના નાગરીકો વસવાટ કરીને નાગરીકત્વ મેળવી શકતા નથી. ધંધો વ્યવસાય કરી શકતા નથી કે જમીન મકાન ખરીદ શકતા નથી. ઉપરાંત, કાશ્મીર મહિલા દેશના અન્ય નાગરીક સાથે લગ્ન કરે તો તેને આ કલમ હેઠળ કાશ્મીરમાં મળતા લાભો બંધ થઈ જાય છે. જયારે, પાકિસ્તાન હસ્તગતના કાશ્મીરના નાગરીકો સાથે કાશ્મીરી મહિલાઓ લગ્ન કરે તો આ પાકિસ્તાની નાગરીકનેકાશ્મીરમાં નાગરીકત્વ સહિત બંધારણ ૩૫એ હેઠળ મળતા તમામ લાભો મળે છે. આ કલબના કારણે કાશ્મીરમાં મુસ્લિમો બહુમતીમાં આવી ગયા છે. અને અન્ય ધર્મના નાગરીકો અતિ લઘુમતીમાં રહેવા પામ્યા છે.

જેથી ભાજપે આતંકવાદીઓનું સ્વર્ગ બનેલા કાશ્મીરને દેશની મુખ્યધારા સાથે જોડવા તેમને વિશેષાધિકાર આપતો બંધારણની કલમ ૩૭૦ અને ૩૫-એને રદ કરવાનો વાયદો તેમના ચૂંટણી ઢંઢેરામાં કર્યો છે. ભાજપના વરિષ્ટ નેતાઓએ આ વાયદાને ‘એક દેશ એક કાયદો’ અને દેશભર સમાન નાગરીક કાયદા તરફ એક કદમ સમાન ગણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.