Abtak Media Google News

રાજકોટ જિલ્લાની આઠ બેઠકો પૈકી એક માત્ર રાજકોટ પૂર્વ બેઠક પર ઓબીસી સમાજ ટિકિટ માટે ફીટ બેસે છે બેઠક પર ઓબીસી સમાજના સૌથી વધુ મત: આગેવાનોએ પ્રદેશ નિરીક્ષક સમક્ષ ખાનગીમાં કરી રજૂઆત

ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા તાજેતરમાં રાજકોટની ચાર બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને સંભવિતો તથા અપેક્ષીતોને સાંભળવામાં આવ્યા હતા. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના આગેવાનોએ ખાનગીમાં નિરીક્ષકો સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ઓબીસી સમાજને, ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી અથવા સવર્ણ સમાજ, ૭૦-રાજકોટ દક્ષિણ બેઠક પર પટેલ સમાજ અને ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર દલિત સમાજને ટિકિટ આપવામાં આવે તો પક્ષને મોટો ફાયદો થઈ શકે તેમ છે.૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ રાજકોટની ચાર પૈકી ત્રણ બેઠકો પર જીત્યું હતું જયારે રાજકોટ પૂર્વની બેઠક જીતવામાં પક્ષ નિષ્ફળ રહ્યું હતું. રાજકોટ જિલ્લાને ૮ બેઠકોને નજર સમક્ષ રાખી જોવામાં આવે તો એક માત્ર ૬૮ રાજકોટ પૂર્વની બેઠક એવી છે કે જયાં ઓબીસી સમાજના ઉમેદવાર ફીટ બેસી શકે તેમ છે. આ વિધાનસભાના મત ક્ષેત્રમાં ઓબીસીના મતદાર પણ વધુ છે. ગત વખતે ભાજપે આ બેઠક પરથી બ્રાહ્મ સમાજના ઉમેદવાર ઉભા રાખતા પક્ષને હારનો સામનો કરવો પડયો હતો. જો આ વખતે અહીં ઓબીસી સમાજને ટિકિટ ફાળવવામાં આવે તો આખો સમાજ સચવાય જાય તેમ છે અને જ્ઞાતિનું સમીકરણ પણ બેલેન્સ થઈ જાય છે.આ ઉપરાંત ૬૯-રાજકોટ વિધાનસભા પશ્ર્ચિમ બેઠક પરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત પણ આગેવાનોએ કરી હતી. જો મુખ્યમંત્રી અન્ય બેઠક પરથી લડવા ઈચ્છતા હોય તો આ બેઠક સવર્ણ વર્ગને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જયારે ૭૦-રાજકોટ દક્ષિણ બેઠકમાં સૌથી વધુ પટેલ મતદારો હોય આ બેઠક પટેલ સમાજને આપવામાં આવે અને ૭૧-રાજકોટ ગ્રામ્યની બેઠક દલિત સમાજના કોઈ ઉમેદવાર ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ માટે પડકારરૂપ છે ત્યારે જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત પણ નિરીક્ષકો સમક્ષ શહેર ભાજપના કેટલાક આગેવાનોએ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.