Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપે ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મોડાસાની મુલાકાત બાદ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તા. ૭મી જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભામાં ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક પાર પાડવાના હેતુથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં ઝોનવાર મતદાર યાદીના ભાજપના પેજ પ્રમુખો તથા કાર્યકરોના સંમેલનો યોજાઈ રહ્યાં છે જેના ત્રીજા ચરણમાં પાર્ટીના દક્ષિણ ગુજરાતના સંગઠનના ૮ જિલ્લાને આવરી લેતું સંમેલન હવે ૭મી જુલાઈએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ-પાંચ કાકડા ગામે યોજવાનું નક્કી થયું છે, જેમાં ભાગ લેવા માટે પાર્ટી અધ્યક્ષ છઠ્ઠી જુલાઈ સાંજે અમદાવાદ આવે તેવી સંભાવના છે, જો કે ફાઈનલ કાર્યક્રમ હજી ઘડામણમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. અનાવલ-પાંચ કાકડા ખાતે વિશાળ જગ્યા ઉપલબ્ધ હોઈ તેમજ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે આ સ્થળે મોદીની સભાઓ યોજાઈ ચૂકી હોઈ અનુકૂળતા ધ્યાને લઈ સ્થળ ફેરવવામાં આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના આ ઝોન સંમેલનમાં ભરૂચ, નર્મદા, સુરત શહેર જિલ્લોે, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ એમ આઠ જિલ્લાના કાર્યકરો-આગેવાનો ભાગ લેશે. આ અગાઉ સૌરાષ્ટ્ર ઝોનનું સંમેલન જૂનાગઢ ખાતે અને મધ્ય ગુજરાત ઝોનનું સંમેલન નડિયાદ ખાતે યોજાઈ ચૂક્યાં છે. આવી જ રીતે અમદાવાદ શહેર-જિલ્લો, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા એમ ઉત્તર ગુજરાત ઝોનના પાર્ટીના ૮ સંગઠન જિલ્લાઓનું સંમેલન હવે પાર્ટી અધ્યક્ષની આગેવાનીમાં ૧૧મી જુલાઈએ યોજાવાનું છે, અગાઉ પાર્ટીએ મહેસાણામાં યોજવાનું નક્કી કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.