Abtak Media Google News

કોંગ્રેસે જ્ઞાતિવાદનું રાજકારણ ખેલ્યું છે પરંતુ ગુજરાતની પ્રજા વિકાસના મુદ્દાને જ મત આપશે તેવો વિજય વિશ્ર્વાસ વ્યકત કરતા ભાજપ પ્રમુખ અમિત શાહ: જીએસટી સહિતના પ્રશ્ર્નો ઉકેલવા ભાજપ સરકારનું વલણ પોઝીટીવ

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. નિષ્ણાંતો કયાં પક્ષને કયો સમાજ કે કઈ વોટ બેંક ટેકો આપશે તે અંગે તર્ક-વિતર્ક કરી ર્હયાં છે. રાજકીય પક્ષો પર જ્ઞાતિવાદના માધ્યમથી મત બેંકો ઉભી કરવાના આક્ષેપ થયા છે. ત્યારે ભાજપે જ્ઞાતિવાદ-જાતિવાદની નહીં પરંતુ પોઝીટીવીટીની મત બેંક ઉભી કરી હોવાનું ભાજપના હોદ્દેદારોનું કહેવું છે.

અનામત સહિતના પ્રશ્ર્નોના કારણે સમાજમાં ભાગલા પડયા હોવાનું મનાય છે. એક રીતે સમગ્ર ચૂંટણીમાં વિકાસનો મુદ્દો જ વચ્ચે રાખવાના પ્રયાસોને દબાવાઈ રહ્યાં છે. રાજકીય પક્ષોએ જાતિવાદના સમીકરણોની ગોઠવણ કરવા માટે દાવપેચ રમ્યા છે. જેમાં કેટલાક સમજણ વિહોણા લોકો ફસાઈ ગયા છે. બીજી તરફ દેખીતા વિકાસનું રાજકારણ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ સરકારનો વિરોધ થઈ રહ્યો છે તે બાબતનો હું અસ્વિકાર નથી કરતો પરંતુ ભાજપે પોઝીટીવીટીની મત બેંક ઉભી કરી છે તેવું હું દ્રઢતાથી માનુ છું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પટેલ સમાજ ભાજપના સમર્થનમાં છે. છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનું દેખાઈ આવે છે. હવે કોઈ અનામતની વાત કરી રહ્યું નથી. પટેલ સમાજ પણ આ આંદોલન કોંગ્રેસે સમાજના ભાગલા પાડવા માટે ચલાવ્યું હોવાનું સમજી ગયો છે. કોંગ્રેસે ગુજરાતમાં જાતિવાદી રાજકારણ ખેલવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ પણ કોંગ્રેસ ખામ થિયરીના માધ્યમથી આ કરી ચુકી છે.તેમણે કહ્યું કે, હું માનું છું ગુજરાતની પ્રજાએ જાતિવાદી રાજકારણને ઠુકરાવ્યું છે. લોકો ગુજરાતના વિકાસના એજન્ડા ઉપર મત આપશે. જીએસટી સહિતના પ્રશ્ર્નો ઉકેલવા ભાજપ સરકાર સજ્જ છે. લોકોને મદદરૂપ થાય તેવું જીએસટી સરકાર ઘડશે તેવો વિશ્ર્વાસ રાખવા પણ અમિત શાહે અપીલ કરી હતી.

મોદીજી વડાપ્રધાન બન્યા બાદ ઘણા પોઝીટીવ બદલાવ આવ્યા છે. ગુજરાતના વિકાસ માટે મોદીએ અનેક પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરી છે. જે સમયે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્ર સરકારે તેમની ગુજરાત સાથે દુરવ્યવહાર કર્યો હતો.

હવે મોદી વડાપ્રધાન છે ત્યારે વિજયભાઈ મુખ્યમંત્રી છે માટે ગુજરાતનો વિકાસ ખુબજ ઝડપથી થશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યકત કર્યો હતો.નર્મદા ડેમની ઉંચાઈ જેવા ઈસ્યુ માત્ર ૧૪ દિવસમાં ઉકેલાઈ ગયા હોવાની વાત પણ અમિત શાહે કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓઈલ રોયલટી જેવા વિવાદોનો પણ ઉકેલ લવાયો છે. ૧૨૦૦ કિ.મી.ના નવા રોડ મંજૂર થયા છે. ૧૩માં નાણાપંચે ૬૩૦૦ કરોડ વિકાસ માટે ફાળવ્યા હતા. રાજય અને કેન્દ્રમાં હવે ભાજપની સરકાર હોવાથી વિકાસ ઝડપી બનાવવાની તક હોવાનો મત પણ અમિત શાહે વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.