Abtak Media Google News

પદાધિકારીઓ કંટ્રોલરૂમ અને ફાયર સેશનનો હવાલો સંભાળશે વોર્ડ વાઈઝ ૨૦-૨૦ કાર્યકરોની ટીમ તૈનાત: સ્થળાંતર માટે મહાપાલિકા દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં ગાડીઓ ફેરવાઈ

વાયુ વાવાઝોડાએ અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. કાલે વહેલી સવારે વાવાઝોડું સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ટકરાશે. આ વિનાશક વાવાઝોડામાં શકય તેટલી ઓછી ખુવારી સર્જાય તે માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. કાલે સવારથી રાજકોટમાં પણ વાયુની અસર વર્તાવવા લાગશે. આવામાં ભાજપનાં કોર્પોરેટરોને બે દિવસ શહેર તથા પોતાનો વિસ્તાર ન છોડવા મેયર બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે.સંગઠન પણ સાબદુ થઈ ગયું છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પદાધિકારીઓ ફાયર સ્ટેશન તથા કંટ્રોલ રૂમનો હવાલો સંભાળશે. વોર્ડ વાઈઝ ૨૦-૨૦ કાર્યકરોની ટીમ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે. આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારમાં જરૂર પડે તો સ્થળાંતર કરવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

મેયર બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે સૌરાષ્ટ્રમાં ત્રાટકશે જેની અસર રાજકોટમાં પણ વર્તાય તેવી સંભાવના જણાઈ રહી છે. આવામાં ભાજપનાં કાર્યકર્તાઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓને બે દિવસ શહેર ન છોડવા અને પોતાનાં વિસ્તારમાં રહેવા તાકીદ કરવામાં આવી છે. શહેર ભાજપ ખાતે ૧૪મી સુધી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. મહાપાલિકાનાં પદાધિકારીઓ કાલે સવારથી અલગ-અલગ કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશનનો હવાલો સંભાળી લેશે જેમાં જયુબીલી કંટ્રોલરૂમે બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ બેસશે. વેસ્ટ ઝોનનો હવાલો બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષ રાડિયા, પુષ્કરભાઈ પટેલ અને અશ્ર્વિનભાઈ ભોરણીયાને સોંપવામાં આવ્યો છે. ઈસ્ટ ઝોનમાં ડે.મેયર અશ્ર્વિનભાઈ ભોરણીયા અને શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી હવાલો સંભાળશે. સેન્ટ્રલ ઝોન ખાતે દંડક અજય પરમાર અને નિતીન રામાણીને વ્યવસ્થા સોંપવામાં આવી છે. સરકારનાં આદેશનાં પગલે ધારાસભ્યો પણ પોતાનાં મત વિસ્તારમાં સક્રિય થઈ ગયા છે. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીએ આજે પોતાનાં વિસ્તારમાં ફેરણી કરી હતી અને વાવાઝોડાની સામે લડવા માટે ફાયર બ્રિગેડ શાખા દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

પ્રદેશ ભાજપની સુચના બાદ કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલયે ખાતે સૌરાષ્ટ્ર કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જયાં કંટ્રોલરૂમનાં ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ ઉપરાંત ખજાનચી અનિલ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષી ૨૪૭ જવાબદારી સંભાળશે. વોર્ડ વાઇઝ ૨૦ કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરવામાં આવી છે જે આગામી ૧૪મી જુન સુધી રાઉન્ડ ધ કલોક લોકસેવા માટે સક્રિય રહેશે. ભાજપનાં કોર્પોરેટરો અને સંગઠનનાં હોદેદારોને બે દિવસ શહેર અને પોતાનો વિસ્તાર ન છોડવા તાકીદ કરવામાં આવી છે.

બીજી તરફ મહાપાલિકા દ્વારા પણ આજે ફાયર બ્રિગેડની અલગ-અલગ ૩ ટીમો બનાવી નિચાણવાળા વિસ્તારોમાં એવું એનાઉસ કરવામાં આવ્યું છે કે, વાવાઝોડામાં સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો લોકોને ઘરવખરી તથા કિંમતી ચીજ-વસ્તુઓ પેકિંગ કરી તૈયાર રાખવી. સ્થળાંતર માટે અલગ-અલગ શાળાઓ અને કોમ્યુનિટી હોલનાં સંચાલકોને પણ સુચના આપી દેવામાં આવી છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં જોખમી હોર્ડિંગ્સ બોર્ડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવતીકાલ સવારથી ૨૪ કલાક રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ખુબ જ સંકટભર્યા રહેશે.

પીવાનાં પાણીનો પુરતો જથ્થો સંગ્રહ કરી રાખવો: મ્યુનિ.કમિશનર

વાયુ નામનાં વિનાશક વાવાઝોડું આજે મધરાત્રે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ત્રાટકશે. વાવાઝોડાની અસર આવતીકાલે શહેરમાં પણ વર્તાશે. શહેરમાં ૮૦ થી ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પ્રબળ સંભાવના છે. આવામાં વિજ પુરવઠો પણ ખોરવાય જાય તેવી દહેશત જણાઈ રહી છે. શહેરીજનોને પીવાનું પુરતું પાણી સંગ્રહિત કરી રાખવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન લોકોને વૃક્ષો નીચે ન ઉભું રહેવા પણ અપીલ કરવામાં આવી છે. શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં નબળા થયેલા વૃક્ષોને પણ આજે કાપી નાખવામાં આવ્યા છે. જયારે હોર્ડિંગ્સ બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.