લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીનું કોકડું ગુંચવાયું!

સાત પૈકી પાંચ બેઠકો ઉપર આયાતી ઉમેદવાર જાહેર કરાયા : કોંગ્રેસ સાંજ સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી સંભાવના

વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આઠમાંથી સાત બેઠક પર પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં લીંબડી બેઠકમાં ઉમેદવારની પસંદગીનું કોકડું ગૂંચવાઈ ગયું છે. સામે કોંગ્રેસ આજે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન ગતરોજ ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી.

નોંધનીય છે કે, આ પહેલા સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં આઠ બેઠકોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા હાથ ધરાઈ હતી અને બેઠકોના ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી આ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારના નામ જાહેર કરાયા નથી. આજરોજ કોંગ્રેસ દ્વારા નામની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. તમામ આઠ બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારમાં અબડાસા બેઠક પર શાંતિલાલ સંઘાણી, કરજણ બેઠક પર જગદીશ પટેલ, લીંબડી બેઠક પર જયરામ મેણિયા, મોરબી બેઠક પર જેન્તીલાલ પટેલ, ગઢડા બેઠક પર મોહનભાઈ સોલંકી, ધારી બેઠક પર સુરેશ કોટડીયા, કપરાડા બેઠક પર હરીશભાઈ પટેલ અને ડાંગ બેઠક પર ચંદરભાઈ ગામિતના નામ નક્કી મનાઈ રહ્યા છે.

લીંબડી બેઠક પર ભાજપ તરફથી કિરીટસિંહ રાણાનું નામ મોખરે

લીંબડી બેઠકમાં છેલ્લી ઘડીએ રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. બધી બેઠક માટે ઉમેદવારના નામ જાહેર થઈ ગયા પણ લીંબડી બેઠક ઉપર નામની જાહેરાતમાં વિલંબ થયો છે. જો કે હાલ કિરીટસિંહ રાણા અને સોમાં પટેલ એ બે નામોની ચર્ચા ચાલી રહી છે. પરંતુ કિરીટસિંહ રાણાનું નામ મોખરે હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...