Abtak Media Google News

ડે.સીએમ પદ પણ આપવામાં આવશે: આંતરિક વિખવાદથી બચવા ભાજપની ફોર્મ્યુલા

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યુપી પેટર્નથી લડવા માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના ઉમેદવાર અગાઉથી જાહેર કરવામાં નહીં આવે. ૧૯૯૫ એટલે કે ૨૨ વર્ષ બાદ ગુજરાતમાં પ્રથમ વખત ભાજપ મુખ્યમંત્રી જાહેર કર્યા વિના ચૂંટણીમાં જંપલાવશે. આ ઉપરાંત ગુજરાતમાં ફરી એકવાર ડેપ્યુટી સીએમ પદ પણ આપવામાં આવશે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ ભાજપમાં આંતરિક વિવાદ અને નેતૃત્વના ડખા શરૂ થઇ ગયા હતા. ખાસ કરીને અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ ગયું હતું. તેમાં પણ અમિત શાહના અણગમા વચ્ચે નરેન્દ્ર મોદીએ આનંદીબેનને મુખ્યમંત્રી બનાવતાં અમિત શાહ જૂથ દ્વારા આનંદીબેનને વારંવાર ડિસ્ટર્બ કરવામાં આવતાં અંતે આનંદીબેને અધવચ્ચે મુખ્યમંત્રીપદ છોડી દીધું હતું. તે પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે છેલ્લી ઘડી સુધી નીતિન પટેલનું નામ ચાલતું હોવા છતાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવતાં ભાજપમાં આતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચવા લાગ્યો હતો.

નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં ચાલી રહેલાં ભાજપના આંતરિક વિખવાદને કારણે કાર્યકરો અને પ્રજામાં કેટલિક નારાજગી ઉભી થઇ છે. આવા સંજોગોમાં જો કોઇ મુખ્યમંત્રીના ઉમેદવાર અગાઉથી જાહેર કરવામાં આવે તો પક્ષમાં ચૂંટણી સમયે વિવાદ સર્જાય તેમ હોવાથી ભાજપ હાઇકમાન્ડે ગુજરાતમાં યુપી પેટર્નથી ચૂંટણી લડવાની વિચારણા કરી છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાઇ હતી. જેમાં ગુજરાતની કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૫૦ બેઠક પર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે ભાજપને ૧૫૦ બેઠક મળી શકી નહોતી. ઉત્તરપ્રદેશમાં હાલમાં જ્યારે ભાજપને જબરજસ્ત બહુમતી મળી છે ત્યારે તેનો લાભ લઇ ગુજરાતમાં પણ ૧૫૧થી વઘુ બેઠકો મેળવીને રેકોર્ડ કરવા માટે ભાજપે રણનીતિ ઘડી કાઢી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.