Abtak Media Google News

બિહારમાં એનડીએના પક્ષો વચ્ચે થયેલી બેઠકની વહેંચણીમાં ૪૦માંથી ભાજપ, જેડીયુને ૧૭-૧૭ અને એલજેપીને ૬ બેઠકો ઉપરાંત રાજયસભાની એક બેઠક ફાળવાઈ

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે બિહારમાં એનડીએના પક્ષો વચ્ચે બેઠકોની આખરી સમજૂતી થઈ ગઈ છે. ગઈકાલે ભાજપના અધ્યક્ષ અમિત શાહ, જેડીયુના નેતા, અને બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર તથા એલજેપીનાં નેતા રામવિલાસ પાસવાનની વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ સમજૂતીમાં સૌથી વદારે ફાયદામાં એલજેપી રહ્યું હતુ જયારે સૌથી વધારે નુકશાનમાં ભાજપ રહ્યું હતુ જે મુજબ ભાજપે ચૂંટણી યોજાઈ તે પહેલા જ લોકસભાની પાંચ બેઠકો ગુમાવી દીધી છે.

હિન્દી પટ્ટાના ત્રણ મહત્વના રાજયોમાં હાર બાદ ભાજપ બચાવની સ્થિતિમાં આવી ગયું છે. જેને લઈને એનડીએના સાથી પક્ષો આગામી લોકસભાની ચૂંટણીમાં વધારે બેઠકો આપવા નાક દબાવવા લાગ્યા હતા આવા જ પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ એનડીએ છોડવાની જાહેરાત કરીને યુપીએમાં જોડાયા હતા. બિહારમાં કુસવાહા બાદ જેડીયું અને એલજેપીઓ પણ ભાજપ પર દબાણ વધાર્યું હતુ.

જેથી, લોકસભાની બેઠકોની સમજૂતી કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં જેડીયુના વડા અને બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર તથા લોકજનશકિત પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી સમજૂતી મુજબ બિહારની લોકસભાની ૪૦ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર ભાજપ ૧૭ બેઠકો પર જેડીયું અને એલજેપી છ બેઠકો પર ચૂંટણી લડશે.

ઉપરાંત, વધારે બેઠકોની માંગણી કરી રહેલા એલજેપીને ખુશ રાખવા રામવિલાસ પાસવાનને રાજયસભામાં મોકલવાનો નિર્ણય પણ કરાયો છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે એલજેપી, ઉપેન્દ્રકુસવાહા વગેરે સભ્ય ગઠ્ઠબંધન કરીને ૨૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જયારે જેડીયુંએ કોંગ્રેસ અને આરજેડી સાથે ગઠ્ઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને માત્ર બે જ બેઠકો જીતી શકી હતી. જે બાદ, નિતિશકુમારે આરજેડી અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને એનડીએમાં જોડાયા હતા. જેથી આગામી ચૂંટણીમાં એનડીએ ગઠ્ઠબંધનમાંથી જેડીયુને ૧૭ બેંકો મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.