Abtak Media Google News

‘નલ સે જલ’ યોજના અવન્યે ૩૧મી ડિસેમ્બર સુધીમાં રહેણાંક હેતુના ગેરકાયદે નળ જોડાણ રેગ્યુલાઈઝડ કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

કોર્પોરેશનમાં કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૬૧ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

દેશનો કોઈપણ વ્યક્તિ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે ભારત સરકાર દ્વારા ‘નલ સે જલ’ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ યોજનાની અમલવારી કરાય છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થોડા દિવસો પહેલા એવા મતલબની જાહેરાત કરાઈ હતી કે, રાજ્યભરમાં માત્ર રૂા.૫૦૦ વસુલી અનઅધિકૃત એટલે કે, ભૂતિયા નળ જોડાણ નિયમીત કરી આપવામાં આવશે. દરમિયાન રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં નિયત કરાયેલા ચાર્જ ઉપરાંત માત્ર રૂા.૫૦૦ વધારાના વસુલ કરી ભૂતિયા નળ જોડાણ નિયમીત કરી આપવામાં આવશે. જેનાથી મહાપાલિકાને પાણી વેરા પેટે થતી આવકમાં પણ વધારો થશે અને ભૂતિયા નળ જોડાણ પણ નિયમીત થવાથી લોકોના મનમાં જે નળ જોડાણ કપાઈ જવાનો ડર છે તે કાયમ માટે જતો રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નિયમ કરાયેલા ચાર્જ ઉપરાંત વધારાના રૂા.૩૦૦૦ વસુલી ભુતિયા નળ જોડાણ નિયમીત કરી આપવામાં આવે છે. આ યોજના છેલ્લા ૬ વર્ષથી ચાલુ છે. દરમિયાન ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘નલ સે જલ’ યોજના અંતર્ગત હવે આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં ૩૦૦૦ નહીં પરંતુ માત્ર રૂા.૫૦૦નો વધારાનો ચાર્જ વસુલ કરી અડધા ઈંચ હેતુનું નળ કનેકશન નિયમીત કરી આપવામાં આવશે. આ યોજનાને મંજૂરી આપવા માટે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૬૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

શહેરની હદમાં આવેલ રહેણાંક તથા બિન રહેણાંકમાં નવા નળ કનેકશન આપવા તથા અનઅધિકૃત નળ કનેકશન રેગ્યુલાઈઝ કરવા તથા તા.૨૧-૧૧-૨૦૧૪ના રોજ મંજૂર કરવામાં આવેલો ઠરાવ હાલ અમલમાં છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ‘નલ સે જલ’ યોજના અંતર્ગત તમામ શહેરી વિસ્તારમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં મળે તે માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં નાગરિકોએ નળ વાંટે પીવાનું પાણી મેળવવા અરજી કરવી પડે છે. આ માટે મહાપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલ ચાર્જ પણ ભરવો પહે છે. હાલ મહાપાલિકા દ્વારા અડધા ઈંચનું પાણીનું કનેકશન આપવા રૂા.૨૫૦૦ વસુલ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિએ મંજૂરી વિના નળ કનેકશન મેળવી લીધું હોય તો તે નિયમીત કરવા માટે મહાપાલિકા દ્વારા નક્કી કરાયેલો પ્રક્રિયા ચાર્જ તથા વધારાના ૩૦૦૦ વસુલ કરવામાં આવે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ ભૂતિયુ નળ જોડાણ ધરાવતો હોય તો તે ૨૫૦૦ ઉપરાંત ૩૦૦૦ એટલે કે, રૂા.૫૫૦૦ જમા કરાવી પોતાનું આ નળ કનેકશન નિયમીત કરાવી શકે છે.

પાણીની જરૂરીયાત મુળ ભૂત છે. ભૂતિયા નળ જોડાણ નિયમીત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ખાનગી જમીનમાં રહેણાંકના ઉપયોગ માટે લેવાતા અડધા ઈંચ સુધીના નળ જોડાણને ભુતીયામાંથી નિયમીત કરવું હોય તો માત્ર વધારાના રૂા.૫૦૦ ભરી તેને રેગ્યુલાઈઝડ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ પણ સરકારી કે ખાનગી જમીનમાં રહેણાંકના એકમોમાં રહેતા કોઈપણ વ્યક્તિ અરજી કરી નિયત ફી ભરી નિયત પ્રક્રિયા દ્વારા પાણીનું કનેકશન લેવા માંગતા હોય તેઓને નિયમ પ્રમાણે નળ કનેકશન આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ ભુતીયુ નળ જોડાણ ધરાવતો હશે તો નિયત કરાયેલા ચાર્જ ઉપરાંત ૫૦૦ રૂપિયા ભરશે તો તેનું નળ જોડાણ નિયત થશે. અનઅધિકૃત નળ જોડાણના લીધે મહાપાલિકાને પાણી વેરા પેટે થતી આવકમાં પણ ભારે નુકશાન જાય છે. જેના માટે ‘નલ જે જલ’ યોજના અંતર્ગત હવે માત્ર રૂા.૫૦૦ વધુ ભરી ભૂતિયુ નળ જોડાણ નિયમીત કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. આગામી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી આ યોજના અમલમાં રહેશે. ત્યારબાદ ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી નિયત કરાયેલા ચાર્જ મુજબ ભુતિયુ નળ જોડાણ રેગ્યુલાઈઝ થશે. નવા કનેકશનની માંગણી આવ્યે મિલકત વેરાના ઘર નંબરની વિગત અરજદારે રજૂ કરવાની રહેશે. જો પ્રથમ વખત આકારણી કરવાની હોય તેવા કિસ્સામાં વેરા વસુલાત વિભાગે ૨૪ કલાકમાં આકારણીની કામગીરી કરવાની રહેશે. અથવા મિલકત વેરાના ઘર નંબર ફાળવવાના રહેશે. આ યોજના ૩૧ ડિસેમ્બર સુધી જ અમલમાં રહેશે.

આ ઉપરાંત આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગની બેઠકમાં અલગ અલગ ૬૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં શહેરના વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં રૂા.૧૯.૩૮ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ હાઈસ્કૂલ બનાવવા, એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગની કાર્યવાહી કરવા, મહાપાલિકાની અલગ અલગ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારી અને તેના પરિવારજનોને અલગ અલગ બિમારી સબબ લીધેલી તબીબી ખર્ચની સહાય મંજૂર કરવા, વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૧૪માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભયગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ અને શહેરનો અહેવાલ માટે સ્ટ્રકચર એન્જીનીયરીંગની નિમણૂંક કરવા, કોવિડ-૧૯ની પરિસ્થિતિના અનુસંધાને ચાર સ્મશાન ગૃહોને વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ આપવા, કોમ્યુનિટી હોલનું સંચાલન ટ્રસ્ટને આપવા તથા જેની અગાઉથી સંચાલન સોંપવામાં આવ્યું છે તેની મુદત વધારવા, પ્લેટોરીયમ સંકુલમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુદત વધારવા, એસઆરપી બંદોબસ્તના બાકીના બીલો ચુકવવા, ફર્નીચર ખરીદીનો મેન્ટેનન્સ સાથેનો કોન્ટ્રાકટ આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

‘ભૂતિયા’ રેગ્યુલાઈઝડ થવાથી વોટર ટેકસની આવક પણ વધશે

ભારત સરકારની ‘નલ જે જલ’ યોજનાની અમલવારી કરતા ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે, રાજ્યભરમાં અનઅધિકૃત નળ જોડાણ માત્ર રૂા.૫૦૦ વધારાના વસુલી રેગ્યુલાઈઝડ કરી દેવામાં આવશે. આ જાહેરાતથી લોકો સાથે સરકારને પણ ફાયદો થશે. ભુતિયા નળ જોડાણના કારણે રાજકોટ મહાનગરપાલિકાને વર્ષે પાણી વેરા પેટે થતી આવકમાં કરોડો રૂપિયાની નુકશાની થાય છે. હવે ભૂતિયા નળ જોડાણ નિયમીત થવાના કારણે જોડાણ દીઠ રૂા.૫૦૦ની આવક તો થશે જ પરંતુ સાથો સાથ દર વર્ષે નળ જોડાણ દીઠ વાર્ષિક રૂા.૮૪૦ લેખે પાણી વેરા પેટે પણ આવક થશે. આ યોજના લોકો અને સરકાર બન્ને માટે ફાયદાકારક છે. ભૂતિયા નળ જોડાણ નિયમીત કરવા માટે ૨૦૧૪થી મહાપાલિકા દ્વારા યોજના મુકવામાં આવી છે પરંતુ રૂા.૩૦૦૦ હજાર સુધીનો ચાર્જ હોવાના કારણે સફળતા મળી ન હતી. કેમ કે નિયમીત નળ જોડાણ મેળવવા કરતા ભૂતિયુ નિયમીત કરવાનો ચાર્જ વધુ હોવાના કારણે મહદઅંશે આ યોજના નિષ્ફળ જ રહી છે પરંતુ હવે ભૂતિયુ ૩૦૦૦ના બદલે હવે રૂા.૫૦૦માં નિયમીત થવાનું હોય તેથી સારો પ્રતિસાદ મળશે તે નકારી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.