Abtak Media Google News

ગુજરાતના શિક્ષણ મંત્રીએ કુવૈતના ઉચ્ચ શિક્ષણ મંત્રી સાથે કરી મુલાકાત

“સ્ટડી ઇન ગુજરાત એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા થોજવામાં આવેલ એક નવીનતમ પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યને ભારતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવાનો છે.

શિક્ષણ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શૈક્ષણિક સંસ્થાઓના સહયોગ દ્વારા શિક્ષણ પર ભાર મૂક્યો છે. આ પ્રેરણાને સાર્થક કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનથી, અમે ભારત અને વિશ્વ સમક્ષ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દર્શાવવા માટે ‘સ્ટડી ઇન ગુજરાત’ કાર્યક્રમની શરૂઆત કરી છે.

મંત્રીએ સંબોધન દરમિયાન શિક્ષણ ક્ષેત્રને અત્યંત મહત્વ આપવા માટેના કુવૈતના પ્રયત્નોની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, “મને જાણવા મળ્યું છે કે કુવૈત સરકાર દ્વારા શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે, જે આપણા બંને દેશો વચ્ચેના પરસ્પરના સબંધને વધુ મજબૂત બનાવશે. અત્યાધુનિક માળખાગત સુવિધા સાથે વિશ્વની કેટલીક ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં આવેલી છે, તેના દ્વારા કુવૈત અને ગુજરાત વિશ્વને જ્ઞાન આધારિત અર્થતંત્રનો સાચો અર્થ દર્શાવે છે.

ગુજરાત સંદર્ભે વાત કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “શિક્ષણ અંગે ૨૦૧૮-૧૯માં કરવામાં આવેલા ઓલ ઇન્ડિયા સર્વે અનુસાર, ગુજરાત દેશના ટોચના ૧ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. જ્યાં, દર ૧ લાખ લોકોની વસ્તીએ ૨૮ કે તેથી વધુ કોલેજો કાર્યરત છે. ભારતમાં સૌથી વધુ કોલેજો ધરાવતા ટોચના ૧ રાજ્યોમાં પણ ગુજરાત સ્થાન મેળવ્યું છે. ગુજરાતની સતત વિકાસનું મહત્વનું કારણ છે રાજ્યનું સુરક્ષિત વાતાવરણ અને કાયદો-વ્યવસ્થાની એક સમર્પિત સિસ્ટમ!

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માની આગેવાની હેઠળ શિક્ષણ વિભાગ તેમજ ગુજરાતની ૧૯ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ આ શો માં ભાગ લીધો છે, ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી આ રોડ-શોની મુખ્ય ભાગીદાર છે. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસના સંયુક્ત ઉપક્રમે ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન અંતર્ગત પ્રથમ રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, “ભારતમાં નવાં ઉભરી રહેલા સ્ટાર્ટઅપ્સમાં ગુજરાતનો હિસ્સો ૪૬% છે. નાની, મધ્યમ અને મોટા કદની કંપનીઓની સ્થાપનાને પ્રોત્સાહન આપવા માટે અનેક નીતિઓ ઘડવામાં આવી છે, પરિણામે ગુજરાતની યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ થતા અનેક વિદ્યાર્થીઓ હવે સ્ટાર્ટ-અપનો માર્ગ અપનાવે છે. યુવાનોની આંત્રપ્રેન્યોર પ્રતિભા ઉપરાંત, અમારા રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ, શિક્ષણ અને વૃદ્ધિ માટેના સુરક્ષિત વાતાવરણ સહિતનો સમૃદ્ધ વારસો છે. ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ ૪૯૩ પેટન્ટ્સ ફાઇલ કરવામાં આવી છે. અત્યારે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ૧૦,૦૦૦ કરતાં પણ વધુ વિદેશી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.

અગ્ર સચિવ શ્રીએ દરેક ક્ષેત્રમાં ગુજરાતના વિકાસ મોડેલનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. ગુજરાતનો વિકાસ યોગ્ય નીતિઓ, પારદર્શકતા અને લક્ષ્ય આધારિત છે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને નોકરી મેળવનારને બદલે નોકરી આપનાર બનાવવાનો !

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ૬ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં કુવૈત ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટ અપ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ વચ્ચે ડીઝાઇન અને ઇનોવેશન ક્ષેત્ર, ડીઝાઇન અને આર્કિટેક્ટર ક્ષેત્રે ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ, સીઈપીટી અને બોક્સ હિલ કોલેજ, જીએનએલયુ અને બોક્સ હિલ કોલેજ, સાંકળચંદ પટેલ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ જ્યારે પીડીપીયુ અને બોકસ હિલ કોલેજ વચ્ચે એમ કુલ ૬ એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતા.

રોડ શો બાદ ૧૯ પાર્ટનર યુનિવર્સિટીઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.

આ રોડ શોમાં મોટી કુવૈતમાં ભારતના રાજદૂત કે. જીવા સાગર સહિત મોટી સંખ્યામાં શિક્ષણવિદો, આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને કુવૈતની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત બીજા દિવસે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કુવૈત સરકારના ઉચ્ચ શિક્ષણમંત્રી ડો. સાઉદ અલ-હરબીની પણ મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ગુજરાત અને કુવૈત વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહયોગના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં સંમતિ દર્શાવી હતી. પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અને રિસર્યના ક્ષેત્રે ગુજરાતની પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી સાથે જોડાણ કરવા માટે ડો. સાઉદ અલ-હરબીએ તેમની ઇચ્છા દર્શાવી હતી. મંત્રીએ ભારતીય ડાયસપોરા અને ગુજરાતી સમાજ સાથે પણ બેઠક કરી હતી. ઇન્ડિયા-કુવૈત બિઝનેસ કાઉન્સિલના પ્રેસિડેન્ટ આનંદ કાપડિયાએ ગુજરાત સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને સ્ટડી ઇન ગુજરાત કેપેઇનમાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ગુજરાતના પ્રતિનિધિમંડળે કુવૈત યુનિવર્સિટીની પણ મુલાકાત લઈને તેમના પ્રેસિડેન્ટને પણ મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.