Abtak Media Google News

ભાણવડના મેવાસા ગામના એક યુવાનને પૈસાની ઉઘરાણીના મામલે ગઈકાલે બે શખ્સોએ પોતાના મોટરસાયકલમાં બેસાડી તેનું અપહરણ કર્યા પછી ધોકા મારી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. આ યુવાનને તેના ઘરે ફોન કરાવી રૃા.ર લાખની માગણી પણ કરાઈ હતી. પોલીસે આરોપીઓની શોધ શરૃ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં ભરતભાઈ હેભાભાઈ જોગલ ઉર્ફે ભીખાભાઈ આહિરે થોડા સમય પહેલા ભાણવડના ધવલ રીંઝવા નામના શખ્સ પાસેથી હાથઉછીની રકમ લીધી હતી તે રકમ પરત મેળવવા માટે ધવલે પઠાણી ઉઘરાણી શરૃ કરી હતી.

તે દરમ્યાન ગુરૂૂૂવારે સાંજે પાંચેક વાગ્યે ભરતભાઈ ગામમાં મંદિર પાસે બેઠા હતા ત્યારે ત્યાં મોટરસાયકલ પર આવેલા ધવલ અને ફતેપુર ગામના સંજય રાવલિયાએ ભરતભાઈને મોટરસાયકલમાં બેસી જવાનું કહેતા મિત્રતાના સંબંધના કારણે ભરતભાઈ બેસી ગયા હતા.

ત્યાર પછી ધવલે મોટરસાયકલ ફતેપુર તરફ ચલાવ્યું હતું જેની સીમમાં પહોંચી છેલ્લે બેઠેલા સંજય અને ધવલે ઉતરી મોટરસાયકલ તું ચલાવ તેમ કહી નજીકમાં આવેલી વાડી પાસે ભરતભાઈને લઈ જઈ ગાળો ભાંડી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ભરતભાઈને હાથ-પગમાં ફ્રેકચર થઈ ગયા હતા ત્યાર પછી બન્ને શખ્સોએ ભરતને તેના ફોનમાંથી પોતાના ઘરે ફોન કરવાનું કહી રૃા.ર લાખ મગાવી લેવાનું કહેતા ભરતે પોતાના પિતાને ફોન કર્યો હતો તે પછી ભરતને જવા દેવાયો હતો.

ઉપરોક્ત બાબતની ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે આઈપીસી ૩૮૬, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, ૧૨૦ (બી), જીપી એક્ટની કલમ ૧૩૫ એક્ટ હેઠળ ગુન્હો નોંધી બન્ને આરોપીઓની શોધ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.