Abtak Media Google News

આઝાદ  બાળપણની દિશામાં રાજય સરકારની સહિયારી કૂચમાં સહભાગી બનવા અનુરોધ કરતા મદદનીશ શ્રમ આયુક્ત શ્રીમતી સંગીતાબેન મેકવાન

બાળ અને તરૂણ મજૂરી નાબૂદી અંતર્ગત સેમિનાર સંપન્ન

શ્રમ આયુક્ત વડોદરા દ્વારા બાળ અને તરૂણ મજૂરી નાબૂદી અંતર્ગત પ્રાદેશિક કક્ષાનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. નાયબ શ્રમ આયુક્ત શ્રી જી.એલ.પટેલ અને મદદનીશ શ્રમ આયુક્ત શ્રીમતી સંગીતા મેકવાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખૂલ્લો મૂક્યો હતો.

બાળ અને તરૂણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ૨૦૧૬ હેઠળની જોગવાઇઓ અંગે માર્ગદર્શન આપતા નાયબ શ્રમ આયુક્ત શ્રી જી.એલ.પટેલે જણાવ્યું કે, નિર્દોષ બાળકોના બાળપણ પર બાળમજૂરીનું ગ્રહણ ન લાગે તે માટે સંબંધિત તમામે એક ટીમ બની કામ કરવાની આવશ્યકતા રહે છે.

Canon Eos 550D032

વ્યવસાય કે પ્રક્રિયામાં ૧૪ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને બાળશ્રમિક ગણવામાં આવે છે તેથી તેમને કામે રાખી શકાય નહિ અને આમ છતાં કોઇ સંસ્થા કે વ્યક્તિગત રીતે બાળશ્રમિક મળી આવે તો તે માલિક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે છે.

કાયદા મુજબ ૧૪ વર્ષ સુધીના બાળક પાસે કોઇપણ વ્યવસાયિક તથા ૧૪ થી ૧૮ વર્ષની વય ધરાવતાં તરૂણ-તરૂણીઓ માટે જોખમી હાનિકારક કામ કરવા સામે કાયદા દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શાળાકીય અભ્યાસના ભોગે બાળક પાસે વ્યવસાયિક પ્રવૃત્તિ કરાવવામાં આવે તે બાળક માટે માનસિક, શારીરિક, સામાજિક કે નૈતિક રીતે જોખમી બને છે.

Canon Eos 550D034

ભાવિ નાગરિકો એવા બાળકોના સુદ્રઢ ભવિષ્ય માટે તેમનું શિક્ષણઘડતર યોગ્ય રીતે થાય તે જરૂરી છે.આથી બાળ અને કિશોર મજૂરી અટકાયત પ્રવૃત્તિનું વિશેષ મહત્વ છે.તેમ શ્રી પટેલે વધુમાં કહ્યુ હતુ. રાજય સરકાર દ્વારા આ કાયદા અન્વયે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિ વિશે તેમણે સવિસ્તર માર્ગદર્શન આપ્યું હતુ. મદદનીશ શ્રમ આયુક્ત શ્રીમતી સંગીતાબેન મેકવાને જણાવ્યું કે, બાળકોને તેમની પાંખો ફેલાવી ઉડવા માટેનું આકાશ મળી રહે તેવો અવસર અભ્યાસ અને ઇત્તર પ્રવૃત્તિઓથી સાંપડે છે.

ભારતના ભાવિ નાગરિકોને તેની તરૂણાવસ્થા સુધી મજૂરી નહિ પરંતુ અભ્યાસ-શૈક્ષણિક પ્રવૃત્તિની આવશ્યકતા રહે છે. આઝાદ બાળપણની દિશામાં રાજય સરકારની સહિયારી કૂચમાં સંબંધિતોને ટીમ તરીકે કાર્ય કરવામાં સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.સેમિનારમાં તજજ્ઞશ્રીઓએ બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) સુધારેલ અધિનિયમ ૨૦૧૬ હેઠળની જોગવાઇઓ અને તે અંતર્ગત કરવાની કામગીરી વિશે માહિતી-માર્ગદર્શન આપ્યું હતુ.વડોદરા ખાતે યોજાયેલ સેમિનારમાં ભરૂચ, નડિયાદ, ગોધરા, આણંદ, દાહોદ સહિતના જિલ્લાના પોલીસ, આરોગ્ય, શ્રમ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ જોડાયા હતા.કાર્યક્રમનું સંચાલન કિંજલ ડોડીયાએ કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.