Abtak Media Google News

થાનમાં ૭ ઈંચ, સાયલા અને મુડીમાં ૫ ઈચ, લખતરમાં ૪ ઈંચ, ચુડા અને વઢવાણમાં ૩ ઈંચ વરસાદ ખાબકયો: જિલ્લામાં ૨૬૮૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર: તમામ જળાશયો ઓવરફલો: ચોટીલામાં એક સપ્તાહમાં ૩૭ ઈંચ વરસાદ પડતા સમગ્ર પંથક બેટ બન્યું

આ વર્ષે ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાને ખાસ ટાર્ગેટ બનાવ્યા હોય તેમ દરેક રાઉન્ડમાં આ બંને જિલ્લાઓમાં સુપડાધારે વરસાદ ખાબકે છે. શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હતા. ગત શુક્રવારે ચોટીલામાં એક જ રાતમાં અનરાધાર ૨૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ છેલ્લા ૧૨ કલાકમાં ચોટીલામાં સુપડાધારે ૧૩ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જળાશયો ભારે વરસાદમાં ઓવરફલો થઈ ગયા છે તો વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાંથી ૨૬૮૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ૨ થી લઈ ૧૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. ચોટીલામાં ૧૩ ઈંચ, ચુડામાં ૩ ઈંચ, દશાળામાં ૨ ઈંચ, ધ્રાંગધ્રામાં દોઢ ઈંચ, લખતરમાં ૪ ઈંચ, લીંબડીમાં ૨ ઈંચ, સાયલામાં ૫ ઈંચ, થાનગઢમાં ૫ ઈંચ અને વઢવાણમાં ૩ ઇંચ વરસાદ પડી ગયો છે. ચોટીલામાં રાજયભરમાં સૌથી વધુ ૧૩ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં હજી જુલાઈ માસ પણ પુરો થયો નથી ત્યાં ચોટીલામાં મોસમનો ૨૦૪ ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોસમનો ૯૮.૩૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

અતિભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જળાશયો ઓવરફલો થઈ ગયા છે. વઢવાણ ભોગાવો-૧ના ૩૦ દરવાજા ૨.૪૪ મીટર ખોલી નાખવામાં આવ્યા છે. જયારે ધોળીધજા ડેમ હાલ ૬ ફુટે ઓવરફલો થઈ રહ્યો છે. લીંબડી ભોગાવો-૧ ૬ ફુટે ઓવરફલો થઈ રહ્યો છે. ફલકુ ડેમના ૮ દરવાજા ૫૦ ડિગ્રી સુધી ખોલી નાખવામાં આવ્યા છે. વાસલ ડેમ ૦.૦૩ મીટરની સપાટીએ, મોરસલ ડેમની ૧.૧ મીટરની સપાટીએ, સબુરી ડેમ ૧.૫ મીટરની સપાટીએ, ત્રિવેણીઠાંગો ૧.૫ મીટરની સપાટીએ, ધારી ડેમ ૦.૯ મીટરની સપાટીએ ઓવરફલો થઈ રહ્યા છે તો લીંબડી ભોગાવો-૨ના ૧૪ દરવાજા ૧૦ ફુટ અને નીંભણીના ૧૦ દરવાજા ૩ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ૨૬૮૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.