Abtak Media Google News

કોંગ્રેસીઓને બાપુના ૭૭મા જ્ન્મદિન નિમિત્તે ગાંધીનગર ટાઉનહોલમાં યોજાનારા કાર્યક્રમમાં નહીં જવા આદેશ છતાં હજારો સમર્થકો ઊમટી પડ્યા: હાઈકમાન્ડ સાથે પરામર્શ બાદ ક્રોસવોટિંગ કરનારા ધારાસભ્યો સામે પગલાં લેવાશે: સોલંકી

ગુજરાત કોંગ્રેસના ૧૧થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસ-યુપીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર મીરાકુમારને બદલે એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદની તરફેણમાં ક્રોસવોટિંગ કરતાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસથી નારાજ અને શુક્રવારે સમસંવેદના સંમેલન યોજીને કોંગ્રેસ સાથે છેડો ફાડવા જઈ રહેલાં વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાનું આ જન્મદિન પૂર્વે શક્તિ પ્રદર્શનનું ટ્રેલર મનાય છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ગુરુવારે જાહેર થયેલાં પરિણામમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીએ આપેલાં વ્હીપને ધરાર ફગાવીને નવાજૂની કરવાના એંધાણ આપી દીધા છે. ક્રોસવોટિંગને પગલે વાઘેલા સાથે આંગળીને વેઢે ગણાય તેટલા જ ધારાસભ્યો હોવાના કોંગ્રેસના દાવા પોકળ પુરવાર થયા છે. ક્રોસવોટિંગને દુ:ખદ, કમનસીબ અને ગંભીર ગણાવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાઈકમાન્ડ સાથે પરામર્શ બાદ પગલાં લેવાશે એમ જણાવ્યું છે. સાથોસાથ પ્રદેશ સ્તરેથી તમામ ધારાસભ્યો, ચૂંટાયેલાં પદાધિકારીઓ અને જિલ્લા પ્રમુખને શંકરસિંહના સંમેલનમાં હાજરી ન આપવાના આદેશ આપવામાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલા ગુરુવારે સાંજે દિલ્હીથી પરત આવીનેગાંધીનગરમાં સમારંભ સ્થળની મુલાકાત લઈને આયોજન-વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રપતિપદના મતદાન બાદ નવગુજરાત સમયે કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસવોટિંગનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આજના પરિણામને પગલે આ અહેવાલને સમર્થન મળ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસથી નારાજ શંકરસિંહ વાઘેલાના જન્મદિનની ઉજવણી શુક્રવારે ગાંધીનગરના ટાઉનહોલ ખાતે બપોરે ૧.૩૦ કલાકે સમસંવેદના સંમેલન યોજીને પક્ષથી છેડો ફાડશે તેવું નિશ્ચિત બન્યું છે તે પૂર્વે ગુરુવારે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ક્રોસવોટિંગની ઘટનાથી ગુજરાતના રાજકારણમાં, ખાસ કરીને કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રદેશથી માંડીને દિલ્હી સુધીના નેતાઓ પણ આ ઘટનાથી ક્ષુબ્ધ થઈ ગયા છે. આ ઘટનાથી કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સાથે જ શુક્રવારે બાપુ સાથે અન્ય કેટલાં ધારાસભ્યો જશે/ તેની અટકળો થવા લાગી છે. શંકરસિંહ સાથે શુક્રવારે મંચ પર કેટલાક ધારાસભ્યો જાહેરમાં બાપુને સમર્થન આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડશે એમ જણાવતા સૂત્રો કહે છે કે, કેટલાક ધારાસભ્યો  બાપુને ખાનગીમાં સમર્થન આપી રહ્યા છે અને સમય આવ્યે બાપુ સાથે ઊભા રહેશે. દરમિયાન શંકરસિંહ વાઘેલા ગુરુવારે સાંજે દિલ્હીથી પરત ફર્યા હતા. દિલ્હીગમન પૂર્વે આ મુલાકાતને ખાનગી ગણાવી ચૂકેલાં વાઘેલાએ અમદાવાદ આવ્યા પછી પણ મુલાકાતના મુદ્દે મૌન સેવ્યું છે. બીજીતરફ કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ વાઘેલા સાથે શુક્રવારના સંમેલનમાં કેટલા ધારાસભ્યો પક્ષ છોડશે તેનું આકલન હાથ ધરવામાં આવ્યું છે.

ક્રોસવોટિંગની ઘટના પછી કોંગ્રેસના ટોચના નેતાઓ ખૂબ જ સાવચેતીના ભાગરૂપે રાજ્યભરના કોંગી કાર્યકરો, તાલુકા-જિલ્લાના ચૂંટાયેલાં આગેવાનો, જનપ્રતિનિધિઓ સહિતના પદાધિકારીઓને વાઘેલાના સંમેલનમાં ન જવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ક્રોસવોટિંગના મુદ્દે પ્રદેશના નેતાઓનો ઉધડો લે તેવી શક્યતા વ્યક્ત કરતા સૂત્રો કહે છે કે, પ્રદેશના એક હોદ્દેદારે વ્યક્તિગત ધારાસભ્યો, જિલ્લાના હોદ્દેદારોને વ્યક્તિગત ફોન કરીને વાઘેલાના સંમેલનમાં ન જવા માટે સૂચનાઓ આપી છે. પ્રદેશ સ્તરેથી આપવામાં આવેલી સચનાને પગલે વાઘેલાના સંમેલનમાં જવા થનગની રહેલાં અને બાપુ પ્રત્યે પ્રત્યે લાગણી અને વ્યક્તિગત સંબંધ ધરાવતાં કેટલાયે ધારાસભ્યો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. એક રીતે જોવા જઈએ તો વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનું આ શક્તિ પ્રદર્શન છે. અત્યારસુધી બાપુની તાકાતને ઓછી આંકતા અથવા નજરઅંદાજ કરતા પ્રદેશના નેતાઓને બાપુ આ ઉંમરે પણ કેટલું રાજકીય સમર્થન ધરાવે છે તેની પ્રતીતિ કરાવવા બાપુએ આ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગરના ટાઉનહોલ ખાતે શુક્રવારે બપોરે ૧.૩૦ કલાકે શંકરસિંહ વાઘેલાના ૭૭મા જન્મદિનની ઉજવણીનો પ્રારંભ સમસંવેદના સમારંભ સાથે થશે. આ સંમેલનમાં હાજરી ન આપવાના પ્રદેશ કોંગ્રેસના આદેશ છતાં બાપુના હજારો સમર્થકો ઉમટી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. એક અંદાજ મુજબ સંમેલનમાં રાજ્યભરમાંથી ૨૦થી ૨૫ હજાર સમર્થકો હાજર રહેશે.

એકતરફ શંકરસિંહ શુક્રવારે તેમના જન્મદિને મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે તે પૂર્વે કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત અને પાસના નેતાઓ વરૂણ પટેલ, દિનેશ બાંભણિયા અને મનોજ પનારા વચ્ચે બેઠક યોજાઇ હોવાનું બહાર આવ્યું છે. જો કે આવી કોઇ બેઠક યોજાઇ નહીં હોવાનું પાસના દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું. એકતરફ હાર્દિક અને શંકરસિંહે એકબીજાના જન્મદિને પરસ્પર ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી ત્યારે પાસના અગ્રણીઓ સાથે કોંગ્રેસની આ બેઠક રાજકીય રીતે સૂચક બની હતી. બેઠકમાં ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત હતા જો કે પાસના અતુલ પટેલે કહ્યું હતું કે ગહેલોતને ત્રણે અગ્રણી મળ્યા છે તે યોગ્ય એટલા માટે નથી કે આંદોલનમાં જેમણે અગ્રીમ ભૂમિકા ભજવી હોય તેમને વિશ્વાસમાં લેવાયા નથી. અગાઉ હાર્દિકે એવી ખાતરી આપી હતી કે કોર કમિટીને સાથે લઇને જ આ્વી મીટિંંગ થશે.

શંકરસિંહ વાઘેલા પોતાના ૭૬માં જન્મદિવસે નીમીતે વાસણીયા મહાદેવના મંદીરે આવી પહોચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, આ ફકત એક જન્મ દિવસ માટેનું સંમેલન છે કોઇ રાજકીય કાર્યક્રમ નથી. પણ વધુમાં એક માર્મીક ટકોર કરતાં કહ્યું હતું કે, બા રીટાયર થાય પણ બાપુ રીટાયર ન થાય અને આજનો દિવસ ગુજરાતના રાજકારણ માટે ઐતિહાસિક બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.