Abtak Media Google News

મહામારીની અસર બેન્કિંગ સેકટર પર વધુ આકરી જોવા મળશે: એનપીએ થવાની દહેશતથી બેંકોને વધુ રિસ્ક લેવું પડશે

કોરોના વાયરસની મહામારીના કારણે બેન્કિંગ સેકટરને કમ્મરતોડ ફટકા પડ્યા છે. બેંકોના ૭૨ ટકા ધિરાણ અને ૬૨ ટકા ડિપોઝીટ ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. મહામારીના પગલે આર્થિક ગતિવિધિઓ મંદ પડી જતા બજારમાં તરલતા નથી. લોકો પાસે નાણા ઘટ્યા છે. બીજી તરફ ઉદ્યોગો પણ હપ્તા ભરવા અસમર્થ બન્યા છે. આવી સ્થિતિમાં બેંકોના ધિરાણ ઉપર જોખમ છે. ખાસ કરીને રેડ ઝોનમાં આવેલી બેંકોની બેલેન્સીંગ તેમજ એસેટ કવોલીટી બગડે તેવી શકયતા છે.

કોરોના વાયરસના સંક્રમણને તબક્કાવાર ઓછુ કરવા માટે દેશના જિલ્લાઓને ત્રણ અલગ અલગ ઝોનમાં મુકાયા હતા. રેડ ઝોનમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. પરિણામે રેડ ઝોનમાં વેપાર-ધંધા લાંબા સમયથી બંધ છે. મુંબઈનો દાખલો લઈએ તો વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં સરેરાશ બેંક ધીરાણ રૂ.૧૦૦.૭ લાખ કરોડ હતું. જ્યારે ડિપોઝીટ રૂ .૧૩૫.૯ લાખ કરોડની હતી. હવે બેન્ક ક્રેડીટ રૂ.૭૨ લાખ કરોડ અને ડિપોઝીટ રૂ .૮૨ લાખ કરોડે પહોંચી છે. પરિણામે બેંકોની હાલત વધુ ખરાબ થાય તેવી ધારણા છે. મુંબઈમાં ૨ જિલ્લા રેડ ઝોનમાં છે. પશ્ર્ચિમ વિસ્તારમાં ૭૨ ટકા રેડ ઝોનનો સમાવેશ થાય છે. આવા સમયે બેંકોના નાણા જોખમમાં મુકાઈ ગયા છે. એક તરફ આઉટ સ્ટેન્ડિંગ બેન્ક ક્રેડીટ સામે લાલબત્તી બતાવાઈ છે.

નોંધનીય છે કે, દેશમાં અર્થતંત્રને બેઠુ કરવા માટે અને ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી વડાપ્રધાન મોદી દ્વારા રૂ .૨૦ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું. આ રાહત પેકેજના માધ્યમથી સરકાર ગેરંટર બનીને નાના અને મધ્યમ ઉદ્યોગોને ધીરાણ અપાવશે. આ ઉપરાંત હવેથી સરકાર ૫૦ લાખ ખુમચાવાળાઓને પણ લોન આપશે. નાના વેપારીઓનો ધંધો પડી ન ભાંગે તે માટે વિવિધ સ્તરે સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમને આ મુદ્દે જાહેરાત કરી હતી. બીજી તરફ આખા દેશનું અર્થતંત્ર જેના પર નિર્ભર છે તેવા બેન્કિંગ સેકટરની હાલત વધુ બગડી હોવાનું જણાય આવે છે. આગામી સમયમાં ધીમીગતિએ ઉદ્યોગો શરૂ થશે પરંતુ ઉદ્યોગો એકાએક ધમધમી શકે નહીં જેના કારણે બેંકોના ધીરાણ પર જોખમ તોળાશે.

  • શેરી-ગલીઓના ૫૦ લાખ ખુમચાવાળાઓની બાંહેધરી લેશે સરકાર

લોકડાઉનના પગલે નાના ધંધાર્થીઓની હાલત કથળી છે ત્યારે  સરકારે નાના ધંધાર્થીઓન.ે રાહત મેળ તેવા પગલા જાહેર કર્યા છે. સરકારે શેરી, ગલીના પ૦ લાખ ખુમચાવાળાને ધિરાણ માટે રૂ . પ હજાર કરોડની ફાળવણી કરી છે. ખુમચાવાળાને ધિરાણ માટે સરકાર એક માસમાં જ ખાસ યોજના ઘડી કાઢશે. તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું. નાણામંત્રીએ જણાવ્યું હતું કે ખુમચાવાળા નાના ધંધાર્થીઓને લોકડાઉનથી ખુબ જ માઠી અસર થઇ છે સરકારે તેમને વ્યવહાર ચાલી શકે અને ફરી રોજગારી મેળવી શકે તે માટે ખાસ રૂ . પ હજાર કરોડની ફાળવણી કરી છે. આ માટે અત્યારે જ ૧ હજાર કરોડ આપ્યા છે. આ ધિરાણ આવતા એક જ માસમાં યોજના ઘડી કાઢવામાં આવશે એટલે જેટલો જલ્દી બને તેટલી ઝડપી રાહત આપવાની યોજના છે.

  • ૮૩ ટકા લાભાર્થીઓને રાશન વન નેશન, વન રેશન કાર્ડ

મોદી સરકારની અત્યંત મહત્વકાંક્ષી યોજના એટલે કે, ‘વન નેશન વન રેશનકાર્ડ’ આગામી માર્ચ ૨૦૨૧ સુધીમાં પૂરી થવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત રેશનકાર્ડ ધરાવનાર લાભાર્થી દેશના કોઈપણ ખુણેથી અનાજ મેળવી શકશે. વર્તમાન સમયે દેશના ૨૩ રાજ્યોના ૬૭ કરોડ લાભાર્થીઓને સસ્તા દરે અનાજ મળે છે. આ લાભાર્થીઓ પૈકી ૮૩ ટકાને રાષ્ટ્રીય પોર્ટેબ્લીટી હેઠળ  આવરી લેવાયા છે અને આગામી માર્ચ ૨૦૨૧ સુધીમાં ૧૦૦ ટકાને આવરી લેવાશે. પરિણામે કોઈ વ્યક્તિને અનાજ લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમને આ મુદ્દે કહ્યું હતું કે, સુવિધાનો પ્રારંભ માર્ચ મહિનાથી થઈ જશે.

  • ૬ લાખથી ૧૨ લાખની આવક ધરાવનાર માટે હાઉસિંગ સવલત માટે સમયમર્યાદા વધારાઇ

કેન્દ્ર સરકારે મધ્યમ આવક ધરાવતા પરિવારો એટલે કે, વાર્ષિક છ લાખથી ૧૮ લાખ ધરાવતા પરિવાર માટે ક્રેડીટ આધારીત સબસીડી સ્કીમને લંબાવવાનો નિર્ણય લીધા છે. હવે આ સ્કીમ માર્ચ ૨૦૨૧ સુધી ચાલુ રહેશે. પરિણામે દેશના ૨.૫ લાખ પરિવારોને સ્કીમનો લાભ મળશે. આ સ્કીમની સમય મર્યાદા વધારવાના કારણે હાઉસીંગ સેકટરમાં ૭૦,૦૦૦ કરોડનું મુડી રોકાણ આવે તેવી શકયતા છે. આ ઉપરાંત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિસ્થાપિતો, શ્રમિકોને નજીવા દરે મકાન ભાડે આપવાની તૈયારી પણ કરી છે. શહેરોમાં સરકારી ખર્ચે ઉભી કરાયેલી હાઉસીંગ યોજનાઓને એર્ફોડેબલ રેન્ટીંગ હાઉસીંગમાં ફેરવાશે. આ યોજના પીપીપી ધોરણે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.