Abtak Media Google News

હોસ્પિટલ સ્ટાફની મીલી ભગતથી કાવતરા સ્વરૂપે હોસ્પિટલને બદનામ કરવાનો હિન પ્રયાસ: ડો.રવિ પટેલ

કોરોના મહામારી સમયે સંક્રમણ બને તેટલું ઓછુ થાય તેમજ સંક્રમિત દર્દીઓનો સ્વસ્થ બચાવ કરી શકાય તે હેતુસર આરોગ્ય તંત્રની સાથે સાથે ખાનગી હોસ્પિટલો પણ કાર્યરત છે તેવા સમયમાં રાજકોટની આયુષ કોવિડ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થતા ભારે ઉહાપો મચ્યો હતો. હોસ્પિટલમાંથી નિકળતું બાયોમેડિકલ વેસ્ટ જાહેર સ્થળે ફેંકી દીધા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની ગંભીરતા ધ્યાને રાખી મનપા દ્વારા દંડ ફટકારાયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પાસે આવેલી આયુષ હોસ્પિટલ સંચાલિત આયુષ કોવિડ હોસ્પિટલ દ્વારા જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવા બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં હોસ્પિટલની પ્રિસ્ક્રીપ્શન, ગ્લોઝ, માસ્ક સહિતના બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી દેવામાં આવ્યા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટના મનપા તંત્રના કાન સુધી પહોંચતા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્વરીત ધોરણે કાર્યવાહી સ્વરૂપે હોસ્પિટલને દંડ ફટકારી ચેતવણી આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા બાયોમેડિકલ વેસ્ટ જે સ્થળે ફેંકવામાં આવ્યો હતો ત્યાંના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હોય તેવા અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગ્લોઝ, માસ્ક સહિતના વેસ્ટ જો આ પ્રકારે જાહેર સ્થળમાં ફેંકવામાં આવે તો આસપાસના સ્થાનિકોને કોરોના સંક્રમણ ફેલાય તેવું સ્થાનિકોએ કહ્યું હતું. સ્થાનિકોની માંગ મુજબ આગામી દિવસોમાં કોઈ બેદરકારી ન થાય તેના માટે હોસ્પિટલ તંત્રએ બાંહેધરી આપવાની જરૂરીયાત છે તેવી માંગણી કરી હતી.

જયારે બાયોમેડિકલ વેસ્ટ વહેંચી શકાય છે તો જાહેરમાં ફેંકવાની વાત જ કયાં આવી: ડો.રવિ પટેલ

Vlcsnap 2020 09 26 13H19M44S978

આ મામલે આયુષ કોવિડ હોસ્પિટલનાં ડો.રવિ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ૧૫ દિવસથી કોરોના સંક્રમિત થવાના કારણે હોમ આઈસોલેટ થયો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. જે રીતે વિડીયો વાયરલ થયો છે તે મુજબ જોતા પ્રાથમિક તબકકે એવું લાગી રહ્યું છે કે, અમારા કર્મચારીમાંથી જ કોઈએ આ મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી કાવતરું ઘડી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. અમારી હોસ્પિટલમાંથી નિકળતું બાયોમેડિકલ વેસ્ટ રૂા.૬૦ પ્રતિ કિલો અમે વહેંચી દેતા હોઈએ છીએ ત્યારે જાહેરમાં વેસ્ટ નાખવાની અમારે જરૂરીયાત શું છે તે મુખ્ય સવાલ છે તેમ છતાં  અમારી હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ જો જાહેર સ્થળે નાખી દેવામાં આવે તો તે જવાબદારી હોસ્પિટલ તંત્રની જ રહે છે.

એક જાગૃત નાગરીક તરીકે હું હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને ધ્યાને રાખી ભુલનો સ્વીકાર કરું છું. મામલામાં આરએમસીએ હોસ્પિટલને દંડ ફટકાર્યો હતો જે હોસ્પિટલ તંત્ર દ્વારા ભરી દેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી કોઈ બેદરકારી નહીં થાય તેની હું હોસ્પિટલ તંત્ર વતી જવાબદારી લવ છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ તંત્રએ મનપાને પણ લેખિતમાં બાંહેધરી આપી છે કે, આગામી દિવસોમાં હોસ્પિટલ તંત્રનું નામ કોઈ જ વિવાદમાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ડો.રવિ પટેલે કહ્યું હતું કે, જે કોઈ વ્યકિત જવાબદાર હશે તેની ઓળખ કરી કાયદાકિય પગલાઓ લેવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી સમયે સરકારી અને ખાનગી હોસ્પિટલોએ ખંભેખંભા મિલાવીને આ મહામારીને અટકાવવાની છે અને તેના માટે આયુષ કોવિડ હોસ્પિટલ કટીબઘ્ધ છે. દર્દીઓને ઓછા ખર્ચે સારામાં સારી સારવાર મળી રહે તેવા આયોજન સાથે અમે સતત કાર્યરત છીએ અને આગામી દિવસોમાં આવી કોઈ જ ઘટના નહીં બને તેના માટે પણ આયુષ કોવિડ હોસ્પિટલ કટીબઘ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.