Abtak Media Google News

છત્રપતિ શિવાજી ટાઉનશીપ અને ડો.હેડગેવાર ટાઉનશીપની ૧૪ દુકાનો માટે હાથ ધરાયેલી હરાજીમાં કોર્પોરેશનને મળી નિષ્ફળતા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પાંચ સ્થળોએ આવાસ યોજનાના શોપીંગ સેન્ટરમાં બનાવવામાં આવેલી ૧૦૯ દુકાનોની જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. અગાઉ ૫૧ દુકાનોની હરાજી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આજે સવારે રેલનગરમાં બે ટાઉનશીપમાં ૧૪ દુકાનો માટે હાથ ધરવામાં આવેલી જાહેર હરાજીમાં માત્ર ૩ આસામીઓ જ હાજર રહેતા હરાજી કેન્સલ કરી દેવામાં આવી હતી.

આ અંગે એસ્ટેટ શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપની ૭ અને ડો.હેડગેવાર ટાઉનશીપની ૭ દુકાનોના વેચાણ માટે સવારે ૯:૦૦ વાગ્યાથી જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. આ હરાજીમાં માત્ર ત્રણ આસામીઓ જ ઉપસ્થિત રહેતા હરાજી મોકુફ રાખવાની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ દુકાનોની હવે આગામી દિવસોમાં ફરી હરાજી હાથ ધરવામાં આવશે. આગામી શુક્રવારના રોજ મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવાસ યોજનાના શોપીંગ સેન્ટરમાં ૨૬ દુકાનો માટે અને ૩૧મી ડિસેમ્બરના પારડી રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીમાં કવિ કલાપી ટાઉનશીપની ૧૮ દુકાનો માટે હરાજી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુવાડવા રોડ પર શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ૧૬ અને રેલનગરમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપની ૩૩ દુકાનો માટે હાથ ધરવામાં આવેલી જાહેર હરાજી સફળ રહી હતી અને કોર્પોરેશનને ૯ કરોડથી પણ વધુની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.