Abtak Media Google News

સંત શીરોમણી જગાબાપાની પંચમી પૂણ્યતિથિ નિમિતે યોજાયો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ

યજ્ઞ, મૂર્તિપૂજન, શોભાયાત્રા સંતવાણી અને મહાપ્રસાદનો પંચમાર્થીનો લાભ લઈ શ્રધ્ધાળુ -સેવકોએ અનુભવી ધન્યતા

સદગુરૂએ શબ્દોમાં આશીર્વાદ આપવાની કયારેય જરૂર હોતી જ નથી. શિષ્યના માથા પર પ્રેમથી મુકાયેલો હાથ કે શિષ્ય પર પડેલી એક નજર પણ શિષ્યનો ભવ તારી દે… જરૂર હોય છે ગુરૂકૃપાને લાયક બનવાની… સાચા શિષ્યત્વ માટેની પાત્રતા કેળવવાની…

પાટડી…. ખારાઘોડા સ્થિત ઉદાસી આશ્રમ… કાળી કફની, કાળી ધોતી, ગળામાં માળા સદાય હસતો અને અપૂર્વ તેજથી ચમકો ચહેરો, સાધના અને સિધ્ધિ છલકતી સ્પષ્ટ દેખાય એવું કપાળ અને સદાય ભાવનીતરતી આંખો… શિષ્ય માટે આંખ બંધ કરે જો નજર સામે આ વર્ણનનું ચિત્ર આવી જાય… હા… જગાબાપા… પરમ સદગૂરૂ

જગાબાપાને બ્રહ્મલીન થયે પાંચ વર્ષ પૂરા થયા. વર્તમાન ગાદીપતિ ભાવેશ બાપુ અને જગાબાપા પ્રત્યે જેમનો અનન્ય ભાવ છે. એવા સેવકોની સાથે સાથે માત્ર આસપાસનાં જ નહિ… આસપાસના ગામ શહેરમાંથી આવેલા હજારો શ્રધ્ધાળુ ભકતોની ઉપસ્થિતિમાં તા.૨૨/૩ના રોજ જગાબાપાની પાંચમી પૂણ્યતિથિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ. આધ્યાત્મિક ઉન્નતિ માટે કે ભૌતિક સુખની શોધમાં કે પછી સાંસારિક પરિતાપથી દાઝેલા બાપાની કૃપા શોધી શીતળતા મેળવવા ઉદાસી આશ્રમમાં આવે… ભકિતની સરવાણી નિરંતર ચાલતી રહે…

Gujarat News | Rajkot
Gujarat news | Rajkot

બસ એજ ઉપક્રમમાં પૂ. જગાબાપા અને એમના ગૂરૂ પૂ. ઉદાસીબાપુના પૂજન અર્ચનથી શરૂ થયેલ ભાવાંજલિના આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમની મઝા… એમાં સહભાગી બનવાનો આનંદ તો જે આશ્રમમાં ઉપસ્થિત હતા એજ અનુભવી શકે. સવારનો સૂરજ આ દિવ્ય વાતાવરણને નીરખવા ડોકિયું કરે ત્યારથી એક પછી એક ભકિત અને ભાવનાથી તરબોળ કાર્યક્રમ શરૂ થાય.

સંત સતસંગનું સાનિધ્ય તો જેણે માણ્યું હોય એજ એની મોજ માણેરૂ સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી ગામે પાવન તિર્થધામ ઉદાસીશ્રમનાં પરમ સંત શ્રી જગાબાપાની પંચમી પૂણ્યતિથિ નિમિતે સમાધિ પૂજન મહોત્સવ અને સંતવાણીનો અમૃત પ્રસાદ ગ્રહણ કરવા હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. પૂર્ણ દિવસનાં વિવિધ કાર્યક્રમો બાદ રાત્રે આયોજિત સંતવાણી રૂપી (ડાયરો) ‘અમૃતવાણી’ ગ્રહણ કરવા શ્રધ્ધાળુઓ વહેલી સવાર સુધી હકડેઠઠ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ પ્રાંતોમાંથી આવેલા ભજનીકો અને સાહિત્યકારોએ સંત શિરોમણી જગાબાપાના ભજનો અને સંતવાણીની સરવાણી વહાવવાની શરૂ કરતા જ ભાવિકોએ એક અલૌકિક વિશ્ર્વમાં વિચરણ કરતા હોવાનો ભાવ અનુભવ્યો હતો.

ચૈત્ર સુદ-૫ (પાંચમ) અને ગૂરૂવારના દિવસે ‘ગુરૂઆરાધનાની આહલેક’ જગાવતી આ ભવ્ય સંતવાણીએ ગૂરૂના ચરણોમાં સમર્પિત સેવકો અને શ્રધ્ધાળુઓ માટે જીવનભરનું સંભારણુ બની ગઈ હતી. પાવન તિર્થધામ પાટડીમાં સવારે ૭.૩૦ કલાકે યજ્ઞના પ્રારંભ સાથે આ મહોત્સવનો શુભારંભ થયો હતો. યજ્ઞમાં ઉચ્ચારાતા મંત્રોચારથી વાતાવરણમાં અકલ્પનીય ઉર્જાનો જાણે સંચાર થયો હતો. સવારે ૧૦ કલાકે મૂર્તિપૂજન સમયે ભકતો ભાવવિભોર બન્યા હતા. બપોરે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ હજારો લોકોએ આશ્રમનો અમૃત પ્રસાદ ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સંધ્યાટાણે નીકળેલી શોભાયાત્રા અદ્વિતીય બની રહી હતી. શોભાયાત્રા જયાં જયાંથી પસાર થઈ ત્યાંના રસ્તાઓ સાંકડા સાબીત થાય તેવા હર્ષોલ્લાસથી શોભાયાત્રામાં ભકતો-સેવકો સામેલ થયા હતા

Gujarat News | Rajkot
Gujarat news | Rajkot

રાત્રીનાં મહાપ્રસાદનો અમૃતમય લ્હાવો લેવા અને ત્યાર પછી આયોજિત સંતવાણી કાર્યક્રમનો હિસ્સો બનવા સમી સાંજથી દૂર-સૂદૂરના વિસ્તારોમાંથી લોકો સમુદાય ઉમટી પડયો હતો. જેમાં અઢારેય વરણનાં લોકો સામેલ થયા હતા અને એક જ પંગતે ભાવથી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

રાત્રે આયોજીત જાહેર સંતવાણીના કાર્યક્રમમાં ફરીદા મીર, ગમન સાંથલ, મે‚ રબારી, હરી ગઢવી, દડુભા કરપડા, મહેશદાન ગઢવી, બ્રિજરાજ ગઢવી, હકાભા ગઢવી, જયમંત દવે, વાઘજીભાઈ રબારી, ‚ષભ આહિર, શિવરાજ ગઢવી તેમજ દિવ્યેશ જેઠવા સહિતના કલાકારોએ શ્રી જગાબાપાની અમૃતવાણી સમા ભજનો ગાઈને માહોલ ભકિતમય બનાવી દીધો હતો.

ગાયક વૃદને સાજીંદાઓનો પણ ભરપૂર સાથ મળ્યો હતો. જેમાં તબલચી હસીયા ઉસ્તાદ, સુરજ મીર ઉસ્તાદ, જયસુખભારૂ મુન્નાભાઈ મહારાજ, તેમજ બેન્જો વાદક હરેશભાઈ, રવિભાઈ પરમાર અને મંજીરાના માણીગર એવા વાઘુભા ઝાલાએ પૂરા ભકિતભાવથી પોતાની કલા થકી ગાયક કલાકારોને સાથ આપ્યો હતો. ગાયક કલાકારો અને વાધ્યવૃંદોની જુબલબંધીએ ભકત શ્રોતાઓને મોજના દરિયામાં ડુબકીઓ મરાવી હતી. પૂરા કાર્યક્રમનું ભાવવાહી સંચાલન રમેશદાન ગઢવીએ કર્યું હતુ.

બધા કલાકારોએ કબૂલ્યું હતુકે પાટડી આશ્રમમાં સંતવાણી કરવાનો મતલબ નિજાનંદ માટે દિલમાંથી નીકળતા શબ્દો. અન્ય જગ્યાઓ ઉપર પ્રોફેશનલ તરીકે ભજનો સંતવાણી કરવા જતા હોઈએ છીએ પણ જયારે ઉદાશી આશ્રમનાં પ્રાંગણમાં સંતવાણી કરીએ છીએ ત્યારે પરમ તત્વ સાથે એકાકાર થઈ ગયાની અનૂભૂતિ કરીએ છીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.