Abtak Media Google News

સાથણીમાં મળેલી જમીનમાં માર્ગ મકાન વિભાગે રસ્તો કાઢતા છ વર્ષથી પરેશાન દલિત પરિવારને ન્યાય ન મળતા પગલું

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે રહેતા સોલંકી ડાયાભાઇ ખેંગારભાઈની સાથણીની જમીનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તો બનાવવામાં આવતા આ મુદ્દે કાનૂની લડાઈ લડી થકેલા ડાયાભાઈએ આજે મોરબી કલેકટર કચેરીમાં આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર દોડતું થયું હતું અને ૩૦ દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી અપાઈ હતી.

જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ વાંકીયા ગામે રહેતા અને ખેતી કરતા ડાયાભાઇ ખેંગરભાઈ સોલંકીના પિતા ખેંગરભાઈ લખુભાઈને સરકાર દ્વારા વાંકીયા સર્વે નંબર ૨૦૬ પૈકીની જમીનમાંથી ૬ એકરથી વધુ જમીન ફાળવવામાં આવી હતી. બાદમાં તેઓ પરિવાર સાથે જમીન ખેડી વર્ષોથી ગુજરાન ચલાવતા હતા પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેમની જમીનમાંથી કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર માર્ગ બનાવી નાખતા આ પરિવારની આજીવિકા છીનવાઈ ગઈ છે.

વધુમાં આત્મવિલોપનની ચીમકી આપનાર  ડાયાભાઇ સોલંકીએ આ મામલે અનેક રજુઆત કર્યા બાદ જિલ્લા કલેકટર મોરબીને પણ લેખિત રજુઆત કરી હતી પરંતુ ઉડાઉ જવાબ આપવામાં આવતા અંતે આજે તંત્રથી કંટાળી આત્મવિલોપન કરવા જાહેરાત કરતા જ સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને આરોગ્યની ટીમ પણ ખડે પગે રહી હતી.

બીજી તરફ આત્મવિલોપનની ચીમકીને પગલે હરકતમાં આવેલ કલેકટર તંત્રની સુચનાને  પગલે ડાયાભાઇ સોલંકી કચેરીમાં પ્રવેશતા જ તેમને અધિક કલેકટર કેતન જોશી સમક્ષ લાઇ જવામાં આવ્યા હતા અને આ કિસ્સામાં જિલ્લા પંચાયતના .રોગ મકાન વિભાગ અને દીદીઓને પત્ર લખી ૩૦ દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.