અર્નબની ‘ચેટ’ દેશની સુરક્ષાના ‘છીંડા’ બતાવે છે ?: કોંગ્રેસે જેપીસી તપાસની કરી માંગ

બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈકની વિગતો અગાઉ લીક થયાનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાના છીંડાની ચાડી ખાય છે, તેને ગંભીરતાથી ન લેવો એ પણ રાષ્ટ્રદ્રોહ જ ગણાય

ડિજીટલ વિશ્ર્વમાં ડેટાનો ઉપયોગ અને દૂરઉપયોગ રાષ્ટ્ર સુરક્ષાનો મુદ્દો બન્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ સરકાર સમક્ષ સંયુક્ત સંસદીય સમીતી દ્વારા અર્નબ ગોસ્વામીની ચેટની તપાસ કરવાની માંગ કરી છે. રિ-પબ્લીકન ટીવીના અર્નબ ગૌસ્વામી અને બી.એ.આર.સી.ના ચેરમેન પાર્થદાસ ગુપ્તા વચ્ચેની વોટ્સએપ ચેટ અને બાલાકોટ એર સ્ટ્રાઈકની વિગતોનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે, ભાજપ અને તેમના મળતીયાઓએ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આ પ્રકરણ રચ્યું હતું.

કોંગ્રેસે આ મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાને હાની પહોંચાડનારો છે. પૂર્વ માહિતી પ્રસારણ મંત્રી અને લોકસભાના સાંસદ મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, બાલાકોટ એર સ્ટ્રાઈક અને ૨૦૧૯ની ચૂંટણીઓને લઈને ઉભા થયેલા મુદ્દા રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર છીંડા સાબીત કરે છે તેની તપાસ સંયુક્ત સંસદીય સમીતીએ કરવી જોઈએ. ટીઆરપી ઉભી કરવાના કૌભાંડના મુખ્ય સુત્રધાર ગોસ્વામીએ કરેલી ચેટ એર સ્ટ્રાઈકની આગોતરી માહિતીની ચાડી ખાય છે. કોંગી આગેવાનોએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે, પત્રકાર અને મિત્રને બાલાકોટ કેમ્પના એર સ્ટ્રાઈક પહેલા ૩ દિવસ પહેલા માહિતી હતી. જો આ માહિતી દુશ્મનોના હાથમાં પહોંચી હોત તો શું થાત ? શશી થરુરે જણાવ્યું કે, આ ચેટ અંગે ત્રણ તબકકાની તપાસ થવી જોઈએ. ૪૦ જવાનોના મોતની આ ઘટના રમત નથી. જયરામ રમેશે જણાવ્યું હતું કે, ૧૯૬૭થી બીઆરસી ભાભા અણુ સંશોધન મથક પાસે કાર્યરત છે. અર્નબ ગોસ્વામીનો આભાર માનવો જોઈએ કે તેણે આ ભોપાળુ છતું કર્યું. અર્નબ ગોસ્વામીની ચેટની તપાસ સંસદની સંયુક્ત સમીતી મારફત થવી જોઈએ તેવી માંગ છે.

Loading...