Abtak Media Google News

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ગેલવાન વેલી નજીકના ચૂશુલ સેક્ટરમાં બંને દેશો વચ્ચે કમાન્ડર-સ્તરની વાટાઘાટ અંગે  સેનાએ જણાવ્યું હતું કે વાતચીત ખૂબ જ સૌમ્ય, સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં થઈ હતી. બંને પક્ષો પીછેહઠ કરવા  સંમત થયા. સેનાએ જણાવ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના તમામ ક્ષેત્રોમાંથી પીછેહઠ કરવાની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બંને પક્ષો દ્વારા  આગળ વધારવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે બંને દેશો વચ્ચે ગેલવાન ખીણમાં હિંસક અથડામણ પછી  ગુરુવારે છેલ્લી વાતચીત થઈ હતી. ચીનની સૈન્યએ ડી-એસ્કેલેશન દરમિયાન એકતરફી સ્થિતિ બદલાવવાનો પ્રયાસ કર્યા પછી આ અથડામણ થઈ હતી. બંને દેશો વચ્ચે આ અથડામણ બાદ તણાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ સમય દરમિયાન, 20 ભારતીય સૈનિકોએ ચીની સેનાના દુસાહસનો હિંમતપૂર્વક જવાબ  આપતા તેમના જીવનો ભોગ આપ્યો હતો.  આ ઘટનામાં 40 થી વધુ ચીની સૈનિકો ઘાયલ અને મોતને ઘાટ ઉતર્યા છે. ચીને કબૂલાત કરી  હતી કે તેમના  લશ્કરી કમાન્ડર ભારતીય સૈનિકોના હાથે અથડામણ દરમિયાન માર્યો ગયો હતો.

સૂત્રોના જણાવ્યા  અનુસાર  ભારતીય સૈન્યના 14 કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને  ચીની સમકક્ષ વચ્ચેની બેઠક લગભગ 11 કલાક સુધી ચાલી. આ બંને વચ્ચે બીજી બેઠક હતી. અગાઉ તેઓએ 6 જૂને મીટિંગ કરી હતી અને ઘણી જગ્યાએ બંને પક્ષો પીછેહઠ કરવા સંમત થયા હતા. ભારત અને ચીન ગયા મહિનાથી સરહદ તણાવ ઓછો કરવા માટે સતત વાટાઘાટો કરી રહ્યા છે.

ચીનના વિદેશ મંત્રાલયે વાતચીત પર કહ્યું હતું કે બંને પક્ષ સંવાદ અને પરામર્શ દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા માગે છે. બંને પક્ષો સરહદી વિસ્તારોની શાંતિ માટે સંવાદ અને સંયુક્ત કાર્ય ચાલુ રાખવા સંમત થયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.