જિ.પં.ની કારોબારીમાં રૂ.૪.૧૭ કરોડના વિકાસ કામોને મંજૂરી

મુદત વધારાના કામોનો અભ્યાસ કરવાનો સમય અપાતો ન હોવાની ફરિયાદ સાથે કારોબારી ચેરમેનની ડીડીઓ સાથે ઉગ્ર બોલાચાલી, પ્રથમ મંજુરીની આનાકાની બાદ મામલો થાળે પડયો

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં રૂા.૪.૧૭ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં મુદત વધારાના કામોનો અભ્યાસ કરવાનો સમય આપવામા આવતો ન હોય તેવી રાવ સાથે કારોબારી ચેરમેને ડીડીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને પ્રથમ તો મંજુરી આપવાની આનાકાની કરી હતી પરંતુ અંતે મામલો થાળે પડી ગયો હતો.

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ચેરમેન કે.પી. પાદરીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં રૂા.૪.૧૭ કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી. જેમાં રૂા.૨.૭૪ કરોડના ખર્ચે સુખભાદર રોડ, ૧૫.૬૩ લાખના ખર્ચે જસદણ વીંછીયા, તાલુકા જંગલ કટીંગ, ૨૦.૯૦ લાખના ખર્ચે રાજપરા ગ્રામ પંચાયત બિલ્ડીંગ, ૬૯.૭૪ લાખના ખર્ચે પડધરી તાલુકાના રોડ, ૭૪.૯૮ લાખના ખર્ચે જીલરીયા, વિસામણ રોડ ઈમ્પ્રુવમેન્ટ, ૧૧.૨૪ લાખના ખર્ચે ઉપલેટાની ડેપ્યુટી એકસીકયુટીવ એન્જી. સબ ડિવીઝન ઓફિસ અને એનિમલ હોસ્પિટલ તથા પંચાયત સબ ડિવીઝન ઓફિસ રૂા. ૨૦ લાખ સોલાર રૂફટોપ માટે તેમજ વકીલ પેનલ માટેના કામનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં કારોબારી ચેરમેન કે.પી. પાદરીયાએ એવી ફરિયાદ કરી હતી કે મુદત વધારાના કામોમા તેઓને સમય આપવામાં આવતો નથી માટે કામનો અભ્યાસ થઈ શકતો નથી. આ મામલે તેઓએ ડીડીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને મુદત વધારાના કામને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. જોકે, બાદમાં મામલો શાંત પહી ગયો હતો અને ચેરમેને મંજુરી આપી દીધી હતી વધુમાં ચેરમેને એવી પણ સુચના આપી હતી કે તેઓની પાસે કોઈ કામ સબબ કલાર્કે આવવું નહી સીધુ શાખા અધિકારીએ આવવાનું રહેશે. આવી સુચના પાછળનું તેઓએ કારણ દર્શાવ્યું કે કર્લાક પાસે કોઈ વિગત હોતી નથી અને તેઓએ માહિતી વગર કાગળો ઉપર સહી કરવાની ફરજ પડતી હોય છે.

Loading...