Abtak Media Google News

સુત્રાપાડા શહેરમાં વોર્ડ નં.૬ સભ્ય જાગૃતિબેન રામભાઈ ચૌહાણ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. જેમાં સુત્રાપાડા નગરપાલિકાના વોર્ડ નં.૬માં આશરે ૫૦૦૦ જેટલી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં પીવાનું પાણી ગંદકીની સફાઈ તેમજ સ્ટ્રીટ લાઈટોનો મોટાપાયે અભાવ જોવા મળે છે. તેમજ વોર્ડ નં.૬માં છેલ્લા ૧ માસથી પીવાનું પાણી આવતું નથી પીવાનું પાણી ના આવવાના કારણે લોકો હેરાન પરેશાન થયેલ છે.

હાલ પીવાના પાણી માટે આ વોર્ડની મહિલાઓને દુર દુર સુધી પાણી ભરવા માટે જવું પડે છે. જેના કારણોસર મોટી હાલકી સાથે સમયનો પણ વ્યય કરવો પડે છે અને પાણીની અછત હોવાના કારણે વોર્ડ મહિલાઓ પોતાના પરીવાર ઉપર પણ ધ્યાન આપી શકતી ન હોવાથી બાળકોના શિક્ષણ ઉપર પણ અસર જોવા મળે છે. તેમજ ઘણી વખત મહિલાઓ વચ્ચે આંતરિક ઘર્ષન સર્જાય છે.

જેથી સત્વરે આ વોર્ડમાં પાણીના સ્ટેન્ડ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તેવી લોકોની માંગણી છે. તેમજ હાલ આ વોર્ડમાં ભુગર્ભ ગટરની કામગીરી ચાલુ છે. જેથી વોર્ડના રસ્તાઓ તોડી પાડવામાં આવેલ છે. તેમજ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ ગટરના કોન્ટ્રાકટરો દ્વારા રસ્તાનું લેવલિંગ કરવામાં આવતું નથી જેથી ચાલુ વરસાદના કારણે અતિશય ગંદકી ઉભી થયેલ છે. તેમજ ગટરની કામગીરી દ્વારા થતી ગંદકી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી માંગણી છે.  આમ નગરપાલિકાના વોર્ડ નં.૬ના લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. તેથી લોકોમાં નગરપાલિકા વિરુઘ્ધ રોષ જોવા મળે છે. આગામી દિન-૭માં તમામ મુદાઓની તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાલ ઉપર ઉતારવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.