અદાણીની યશકલ્ગીમાં વધુ એક ‘છોગુ’

અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અદાણીના ‘હાથ’માં !!!

સમય-સમય બલવાન હૈ… ભારતના ઉદ્યોગ જગતમાં દાયકાઓથી પ્રગતિશીલ ઉદ્યોગ જુથ તરીકે અનેકવિધ ક્ષેત્રમાં ધાક ધરાવતા અદાણી જૂથનો ‘ધનયોગ’ છેલ્લા કેટલાક સમયથી પ્રબળ બન્યો છે. જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર કાર્યરત થઈ છે ત્યારથી અદાણીનો સૂર્ય વધુ પ્રકાશીત અને શક્તિવર્ધક બન્યો હોય તેમ એક પછી એક ક્ષેત્રમાં અદાણી જૂથની પ્રગતિ આગળ વધી રહી છે.

અદાણીની યશકલ્ગીમાં વધુ એક છોગુ ઉમેરાયું હોય તેમ અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અદાણીના હાથમાં વિકાસની વેંતરણી પાર કરશે. અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન ૭મી નવેમ્બરથી સોંપવામાં આવશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) દ્વારા ગુરૂવારે પ્રસિધ્ધ કરેલી એક સત્તાવાર યાદી મુજબ નાગરિક ઉડ્ડયન કેન્દ્રીય મંત્રાલયે બુધવારે એક સમજુતી પર હસ્તાક્ષર કરીને અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લીમીટેડ સાથે એરપોર્ટના સંચાલન માટે કરાર કર્યો હતો.

આ એમઓયુમાં કસ્ટમ, ઈમીગ્રેશન, સુરક્ષા, પ્લાન્ટેશન સહિતની અનામત સેવાઓને અદાણી જુથને સોંપવામાં આવશે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ એરપોર્ટનું ખાનગી સંચાલન માટેની કવાયતનો કરાર કરવામાં આવ્યો હતો.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ૧૧થી એરપોર્ટના સંચાલન માટેની નવી વ્યવસ્થા માટે કવાયત શરૂ કરી દીધી છે. અદાણી જુથે અગાઉ ૬૦ દિવસ પહેલા જ ઓબ્ઝર્વેશન પીરીયડમાં એરપોર્ટની સુવિધાઓના સંચાલન માટેની પ્રવૃતિઓ શરૂ કરીને ટેક ઓવર પ્રોસેસને આગળ વધારી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડે પ્રતિ પેસેન્જર દીઠ રૂા.૧૭૭નું ભાવ ભરીને એરપોર્ટના સંચાલન માટે માંગણી મુકી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા આ હસ્તાક્ષણ મુજબ ૨૦૧૯-૨૦માં ૧.૧૪ કરોડ પેસેન્જરની અવર-જવર ધરાવતા અમદાવાદ એરપોર્ટનું સંચાલન હવે અદાણી દ્વારા કરવામાં આવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી જુથ ઓઈલ, પેટ્રો કેમીકલ અને હવે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે પોતાનો પ્રભાવ વિસ્તરણ કરવા જઈ રહ્યો છે ત્યારે અદાણી જુથના યશકલ્ગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું હોય તેમ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તમામ રીતે અદાણીના હાથમાં વિકાસ પામશે.