Abtak Media Google News

સોમવારે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે સિલેક્ટરો ટીમ જાહેર કરવાના છે ત્યારે ભારતીય કપ્તાન વિરાટ કોહલીને શ્રીલંકા સામેની ચાલુ સીરીઝમાં આરામ આપી શકે છે. તથા ઝડપી બોલર જસપ્રીત બુમરાહે અને ચાઇનામેન કુલદીપ યાદવમાંથી એક ને વધારાના બોલરનું સ્થાન મળી શકે છે.

સિલેક્ટરોની કમિટિ ચાર અલગ ટીમો જાહેર કરશે. જેમાં એક શ્રીલંકા સામેની ત્રીજા ટેસ્ટ માટે, ત્યારબાદ વન-ડે અને ટી-20 માટે અને અંતે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝની ટીમ રહેશે.

નોંધનીય છે કે કોહલી આ વર્ષે IPL થી સતત ક્રિકેટ રમી રહ્યો છે. આથી તેને એકાદ મહિના માટે આરામ આપવામાં આવે તો તે ચોક્કસપણે ડિસેમ્બરમાં યોજાનાર શ્રીલંકા સામેની ૩ વન-ડે અને 3 ટી-20 મેચની સીરીઝ ગુમાવશે. આથી રોહિત શર્મા કપ્તાની સંભાળી શકે છે.જો કોહલીને શ્રીલંકા સામેના અંતિમ ટેસ્ટમાં પણ આરામ અપાય તો  અજિંક્યા રહાણે ટીમનું સુકાની પદ સંભાળશે.

સોમવારે મળનારી સિલકેશન મીટીંગમાં કેન્દ્ર સ્થાને સાઉથ આફ્રિકા પ્રવાસ જ રહશે. જે બહારની પરિસ્થિતિમાં કોહલી અને ટીમ માટે ટોચની ટીમ સામેનો પ્રથમ ટેસ્ટ હશે.૧૭ ખેલાડીઓની ટીમ સાઉથ આફ્રિકા જવાની છે. ત્યારે ભારત ચાર ઝડપી બોલર અને ૩ સ્પીનર્સ સાથે જશે કે પાંચ ઝડપી બોલર્સ અને ૨ સ્પીનર્સ તે મહત્વનો મુદ્દો રહેશે.

બુમરાહ કે જે સફેદ બોલ સાથે ભારત માટે મહત્વનો ઝડપી બોલર રહયો છે તે વધારાના બોલરની જગ્યા માટે તકરારનો વિષય બની રહશે. ૪ ઝડપી બોલરોમાં ભુવનેશ્ર્વર કુમાર, મોહમ્મદ સમી, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવ નક્કી જ છે, ત્યારે એમ એસ કે પ્રસાદના નેતૃત્વમાં મળનારી કમિટિ આશ્ર્ચર્ય પમાડવા દિલ્હીના નવદીપ સૈનીને પણ સામેલ કરી શકે છે.

હાર્દિક પંડ્યાને ઓલ રાઉન્ડરની જગ્યા માટે પસંદ કરવામાં આવે તો તે પાંચમો ઝડપી બોલર બની રહેશે આથી કુલદીપ યાદવ અથવા યુજવેન્દ્ર ચહલને સ્પીનર્સ તરીકે રવિચન્દ્ર અશ્ર્વિન અને રવિન્દ્ર જાડેજા સાથે સ્થાન મળી શકે છે.

સાત બલ્લેબાજમાં ૩ ઓપનર્સ અને ૪ વચગાળાના ખેલાડી પસંદ થયેલાં છે. ૩ ઓપનર્સમાં કે એલ રાહુલ, શીખર ધવન અને મુરલી વિજય તથા ૪ વચગાળાના બલ્લેબાજોમાં કેપ્ટન વિરાટ કોહલી, અજિંક્યા રહાણે, રોહિત શર્મા અને ચેતેશ્ર્વર પૂજારોનો સમાવેશ થાય છે.પ્રથમ વિકેટકીપર તરીકે રિદ્વિમાન સાહા અને પાર્થિવ પટેલને બીજા વિકલ્પ તરીકે ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ થઇ શકે છે.

શ્રીલંકા સામેની મર્યાદિત ઓવરોની ટીમમાં ઘણાં ફેરફારો જોવા મળી શકે છે. મનિષ પાંડે અને શ્રેયાસ ઐયર ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે, જ્યારે મોહમ્મદ સિરાજને ટી-20 ટીમ માટે સામેલ કરી શકાય છે.

સિલેક્ટરોની મીટીંગ ભારત-શ્રીલંકા સામે ચાલી રહેલા બીજા ટેસ્ટના ચોથા દિવસની રમત પૂર્ણ થયા પછી થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.