અન્નપૂર્ણા કેન્દ્રી ખૂબ ઓછા ભાવે ભોજન  મળતા આર્થિક ભારણ ઘટ્યું છે: લાભાર્થી શ્રમિક

43

શ્રમયોગી અન્નપૂર્ણા યોજનામાં રાજકોટ શહેરમાં ૨૩ હજાર શ્રમિકો નોંધાયા

પ્રત્યેક વ્યક્તિ તેના તથા તેના પરિવારના જીવન નિર્વાહ માટે નોકરી-વ્યવસાય કે મજુરી કામ કરતી હોય છે. અમીર હોય કે ગરીબ ભોજનની જરૂરિયાત દરેક માટે સરખી જ હોય છે. રાજ્ય સરકાર પ્રત્યેક વ્યક્તિને સમાન સવલતો પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ છે, અને તેથી જ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રમેવ જયતે, સુખમ જયતે ના સુત્રને ચરિતાર્થ કરતા શ્રમિકો ભૂખ્યા સૂવે નહીં તે માટે સમગ્ર રાજ્યમાં અન્નપૂર્ણા યોજના અમલી બનાવી છે.

શ્રમયોગી કલ્યાણ બોર્ડના જિલ્લા પ્રોજેકટ મેનેજર વિપુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયની સાથે રાજકોટ શહેરમાં પણ ૨૦૧૭ ના વર્ષથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરમાં અંદાજે ૨૩ હજાર જેટલા શ્રમિકો નોંધાયેલા છે. જે પૈકી પ્રતિદિન ૫૦૦ થી ૭૦૦ જેટલા શ્રમિકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. અનિશ્ચિત રોજગારી પર નિર્ભર રહેનારા અસંગઠીત ક્ષેત્રના શ્રમિક વર્ગનું કાર્યક્ષેત્ર સતત બદલાતુ રહે છે. સખત મહેનત અને પરિશ્રમ માંગી લેતું તેમનું કામ પોષણક્ષમ તેમજ પૂરતાં આહાર વિના શક્ય જ નથી, અને તેથી જ શ્રમિકોનાં તંદુરસ્ત સ્વાસ્થ્ય અને ગુણવત્તાસભર જીવન માટે ચિંતિત રાજ્ય સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મુકીને શ્રમિકોના આરોગ્યની વિશેષ કાળજી લીધી છે. આ યોજના થકી શ્રમિક પરિવારો માટે રાજ્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં અલગ અલગ ૯ જેટલા સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં માત્ર ૧૦ જ રૂપિયાના ટોકન દરે સાત્વિક અને પૌષ્ટિક ભોજન આપવામાં આવી રહયું છે.

બાંધકામ શ્રમિકો માટે કાર્યરત આ વિવિધ સેન્ટરો ઉપરથી દરરોજ સરેરાશ ૭૦૦ ગ્રામ એટલે કે, ૧,૮૧૭ કેલેરી ધરાવતું ભોજન આપવામાં આવે છે. આ ભોજન નિયત થયેલ સમિતિ દ્વારા નક્કી કરેલાં ધારા-ધોરણો મુજબ મેનુ તૈયાર કરવામાં આવે છે, જેની ગુણવત્તાની સમયાંતરે ચકાસણી પણ કરવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવતાં લાભાર્થીઓ પૈકી મૂળ ઓરિસ્સાના વતની અને છેલ્લાં ૧૦ વર્ષથી રાજકોટ વસતાં ત્રિનાથરાવ રાજ્ય સરકારની આ યોજનાને બિરદાવતાં કહે છે કે, અમારા માટે આ યોજના ખૂબ જ લાભદાયી છે. અમારો મૂળ હેતુ રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવવાનો છે. અહીંથી ખૂબ જ ઓછા ભાવે ભોજન મળતાં અમને રોજિંદા જીવનમાં આર્થિક માર ઓછો પડે છે. તેમની વાતમાં સૂર પુરાવતા સુરેખાબેન જણાવે છે કે, તેઓ પણ છેલ્લાં ૩ વર્ષથી આ યોજનાનો નિયમિત લાભ લઇ રહ્યા છે. મહિલાઓને રોજગારીની સાથોસાથ ઘરની જવાબદારી પણ નિભાવવાની હોય છે, તેવા સમયે અમારા પરિવારજનો તેમજ બાળકો ભૂખ્યાં ન સૂવે તે માટે સરકારનો આ પ્રયાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવે છે. સરકારના આ કાર્ય બદલ હું રાજ્ય સરકારની આભારી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત પ્રત્યેક માસમાં ૨૯ દિવસ નિરંતર શ્રમિકોને ભોજન પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોને એક નિયત ફોર્મ ભરવું અનિવાર્ય છે. જે અંતર્ગત પ્રમાણભૂત આધાર  પૂરાવા સાથે ફોર્મ રજૂ કરતાં શ્રમિકદીઠ એક ઓળખકાર્ડ આપવામાં આવે છે. આ ઓળખકાર્ડ થકી પરિવારદીઠ પાંચ લોકો સુધીનું ટિફિન મળવાપાત્ર છે. દર ત્રણ વર્ષે આ કાર્ડ રિન્યુ કરાવવાનું હોય છે. આ ઓળખકાર્ડ થકી શ્રમયોગીઓને લગતી અન્ય યોજનાઓનો લાભ પણ મળવાપાત્ર છે.

Loading...