Abtak Media Google News

સીસીટીવી ફુટેજ અને મોબાઇલ નેટવર્કના આધારે રાજુલાના બે શખ્સો રૂ.૨૬ લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા: બે શખ્સોની શોધખોળ: ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

દેણુ વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો

આંગડીયા લૂંટના ગુનામાં સંડોવાયેલા શાહ‚ખ પર રૂ.૩ લાખનું દેણું હોવાથી મોટી લૂંટનો પ્લાન બનાવી રાજુલા પોતાના મિત્ર ભાવેશને જાણ કરતા તેને પણ પોતાના પર દેણું હોવાનું કહી લૂંટ ચલાવવા સહમત થયો હતો. છેલ્લા એક સપ્તાહથી સોરઠીયાવાડી સર્કલથી લીંબડા ચોક સુધી રેકી કર્યા બાદ તા.૨૩ એપ્રિલે લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.

પોલીસ તપાસની માહિતી મેળવવા લૂંટારા છાપા વાચતા

સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી અક્ષર આંગડીયા પેઢીના કર્મચારી બાબુજી વાઘેલા પર હુમલો કરી રૂ.૨૬ લાખની લૂંટ ચલાવ્યા બાદ ચારેય શખ્સો પોલીસમાં ન પકડાય તે માટે જુદા પડી ગયા હતા અને પોલીસ તપાસની માહિતી મેળવવા દરરોજ છાપા વાચતા હોવાની ઝડપાયેલા ભાવેશ અને મુસ્તાકે કબુલાત આપી છે.

શહેરના લીંબડા ચોક નજીક અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી બે શખ્સોએ રૂ.૨૬ લાખની કિંમતના હીરા, સોનાના ઘરેણા અને રોકડ સાથેના થેલાની લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને રાજુલાથી રૂ ૨૬ લાખના મુદામાલ સાથે ઝડપી ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની પોલીસે શોધખોળ હાથધરી છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે જુદી જુદી ૧૭ ટીમ બનાવી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલવા સોરઠીયાવાડી સર્કલથી લીંબડા ચોક સુધીના માર્ગ પર આવતા સીસીટીવી ફુટેજની તપાસ કરતા બે શખ્સોના ફુટેજના આધારે રાજુલાના ભાવેશ ઉર્ફે ભુરો ધનજી સરવૈયા અને મુસ્તાક ઉર્ફે મુસો મહંમદ ઘાચી નામના શખ્સોને ઝડપી લીધા છે.

મુળ પાટણ જિલ્લાના ચાણસ્મા નજીક પિંપળ ગામના વતની અને સુરતના મહિધરપુરામાં જયકર ભવન બિલ્ડીંગમાં રહેતા અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી બાબુજી ઘેમલજી વાઘેલાએ લીંબડા ચોકમાં રૂ.૨૬ લાખની મત્તા સાથેના થેલાની બે શખ્સોએ ઝપાઝપી કરી લૂંટ ચલાવ્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી અક્ષર આંગડિયા પેઢીએથી બાબુજી વાઘેલા અને તેના સહકર્મચારી હરેશ પટેલ આંગડિયાના પાર્સલ સુરત ખાતેની ઓફિસે પહોચાડવાના હોવાથી ગત તા.૨૩ એપ્રિલની રાતે દસેક વાગે લીંબડા ચોક ખાતે આવ્યા હતા.

હરેશ પટેલ ટ્રાવેલ્સની ઓફિસમાં ટિકિટ લેવા ગયો ત્યારે બાબુજી વાઘેલા પાસે રૂ .૨૬ લાખની કિંમતના હીરા, સોનાના ઘરેણા અને રોકડ સાથેનો થેલો લઇ પટેલ ટ્રાવેલ્સની બસમાં ચડવા જઇ રહ્યો હતો ત્યારે પાછળથી બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને બાબુજી વાઘેલાને પાછળથી બોથર્ડ પદાર્થ મારતા તે પડી જતા તેની પાસે રહેલો થેલો લૂંટી બંને શખ્સો ફરાર થઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

બાબુજી વાઘેલા અને હરેશ પટેલે લૂંટની ઘટના અંગે સૌ પ્રથમ આંગડિયા પેઢીની ઓફિસે નટવરસિંહ સોલંકીને જાણ કરતા તેઓએ પોલીસને જાણ કરી હતી.

લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે રાતે જ સોરઠીયાવાડી સર્કલથી લીંબડા ચોક સુધીને સીસીટીવી ફુટેજ તપાસ કરતા ચાર શખ્સો બંને આંગડિયા પેઢીન કર્મચારીઓનો પીછો કરતા આવતા હોવાનું બહાર આવ્યું છે. લૂંટારાઓ બાબુજી વાઘેલાનો નિત્યક્રમ જાણ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી રેકી કર્યા બાદ માતબાર મત્તાની લૂંટને અંજામ આપ્યો હોવાની શંકા સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે ૧૭ ટીમ બનાવી હતી મુળ રાજુલાના વતની અને જંગલેશ્ર્વરમાં રહેતા શાહ‚ખ નામના રિક્ષા ચાલક આંગડિયા પેઢી પાસેથી રિક્ષા લઇને પસાર થતો હોવાથી આંગડીયા પેઢીના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવવાનો એક સપ્તાહ પૂર્વે પ્લાન બનાવ્યો હતો અને રાજુલા રહેતા પોતાના મિત્ર ભાવેશ ઉર્ફે ભુરો ધનજી સરવૈયા, મુસ્તાક ઉર્ફે મુસો મહંમદ ઘાચી અને જુબેર નામના શખ્સોને રાજકોટ બોલાવી આંગડીયા લૂંટને અંજામ આપવા પ્લાન બનાવી તા.૧૯ એપ્રિલ અને ૨૧ એપ્રિલે રેકી કર્યા બાદ તા.૨૩મીએ બાબુજી વાઘેલા લીંબડા ચોક પહોચ્યા ત્યારે તેમના પર હુમલો કરી હીરા અને સોનાની બંગડી સાથેના રૂ.૨૬ લાખની મત્તા સાથેના થેલાની લૂંટ ચલાવી ગોંડલ રોડ પર થઇ ભાગી ગયાની કબૂલાત

આપી છે.

પોલીસે તા.૧૭થી સીસીટીવી ફુટેજ મેળવી ગોંડલ તરફ જવાના તમામ માર્ગ પરના સીસીટીવી ફુટેજ મેળવ્યા બાદ ટોલનાકા પર બે બાઇકમાં ચાર શખ્સો જતા સ્પષ્ટ જણાતા હતા તેમજ લૂંટ અને ટોલનાકા પરના ફુટેજ મળતા હતા અને ટાઇમીંગ પણ મળી જતા પોલીસે ગોંડલ અને ત્યાર બાદ રાજુલા તપાસ કેન્દ્રીત કરી ભાવેશ સરવૈયા અને મુસ્તાક ઉર્ફે મુસાને પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, એચ.એમ.રાણા, કુલદીપસિંહ જાડેજા, સંતોષભાઇ મોરી અને સંજયભાઇ ‚પાપરા, રવિરાજસિંહ પરમાર સહિતનો સ્ટાફ રાજુલા જઇ ઝડપી લીધા હતા અને બંને શખ્સો પાસેથી રૂ.૨૬ લાખની કિંમતના ડાયમંડ અને સોનાની બંગડી કબ્જે કર્યા હતા. તેમજ લૂંટના ઉપયોગમાં લેવામાં આવેલા બે બાઇક કબ્જે કરવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.