રાજકોટમાં પ્રદ્યુમન પાર્કમાં ઘૂસેલો દિપડો અંતે પકડાયો

63

ગત રવિવારે ઝૂમાં ઘુસી હરણનું મારણ કરી દહેશત ફેલાવનાર પાંચ થી છ વર્ષની વયનો નર દિપડો છઠ્ઠા દિવસે પક્ષી વિભાગ પાસે મુકાયેલા પાંજરામાં પુરાયો: મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની સત્તાવાર જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ગત રવિવારે ઘુસેલો ખુંખાર દિપડો અંતે છઠ્ઠા દિવસે પકડાઈ ગયો છે. ઝૂમાં દિપડાને પકડવા માટે અલગ-અલગ ૮ સ્થળોએ વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હતા. ગત રાત્રે પક્ષી વિભાગ પાસે મુકાયેલા પાંજરામાં મારણની લાલચમાં દિપડો પાંજરામાં પુરાઈ ગયો હતો તેવી સતાવાર જાહેરાત મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આજે સવારે કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને ઝૂ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, ગત રવિવારે રાત્રે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં બહારથી એક ખુંખાર દિપડો ઘુસી ગયો હતો જેને હોગ ડિયર પ્રજાતિના હરણનો શિકાર કર્યો હતો. દિપડો પાર્કમાં ઘુસી ગયાના કારણે બે દિવસ ઝૂ સહેલાણીઓની સલામતી માટે બંધ રાખવામાં આવ્યું હતું અને દિપડાને પકડવા માટે કોર્પોરેશન તથા વન વિભાગ દ્વારા અલગ-અલગ ૮ સ્થળોએ પીંજરા મુકવામાં આવ્યા હતા. ૪ દિવસ સુધી કોઈ મુમેન્ટ ન દેખાતા એવું લાગી રહ્યું હતું કે, પાર્કમાંથી દિપડો ફરી બહાર નિકળી ગયો છે દરમિયાન બે દિવસ પૂર્વે સ્ટાફને એવો અંદેશો થયો હતો કે પક્ષી વિભાગ પાસે દિપડો હોય તેવી સંભાવના જણાઈ રહી છે. અહીં પાંજરૂ મુકવામાં આવ્યું હતું આ સ્થળ એકદમ વિરામ છે. સાથો સાથ અહીંના મોટાભાગના પાંજરાઓ પેક હોવાના કારણે પ્રાણી-પક્ષીને જાનહાનીની દહેશત પણ રહેતી નથી. આ પીંજરામાં ગઈકાલે રાત્રે બકરાનું મારણ રાખવામાં આવ્યું હતું જેની લાલચમાં રાત્રે દિપડો પાંજરામાં આવ્યો હતો અને છઠ્ઠા દિવસે તે પાંજરામાં પુરાતા પાર્કના અધિકારીઓ સાથે સહેલાણીઓએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

 ‘બીગકેટ’ વિશે આ વાત પણ જાણો ખુંખાર દિપડાનો વધતો જતો આતંક

છેલ્લા થોડા મહિનાથી જંગલના પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તાર કે શહેરોમાં પ્રવેશ કરી ચૂકયાના સમાચારો આવી રહ્યા છે. ખુંખાર દિપડો ઘર, શેરી, વાડી, મહોલ્લામાં ઘૂસીને મારણ કરીને લોકોમાં દહેશત ફેલાવી રહ્યો છે. નાના બાળકોને ઉપાડી જવાની રાત્રીની ઘટના પણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ત્યારે ‘દિપડા’ વિશે થોડી જાણકારી હાલનાં સંજોગોમાં મેળવવી જરૂરી છે.

દિપડો એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરીયાથી દક્ષિણ આફ્રિકા સુધી જોવા મળતો હતો. પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફકત આફ્રિકાના સહારાના થોડા વિસ્તાર સાથે ભારત-પાકિસ્તાન, હિંદી,ચીન, મલેશિયા અને ચીનમાં જોવા મળી રહ્યો છે. દિપડાનું આપણા ગુજરાતનાં ડાંગ વિસ્તારમાં ‘ખડે’ તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં તેને લેપર્ડ કરે છે. તેનું આયુષ્ય એવરેજ ૧૫ વર્ષ હોય છે. દિપડાની લંબાઈ ૨૦૦થી ૨૨૫ સે.મી.તો ઉંચાઈ ૭૫ સે.મી. હોય છે. દિપડાનું વજન-નરનું ૫૦ થી ૯૦ કિલો તો માદા ૩૫ થી ૭૦ કિલો હોય છે. તેનો સંવનનકાળ વર્ષનો કોઈપણ સમય હોય છે. ગર્ભકાળ ત્રણ માસમાં બે બચ્ચાને જન્મ આપે છે. દિપડાનો દેખાવ સોનેરી રંગના શરીર પર કાળા રંગના ગોળાકાર પોલા ટપકા હોય છે. તેના ખોરાકમાં બધાજ પ્રકારનાં તૃણહારી, પ્રાણીઓ, વાંદરા, હરણ, પક્ષીઓ, સરીસૃપ અને જીવડાઓ પણ ખાય છે.ગુજરાતનાં રણ સિવાય તમામ વિસ્તારોમાં દિપડો જોવા મળે છે. તેનાં રહેણાંકો મુખ્યત્વે પાંખા જંગલો, ઝાડી,વીડી વગડો, પહાડી પથરાળ વિસ્તાર હોય છે. હાલ ગુજરાતમાં છેલ્લી ગણતરી મુજબ ૧૦૩૮ તો ભારતમાં ૧૧ હજાર જેટલા દિપડા છે તેની ઉપસ્થિતિના ચિન્હો જમીન ઉપર પડેલ પગલાં નિશાનથી તેને ચોકકસ ઓળખી શકાય છે. ઝાડનાં થડ પર નખ ઘસવાના નિશાન, ઝાડપર લટકતું ખાધેલું મારણ સાથે શિકાર કરેલ પ્રાણીના ગળા પર દાંતનાં નિશાન પણ ગળાનું હાડકું સાંજાુ હોય તો પણ તેને દિપડાનું મારણ તરીકે ઓળખાય છે. દિપડો ગામ નજીક આવે ત્યારે કુતરાઓનાં ભસવાના અવાજથી અને દિપડાની ગર્જનાથી પણ ઓળખી શકાય.દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુકા પગ અને મોટું માથું હોય છે. આ પ્રાણી ચિત્તાને મળતું આવે છે. તેને ‘બીગ કેટ’ પણ કહે છે.

Loading...