Abtak Media Google News

હરિયાણાના ત્રણ શખ્સો પાસેથી ૭૨ એટીએમ કાર્ડ, રૂ૧.૭૪ લાખ રોકડા અને સ્વીફટકાર કબ્જે

અભણ અને વૃધ્ધોને એટીએમમાંથી પૈસા કાઢી આપવા મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરતી હરિયાણાની ‘ઠગ’ ગેંગના ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસેથી ઝડપી લીધા છે. ત્રણેય શખ્સો પાસેથી રૂ.૧.૭૪ લાખ રોકડા, સ્વીફટકાર અને ૭૨ જેટલા જુદી જુદી બેન્કના એટીએમ કાર્ડ કબ્જે કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર ગત તા.૯ જુને અમૃતભાઇ કાનજીભાઇ મકવાણા એટીએમમાંથી પૈસા કાઢવા માટે ગયા હતા ત્યારે તેમને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી તેમના એટીએમ કાર્ડ અને પીન નંબર મેળવી બારોબાર રોકડ એટીએમમાંથી ઉપાડી લીધા અંગેનો ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાતા ‘ઠગ’ ગેંગને ઝબ્બે કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત, ડીસીપી કરણરાજ વાઘેલા, સુબોધ ઓડેદરાના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડો.હર્ષદ પટેલ, પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. બી.આર.ડાંગર, એએસઆઇ વિજયસિંહ ઝાલા અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે સઘન તપાસ શ‚ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન કાલાવડ રોડ પર આત્મીય કોલેજ નજીકના એટીએમ મશીન પાસે હરિયાણા પાસીંગની મા‚તિ સ્વીફટ સાથે ત્રણ શખ્સોને શંકાસ્પદ હીલચાલના આધારે ઝડપી તેની પૂછપરછ કરતા તેઓ હરિયાણાના ધરમવીર દલસીંગ શાશી, કુલદીપ ઉર્ફે મીનુ શીશપાલ શાશી અને સંજય કર્મવીર શાશી હોવાનું અને તેની પાસેથી જુદી જુદી બેન્કના ૭૨ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

ત્રણેયની આકરી પૂછપરછ કરતા તેઓએ એકાદ માસ પહેલાં રાજકોટ આવ્યા હોવાનું અને કોઠારિયા રોડ પર વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલી એટીએમ મશીનમાંથી બારોબાર પૈસા ઉપાડી લીધાની કબૂલાત આપી હતી.

આ ઉપરાંત ત્રણેય શખ્સોએ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, રાજકોટ, ભાવનગર, ડોળાસા, ભચાઉ, પાલનપુર, હિમતનગર, મીઠાપુર અને હળવદમાં એટીએમ કાર્ડ બદલી ૨૧ જેટલા વૃધ્ધ અને અભણ વ્યકિત સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત આપી છે.

છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતમાં ૧૦૦થી વધુ એટીએમ બદલી અંદાજે રૂ.૨૦ થી ૩૦ લાખ બારોબાર ઉપાડી લીધાની કબુલાત આપી છે. સૌ પ્રથમ તેને દિલ્હીમાં છેતરપિંડી કર્યા બાદ ગુજરાતમાં એટીએમ બદલી છેતરપિંડી કરવાનું શ‚ કર્યાની કબૂલાત આપી હતી.

એટીએમ કાર્ડ ધારક પોતાનું કાર્ડ બ્લોક કરાવે તો પણ પોતાની પાસે રાખી વૃધ્ધ અને અભણ વ્યક્તિનું કાર્ડ લઇ તેના બદલામાં બ્લોક થયેલુ કાર્ડ પકડાવી દેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

એટીએમ કાર્ડ બદલી છેતરપિંડીનો ભોગ બનેલી વ્યક્તિઓએ પોલીસમાં ફરિયાદ ન નોંધાવી હોય તેઓએ ફરિયાદ નોંધાવવા આગળ આવે તેમ પત્રકાર પરિષદમાં ડીસીપી કરણરાજ વાઘેલાએ અનુરોધ કર્યો છે.

ત્રણેય શખ્સોને રિમાન્ડ પર લીધા બાદ વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેમ હોવાનું અને ત્રણેય ઠગનો અન્ય જિલ્લાની પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળનાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.