Abtak Media Google News

બર્ડ ફ્લુને લઇને રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટ વિભાગ અને તમામ જિલ્લાઓને તકેદારીના આદેશ

દેશના કેટલાંક રાજ્યોમાં બર્ડ ફલૂ વાયરસએ દેખા દેતા કેન્દ્ર સરકાર દ્વારા કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ સહિતના રાજ્યોને સતર્ક રહેવા તાકીદ કરી છે. ગુજરાત સરકાર પણ આ બાબતે ગંભીર બની છે અને પક્ષીઓના મૃતદેહોને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે બીજી તરફ પક્ષીઓ ના નમૂના લેવા માટે ઉપયોગમાં લેવાતી  પીપીઇ કીટ પર્યાપ્ત છે કે નહીં તે અંગે પણ તાપસ થઈ રહી છે.

જુનાગઢ જિલ્લાનામાણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે રેવન્યુ વિસ્તારમાં ટીટોડી, બગલી, બતક, નકટો સહિતના ૫૩ જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઈ હતી. રાજ્યમાં આ ઘટનાને બર્ડ ફ્લૂના પગપેસારા તરીકે જોવામાં આવી રહી હતી. જોકે, મૃત પક્ષીઓના નિરીક્ષણ બાદ આ પક્ષીઓ બર્ડ ફ્લૂના કારણે મૃત્યુ ન પામ્યા હોવાની માહિતી સામે આવી છે.

આ પક્ષીઓ બર્ડ ફ્લૂના કારણે મર્યા નથી. રાજ્યમાં હજુ સુધી એક પણ બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી. પક્ષીઓનાં મૃત્યુ ફૂડ પોઇઝનિંગના કારણે થયા છે. દેશના અન્ય રાજ્યમાં બર્ડ ફ્લૂના કેસ છે ત્યારે રાજ્યમાં આ મૃત્યુના કેસ બર્ડ ફ્લૂ નથી.

હિમાચલ પ્રદેશથી તે છેક કેરળ સુધી ઠેર ઠેર બર્ડ ફ્લૂનો આતંક જોવા મળ્યો હતો. હરિયાણામાં બર્ડ ફ્લૂના પગલે એક લાખ મરઘી મરેલી મળી આવી હતી. બર્ડ ફ્લૂનો ચેપ સૌ પ્રથમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ એ ચેપ અન્ય સ્થળોએ ફેલાવા માંડ્યો હતો. હિમાચલ પ્રદેશ, હરિયાણા અને કેરળમાં પણ બર્ડ ફ્લૂ જોવા મળ્યો હોવાના અહેવાલ હતા. આવું બનતાં રાજ્ય સરકારોએ રેડ એલર્ટ જાહેર કરી હતી.

દરમિયાન કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ઘડી કાઢી છે જે મુજબ  કેટલા પક્ષીઓની જાતો ગુજરાતમાં આવી, તેમની વિસ્થાપનની પેટર્ન અને ગત વર્ષની ગતિવિધિ અંગે રિપોર્ટ તૈયાર કરવો પડશે.  જો કોઈ મોટા પ્રમાણમાં પક્ષીઓ ના મોત ના કિસ્સા બહાર આવે તો લોકોને તેનાથી દૂર રહેવા, મરઘા ઉછેર કેન્દ્રમાંથી સેમ્પલ લેવા જ્યાં વાઇરસ ફેલાયો હોય ત્યાં થી ૧૦ કિલોમીટર એરિયાને સેન્સેટિવ જાહેર કરવા જેવા પગલાં લેવામાં આવે તેવી શકયતા છે.

બીજી તરફ નળસરોવર પક્ષી અભયારણ્યમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યસરકાર દ્વારા પત્ર લખીને સાવચેત રહેવા વનવિભાગને જાણ કરવામાં આવી છે. નાવિકોને સૂચના આપવામાં આવી છે કે નળસરોવરની અંદર ક્યા પણ મૃત પક્ષી દેખાય તો તરત ત્યા ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરવી.  નળ સરોવર ઉપરાંત કચ્છના ફ્લેમિંગો સીટી ઉપર પણ સરકારની ચાંપતી નજર છે.

અતિથિ દેવો ભવ: યાયાવર પક્ષીઓની પણ ખેવના કરાશે

Kuvarjibhai

અબતક સાથેની ટેલિફોનિક ચર્ચા દરમિયાન પશુપાલન મંત્રી કુવરજીભાઈ બાવાળીયાએ કહ્યું હતું કે, યાયાવર પક્ષીઓ ગુજરાત માટે ચિંતાનું કારણ નથી. હજુ સુધી ગુજરાતમાં કોઈ પક્ષીમાં ફ્લૂના લક્ષણ જોવા મળ્યા નથી. છેલ્લા દિવસમાં માણાવદર, રાજપીપળા સહિતના સ્થળોએ પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવ્યા છે જેથી મધ્યપ્રદેશની લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા મોકલવામાં આવ્યા છે. તંત્ર ફોરેસ્ટ વિભાગના સંપર્કમાં છે. ઉપરાંત યાયાવર પક્ષીઓ સલામત રીતે પોતાના વતન પહોંચે તેવા સરકારના પ્રયાસો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.