Abtak Media Google News

સાંજે પાંચ વાગે પોલીસ બંદોબસ્તનું રિહર્સલ: સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરે પાંચ જાહેરનામાં બહાર પાડયા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકોટ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં છેલ્લા કેટલાય દિવસથી વ્યસ્ત બનેલી શહેર પોલીસે આખરી ઓપ આપી વડા પ્રધાનની સભામાં પાણીની બોટલ સહિત કોઇ વસ્તુ સાથે લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. પોલીસ બંદોબસ્તનું સાંજે પાંચ વાગે એરપોર્ટ ખાતેથી રિહર્સલ કરવામાં આવશે તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જુદા જુદા પાંચ જાહેરનામાં બહાર પાડયા છે.

ચૌધરી હાઇસ્કૂલ ખાતે સાંજે સવા પાંચ વાગે જાહેર સભા અને આઇ-વે પોજેકટ ફેસ-૨ લોકાપર્ણ, પબ્લીક હાઉસીંગ પ્રોજેકટ સામુહિક ઇ-ગૃહ પ્રવેશ અને મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખુલ્લુ મુકવા સહિતના કાર્યક્રમ હોવાથી શહેર પોલીસ દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

વડા પ્રધાનના બંદોબસ્તને પહોચી વળવા માટે બહારના જિલ્લામાંથી ૪ એસ.પી. ૧૬ ડીવાય.એસ.પી. ૮ પી.આઇ. અને ૭૫ પીએસઆઇ તેમજ ૧૮૦૦ પોલીસ કર્મચારી- ૨૫૦ મહિલા કોન્સ્ટેબલની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત ચાર કંપની એસઆરપી, ચાર ચેતક કમાન્ડો અને પાંચ બીડીડીએસ અને સ્નીફર ડોગની મદદ લેવામાં આવી છે.

બંદોબસ્તમાં છ ડીસીપી, ૨૧ એસીપી, ૨૭ પી.આઇ. ૧૬૦ પી.એસ.આઇ., ૨૨૭૦ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ, ૪૬૩ મહિલા પોલીસ, ૩૯૦ એસઆરપી, ૬૦ એલઆરડી મળી કુલ ૩૩૭૭ પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં જોડાનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.