રાજકોટમાં બીજા દિવસે પણ તમામ નમૂના નેગેટિવ

83

રાજકોટના પ્રથમ પોઝિટિવ યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ

વડોદરામાં શ્રીલંકાથી આવેલા વૃદ્ધનું કોરોનામાં મોત : મૃત્યુઆંક ૭

રાજકોટમાં સતત બીજા દિવસે પણ કોરોના ના લેવાયેલા ૧૩ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા લોકોમાં રાહતનો શ્વાસ આવ્યો છે. જ્યારે રાજકોટમાં નોંધાયેલા પ્રથમ જંગલેશ્વરના પોઝિટિવ યુવાનના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં વડોદરામાં શ્રીલંકાથી આવેલા વૃદ્ધનું કોરોના પોઝિટિવ ના કારણે મોત નિપજતા રાજ્યનો મૃત્યુઆંક ૭ સુધી પહોંચ્યો છે. રાજકોટ સીટી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દિલ્હી થી આવેલા ૬ લોકોમાંથી ૩ ને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૩ ને કોરેન્ટાઇન પિરિયડ પૂરો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

દુનિયાભરમાં કોરોના કોવિડ ૧૯ એ મહામારી સર્જી છે ત્યારે રાજકોટમાં છેલ્લા બે દિવસથી લોકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના સૌથી વધુ લેવાયેલા ૩૦ સેમ્પલ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે આજ રોજ પણ વધુ ૧૩ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા. રાજકોટમાં અત્યાર સુધી કુલ ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને પ્રથમ પોઝિટિવ યુવાનની હાલત સુધરતા તેના રિપોર્ટ કરાવતા કોરોના નેગેટિવ આવ્યા બાદ આજરોજ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

જ્યારે રાજ્યમાં ૧૫ દિવસમાં ૮૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૩૧ પોઝિટિવ કેસ અને ૩ ના મોત નિપજ્યા છે. જ્યારે વડોદરામાં શ્રીલંકાથી આવેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનું આજ રોજ મોત નિપજતા રાજ્યમાં કુલ ૭ લોકોના મોત નિપજ્યા છે. ગઈ કાલે રાજ્યમાં વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો ૮૭ સુધી પહોંચ્યો છે.

રાજકોટના યુવાને આપી કોરોનાને મહાત

રાજકોટમાં ગત ૧૮મી માર્ચના રોજ શહેરના સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ જંગલેશ્વરના યુવાન નદીમની હાલતમાં સુધારો જોવા મળતા તેનો રિપોર્ટ કરાવતા નેગેટિવ આવતા જ યુવાને કોરોનાને મહાત આપી છે. યુવાનના હોસલા અને તબીબની પારિવારિક લાગણી સાથેની સખત મહેનત દ્વારા નદીમે કોરોનાને પછાડી દીધો છે. સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન ના તબીબી સ્ટાફ ડો. આરતી ત્રિવેદી, ડો. બ્રિજ તૈલી, ડો. કુણાલ સારવાણી, ડો. પંકજ પાટીલ, ડો. મેઘલ અનડકટ, ડો. મહેશ રાઠોડ અને સતત દેખરેખ સાથે મિત્ર ભાવ કેળવતા ડો. વિશાલ ચૌધરી અને ડો. મિલન છોડવાડિયા સહિતના સ્ટાફની મહેનત રંગ લાવી હતી. તબીબોનો પુરુસાર્થ અને નદીમના હોસલાએ કોરોનાને માત આપી આજરોજ યુવાનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

છેલ્લા બે અઠવાડિયામાં દિલ્હીથી આવેલા ૩ હોમ કોરેન્ટાઇન

દિલ્હીથી છેલ્લા બે અઠવાડિયા માં રાજકોટમાં આવેલા ૬ વ્યક્તિનું લિસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેના પગલે રાજકોટ સીટી કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ નિઝામુદિન ખાતે આવેલી મસ્જિદમાં થી આવ્યા છે કે કેમ તેની તપાસ કરતા કુલ ૬ વ્યક્તિઓ નિઝામુદિન વિસ્તારમાંથી આવ્યા હોવાનું જાણવા મળતા તેમની તપાસ કરતા એક દૂધના વેપારી પોતાના કામ માટે ગયા હોવાનું અને અન્ય પાંચ વેપારી પોતાના ધંધાકીય કામથી ગયા હોવાનું પુરવાર થયું હતું. જેથી ૩ લોકોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. અને અન્ય ૩ લોકોનો હોમ કોરેન્ટાઇન પિરિયડ પૂરો કરવામાં આવ્યો હતો.

Loading...