Abtak Media Google News

કર્મચારીઓને આર્થિક તબીબી સહાય સહિત રૂ.૧.૩૮ કરોડનો ખર્ચ મંજુર કરતી ખડી સમિતિ

મહાપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડનાં અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક જ મિનિટમાં તમામ ૨૮ દરખાસ્તોને મંજુરીની મહોર મારી રૂ.૧.૩૮ કરોડનાં કામોને બહાલી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીનાં કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ અલગ-અલગ બે દરખાસ્તોનો વિરોધ કર્યો હતો જોકે તેઓનાં વિરોધ વચ્ચે તમામ દરખાસ્તો બહુમતીનાં જોરે મંજુર કરી દેવામાં આવી હતી.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહાપાલિકાની અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેનાં પરીવારજનોને ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય આપવા માટે રૂ.૧૯.૧૮ લાખનાં ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. જયારે વોર્ડ નં.૧૫માં ગંજીવાડા મહાકાળી ચોકથી ભંગાર બજાર ભાવનગર રોડ અને ત્યાંથી ચુનારાવાડ પમ્પીંગ સ્ટેશન સુધી હયાત ડ્રેનેજ લાઈન બદલવા માટે રૂ.૮૯.૫૭ લાખનાં ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણીનાં નિકાલ માટે ખરીદવામાં આવેલા ડી વોટરીંગ પમ્પ માટે થયેલો રૂ.૯.૧૩ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પરિસરમાં આવેલી સિમેન્ટ વિકેટો પ્રેકટીસ માટે રેસકોર્સ ક્રિકેટ એકેડેમી અને રેસકોર્સ વિમેન્સ ક્રિકેટ એકેડેમીને એક વર્ષ માટે ફાળવવાની દરખાસ્તને બહાલી આપવામાં આવતા રૂ.૧.૧૧ લાખની આવક થવા પામી છે. ૧૫મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધા માટે રૂ.૪૬,૭૬૮નો ખર્ચ મંજુર કરાયો હતો. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવેલી તમામ ૨૮ દરખાસ્તોને આજે એક જ મિનિટમાં મંજુરીની મહોર મારી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.