અક્ષયની ‘પેડમેન’ મૂવીનું ટ્રેલર લોન્ચ

અક્ષય કુમાર, સોનમ કપૂર અને રાધિકા આપ્ટે સ્ટારર મૂવી પેડમેનનું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. અક્ષયે પોતાના ટ્વીટર હેન્ડલ પર તેની લિંક શેર કરી છે, અને ટ્વીટર પર પણ #PadManTrailer ટ્રેન્ડ કરી રહ્યું છે. આ મૂવીના ટ્રેલરમાં અક્ષય કુમાર સુપરમેન, બેટમેનની માફક ઈન્ડિયન સુપરહિરો ‘પેડમેન’ બન્યો છે, જેમાં તે મહિલાઓને વ્યાજબી કિંમતે સેનેટરી નેપકિન્સ વેચે છે. ટ્રેલરની શરુઆત અમિતાભ બચ્ચનના અવાજથી થાય છે. જેમાં તે કહે છે કે જેમ અમેરિકા પાસે સુપરમેન છે, બેટમેન છે, સ્પાઈડર મેન છે પણ ભારત પાસે પેડમેન છે. મહિલાઓને સસ્તી કિંમતમાં પેડ વેચતો અક્ષય જ્યારે પોતાની બહેન અને પત્નીને પોતાનો આ આઈડિયા જણાવે છે ત્યારે તેને સામાજીક અને કૌટુંબિક વિરોધનો સામનો કરવો પડે છે.

તેની પત્ની રાધિકા આપ્ટે પણ તેને છોડીને ચાલી જાય છે. જ્યારે, કોઈ તેનો સાથ નથી આપતું ત્યારે તેની લાઈફમાં સોનમ કપૂરની એન્ટ્રી થાય છે, જે સોશિયલ વર્કર છે અને તે અક્ષયને મદદ કરવા આગળ આવે છે. સવા બે મિનિટની આ ક્લિપમાં આ અઘરા વિષયને કેવી રમૂજ અને સરળતા સાથે ફિલ્મમાં આવરી લેવાયો છે તે બતાવવાનો સરાહનીય પ્રયાસ થયો છે. નાના ગામડાંથી શરુ થયેલી ફિલ્મની કહાનીનો સુપરહિરો કઈ રીતે યુએનમાં પોતાની સક્સેસ સ્ટોરી કહેવા પહોંચે છે તે પણ ટ્રેલરમાં બતાવાયું છે. આ ફિલ્મ અરુનાચલમ મુરુગંગનથમ નામના વ્યક્તિના જીવન પરથી પ્રેરિત સત્ય કથા પર આધારિત છે, જેણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે સસ્તા દરે સેનેટરી પેડ બનાવ્યા હતા. ફિલ્મનું ડિરેક્શન આર. બાલ્કીએ કર્યું છે અને તે ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રિલીઝ થશે.

Loading...