Abtak Media Google News

ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ રજત જયંતિ મહોત્સવમાં પૂ.મહંત સ્વામી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સહિત ૨૫ હજારથી વધુ ભાવિકો રહ્યા ઉપસ્થિત

વિશ્ર્વવંદનીયસંતવિભૂતિ પૂ.પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતેનું અનુપમ સર્જન એટલે સ્વામિનારાયણ અક્ષરધામ. પરમ પૂજય પ્રમુખ સ્વામી મહઆરાજે સન ૧૯૯૨માં અક્ષરધામ મહામંદિરનું નિર્માણ કરીને સૌ કોઈને આધ્યાત્મિકતા અને જીવન ઘડતર માટેની અણમોલ ભેટ અર્પી છે. સન ૨૦૧૭માં આ અક્ષરધામને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે ઉપક્રમે ગઈકાલે અક્ષરધામ રજત જયંતી મહોત્સવનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજય મહંત સ્વામી મહારાજ, અન્ય મંત્રીઓ તથા ૨૫,૦૦૦ કરતા વધુ ભકતો-ભાવિકોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ શાનદાર રીતે ઉજવાઈ ગયો. આનંદસ્વ‚પદાસ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજનું અક્ષરધામ મહામંદિરના નિર્માણમાં પ્રદાન એ વિષયક ઉદ્બોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજે મયુરદ્વારનું ઉદઘાટન કર્યું હતું. અહીંથી તેઓએ નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં પધારીને નિલકંઠવર્ણીનો અભિષેકવિધિ કરીને મંગલમય પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મહાનુભાવો મુખ્ય સભામાં પધારતા સભામાં ઉપસ્થિત ૨૫,૦૦૦ કરતા વધુ ભકતો-ભાવિકોએ તાળીઓના નાદ અને બીએપીએસ સંસ્થા તથા ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને પરમ પૂજય મહંત સ્વામી મહારાજ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી વગેરેના આગમનને વધાવ્યું હતું. બાદ વડાપ્રધાન અને મહાનુભાવો અક્ષરધામ મહામંદિર સમક્ષ આસનસ્થ થયા હતા.

આ પ્રસંગે બી.એ.પી.એસ. બાળવૃંદે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને વડાપ્રધાન અને સૌનું ભાવભીનું સ્વાગત કયુર્ં હતું. નૃત્ય બાદ મહાનુભાવોએ અક્ષરધામની ૨૫ વર્ષીય આધ્યાત્મિક ગાથા રજૂ કરતો ‘અક્ષરધામ સનાતનમ્’ લાઈટ અને લેસરશો નિહાળ્યો હતો. આ શો દ્વારા અક્ષરધામનો ૨૫ વર્ષીય ઈતિહાસ, અક્ષરધામ દ્વારા થયેલા જીવન પરિવર્તન, અક્ષરધામ દ્વારા થતી સામાજિક સેવાકીય પ્રવૃતિઓ, અક્ષરધામનો આધ્યાત્મિક પ્રભાવ વગેરેનું દર્શન કરાવવામાં આવ્યું હતું. શો નિહાળીને સૌ કોઈ અક્ષરધામના આધ્યાત્મિક ઓજસથી વધુ પ્રભાવિત થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અવસરે પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય સ્મૃતિ વાગોળીને અક્ષરધામ રજત જયંતી મહોત્સવની શુભેચ્છાઓ પાઠવીને ઉદબોધન કરતા જણાવ્યું હતું, ‘મારુ સૌભાગ્ય છે જયારથી વિચારતો થયો ત્યારથી આ પરંપરા તથા પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ સાથે નીકટતાથી રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજની નીકટતાનું એક સૌથી મોટું કારણ તેમનું એકદમ સરળ અને સહજ એવું દિવ્ય વ્યકિતત્વ. પ્રમુખ સ્વામી મહારાજ સૌ પર એવી હેતલ વર્ષા વરસાવતા કે કોઈનેય કયારેય દૂરી અનુભવવા જ દીધી નથી. પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાને ફેલાવાને બદલે તેની ઉંચાઈ તરફ પ્રેરણા આપતા રહ્યા, હરિભકતોના તથા સંતોના જીવનમાં આધ્યાત્મિક ઉંચાઈ આવે તેની હંમેશા કાળજી લેતા. પ્રમુખ સ્વામી મહારાજે મંદિરોનું નિર્માણ કરીને ઈંટો, માટી કે પથ્થરો ખડકવાનું કામ નથી કર્યું પણ સામાજીક ચેતનાને આ મંદિરો દ્વારા જીવંત રાખી છે. અક્ષરધામ જેવા મહામંદિરો દ્વારા સૌને મેનેજમેન્ટની નવી વ્યાખ્યા મળી. સ્વચ્છતા હોય, સુરક્ષા હોય કે પછી કોઈ પણ વ્યવસ્થા હોય, દરેક બાબતમાં પ્રમુખ સ્વામી મહારાજ જિણવટપૂર્વક રસ લઈ સૌને માર્ગદર્શન આપે જેના દ્વારા દરેક કાર્ય નિખરી ઉઠે.

અક્ષરધામ એટલે મોર્ડન મેનેજમેન્ટ અને મોર્ડન ટેકનોલોજીનો અદભુત સમન્વય. જયારે અક્ષરધામ બનતું હતું ત્યારે એ વખતે પણ ટેકનોલોજીનો અદભુત ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલા માટે જ અક્ષરધામ એટલે આધુનિકતા અને દિવ્યતા બંનેનો સુભગ સંયોગ. અક્ષરધામની વિશેષતા એ છે કે તેનો પ્રત્યેક પથ્થર બોલતો હોય તેવી અનુભૂતિ થાય છે. કારણ તેના દ્વારા અનેકને જીવન પરિવર્તનની પ્રેરણા પ્રાપ્ત થાય છે અને અક્ષરધામમાં આવીને કોઈપણ વ્યકિત આવે ત્યારે ભકત હોય કે ન હોય પરંતુ જયારે અહીંથી જાય ત્યારે ભકત બની જાય છે.

ત્યારબાદ બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા અને ગુરુહરિપરમ પૂજય મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું, ‘અક્ષરધામ બધાને શાંતિ આપે છે તેનું કારણ આ મહાન અક્ષરધામના સર્જક પ્રમુખ સ્વામી મહારાજ – તેમનું બાળપણનું નામ શાંતિલાલ. તેમનામાં સાધુતા અને ખમવાની પરાકાષ્ઠા હતી. પ્રમુખસ્વામી મહારાજે કયારેય સામનો નથી કર્યો, પણ સહન જ કર્યું છે. અક્ષરધામમાં જયારે આતંકવાદી હુમલો થયો હતો ત્યારે આવા કપરા સંજોગોમાં પણ પ્રમુખસ્વામી મહારાજે આતંકવાદીઓની સદ્ગતિ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. કારણકે પ્રમુખ સ્વામી મહારાજ શાંતિના દૂત હતા. અક્ષરધામમાં જે પણ કોઈ દર્શને આવે છે તેમને નિર્માની થવાની પ્રેરણા મળે છે અને જીવનમાં નૈતિક મૂલ્યોને ઉજાગર કરવાનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજ તથા મહાનુભાવોએ ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારી હતી. સૌનું ભાવભીનું અભિવાદન ઝીલીને વડાપ્રધાનએ સભામાંથી વિદાય લીધી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં બાળવૃંદે સાંસ્કૃતિક નૃત્ય રજુ કરીને અક્ષરધામને અંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ક્રમશ: અક્ષરધામનો ઈતિહાસ, પરિવર્તન, પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા વગેરે વિવિધ પાસાઓ દર્શાવતી વિડીયો અને તેને અનુ‚પ વરિષ્ઠ સંતો પૂજય ડોકટર સ્વામી, પુજય ઈશ્ર્વરચરણદાસ સ્વામી અને પૂજય આનંદસ્વ‚પદાસ સ્વામીના ઉદબોધન રજૂ થયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.