Abtak Media Google News

રાજકોટમાં ઉભી થનારી “એઈમ્સનો લાભ ગુજરાતભરની પ્રજાને મળવાનો છે

ગુજરાતને મળેલી ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ એઈમ્સની ભેટને ભાજપના અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે ઉમળકાભેર વધાવી લીધી છે. સમગ્ર ગુજરાત રાજયની પ્રજા વતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતા ધ્રુવે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે.

એક નિવેદનમાં ધ્રુવે જણાવ્યું છે કે, ‘એઈમ્સ’ની ભેટ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રને નહિ, પરંતુ આખા ગુજરાતની પ્રજાને મળી છે. આ માટે યશના સહભાગીઓમાં વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના સમગ્ર પ્રધાનમંડળનો સમાવેશ થાય છે. જયારે ગુજરાતભરની પ્રજા અભિનંદનની અધિકારી બની છે. ‘એઈમ્સ’નું સ્યેટસ ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવું છે. એ અમદાવાદમાં હોય તો પણ આખા ગુજરાતનું જ ગણાય. ‘એઈમ્સ’ પણ ગુજરાતની પ્રજાને ભારત સરકારની એક મસમોટી ભેટ છે, તેનો લાભ આખા રાજયની પ્રજાને દર્દીઓને મળવાનો છે.

‘એઈમ્સ’ માટે રાજકોટની પસંદગી થઈ તેની પાછળનું કારણ સમજાવતા ધ્રુવે જણાવ્યું કે, ગુજરાતનાં ચાર મુખ્ય મહાનગરોમાંથક્ષ અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે વિશ્વકક્ષાની અત્યાધુનિક તબીબી સુવિધાઓ આપતી જાહેર અને ખાનગી ક્ષેત્રની એકથી વધુ હોસ્પિટલો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આવી સુવિધાઓની ઘણી ઓછપ છે. રાજકોટને ‘એઈમ્સ’ મળે તો કચ્છના છેવાડાના વિસ્તારથી માંડી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને ઘણો મોટો ફાયદો થાય. સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ગ અકસ્માતોમાં અત્યંત ગંભીર રીતે ઘવાયેલા લોકોને આજે પણ અમદાવાદ ખસેડવા પડે છે. રાજકોટમાં એઈમ્સ શરૂ થાય એટલે ૧૨થી વધુ જિલ્લાઓનાં લોકોને તત્કાલ વિશ્વ કક્ષાની સુવિધા મળી શકે અને અનેક માનવજીવન બચાવી શકાય. રાજકોટ મોટર માર્ગ, રેલવે લાઈન તેમજ હવાઈ માર્ગે પણ ગુજરાતના અન્ય શહેરોની સાથે દેશભર સાથે જોડાયેલું હોઈ ગંભીર પ્રકારની બીમારીઓમાં રાજયભરની પ્રજાને ‘એઈમ્સ’નો લાભ સરળતાથી મળી શકશે. આમ, ગુજરાતભરની જનતા એઈમ્સની વૈશ્વીક ગુણવત્તાસભર તબીબી સુવિધાઓનો ફાયદો મેળવી શકશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, ૨૦૧૪માં વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એઈમ્સ આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી મોદીજીએ એમનું વચન સુપેરે પાળ્યું છે. ગુજરાતનાં વિકાસની સતત ખેવના રાખતા વડાપ્રધાને ગુજરાતને ‘એઈમ્સ’રૂપી વધુ એક નજરાણું ભેટ થર્યું છે. એ અત્યંત ખુશી અને ગર્વની બાબત છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરનાં વિકાસ માટે ‘એઈમ્સ’ એક મહત્વનું સીમાચિહન બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.