Abtak Media Google News

નોટબંધી દરમિયાન બેંકે ૭૪૫.૫૯ કરોડ કાળા-ધોળા કર્યાનો રાહુલ ગાંધી અને રણદિપ સુરજેવાલે આરોપ લગાવતા બેંકે બદનક્ષીનો દાવો માંડયો

નોટબંધી દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જે બેંક સાથે જોડાયેલા છે તેવી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકે ૭૪૫.૫૯ કરોડની નોટો બદલી ગોલમાલ કરી હોવાનો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને રણદિપ સુરજેવાલે આરોપ લગાવતા અંતે આ મામલે અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકના ચેરમેન અજય પટેલે ચીફ મેટ્રોપોલીટીન કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડતા ચકચાર જાગી છે.

નવેમ્બર-૨૦૧૬માં નોટબંધી દરમિયાન અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક દ્વારા પાંચ જ દિવસમાં ૭૪૫.૫૯ કરોડની રૂ.૫૦૦ અને ૧૦૦૦ના દરની નોટો બદલી કૌભાંડ આચર્યું હોવાની રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદિપ સુરજેવાલે માહિતી ફેલાવતા બેંકની છબી ખરડાઈ હોવાનો આરોપ લગાવી બેંકના ચેરમેન અજય પટેલે ચીફ મેટ્રોપોલીટીન કોર્ટમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૦ મુજબ રાહુલ ગાંધી અને રણદિપ સુરજેવાલ વિરુઘ્ધ દાવો દાખલ કર્યો છે અને મેજીસ્ટ્રેટ એસ.કે.ગઢવીએ ફરિયાદીની જુબાની લઈ કોર્ટ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજવા નકકી કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદિપ સુરજેવાલે પત્રકાર પરિષદ યોજી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે બેંક સાથે જોડાયેલા છે તેવી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક દ્વારા નોટબંધી બાદ અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક દ્વારા ૨૦૧૬માં ૮ નવેમ્બરથી નોટબંધી અમલી બન્યા બાદ ૧૦ થી ૧૪ નવેમ્બર દરમિયાન ૭૪૫.૫૯ કરોડની રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની નોટ બદલી હતી અને બેંકની આ કાર્યવાહીને કૌભાંડ ગણાવ્યું હતું.

આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવીટ કરી જણાવ્યું હતું કે, અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકના ડિરેકટર અમિત શાહજીને અભિનંદન, તેમની બેંકે પાંચ દિવસમાં રૂ.૭૪૫ કરોડની જુની ચલણી નોટો બદલીને નવીમાં તબદીલ કરવાની રેસમાં પહેલું ઈનામ મેળવ્યું છે. નોટબંધીમાં જેમનું જીવન બરબાદ થઈ ગયું તેવા કરોડો ભારતીયો તમારી સિદ્ધિને સલામ કરે છે.

આ સંજોગોમાં આવા પ્રકારના નિવેદન અને ટવીટથી બેંક, બેંકના ચેરમેન, બેંકના ડિરેકટરો અને થાપણદારોની બદનક્ષી થઈ હોવાની ફરિયાદ કરી રણદિપ સુરજેવાલા અને રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનોની સ્પષ્ટતા કોર્ટ સમક્ષ રજુ કરવા અને બંને વિરુઘ્ધ માનહાનીનો દાવો દાખલ કરવા અરજી કરાતા કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.