Abtak Media Google News

જગતનો તાત ખેતીકામમાં જોતરાયો

જિલ્લામાં મેઘરાજાએ સતત ત્રણ દિવસ અનરાધાર હેત વરસાવ્યા બાદ વરાપ નિકળતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે અને ખેતીના કામમાં જોતરાય ગયો છે.

હાલારમાં સતત બે-ત્રણ દિવસ અનરાધાર વરસાદ પછી આજે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી છે. આ દરમિયાન છેલ્લા ર૪ કલાકમાં હાલારમાં એકથી ૧ર ઈંચ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે હાલારના મહત્તમ જળાશયો ઓવરફ્લો થયા છે. આથી પાક-પાણીનું ચિત્ર બદલાઈ ગયું છે. જામનગર સહિત હાલારની પીવાના પાણીની ચિંતા પણ ટળી ગઈ છે.

જામનગરમાં બે દિવસ સતત વરસ્યા પછી ગઈકાલે બપોર પછી મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન ગઈકાલે બપોરે બે વાગ્યા પછી આજે બપોર સુધીમાં જામનગરમાં પર મી.મી., કાલાવડમાં પાંચ મી.મી., ધ્રોળમાં ૧૯ મી.મી., જોડિયામાં ૭ મી.મી., લાલપુરમાં ૩ર મી.મી. અને જામજોધપુરમાં ૧૩ મી.મી. વરસાદ થયો હતો.

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના ફલકુ વોંકળામાં રામજીભાઈ દામજીભાઈ પ્રાગડા (ઉ.વ. ૪૦) તણાઈ ગયા હતાં. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાને જાણ કરવામાં આવતા તરત જ તેની ટીમ દોડી આવી હતી અને શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ પાણીના ભારે પ્રવાહના કારણે તેઓ તણાઈ જતા આખરે તેમનો મૃતદેહ સાંપડ્યો હતો, તો જોડિયા ગામના ઊંડ નદીના ડોબર કોઝવે પુલ પાસે બે વ્યક્તિઓ પાણીમાં તણાઈ હતી. જેમાંથી રજાકભાઈ અક્સરભાઈ સલામત રીતે બહાર નીકળી ગયા હતાં, જ્યારે અલ્તાફભાઈ ઈબ્રાહિમભાઈ (ઉ.વ. ૩૦) (રે. મોટોવાસ, જોડિયા) ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે ખૂબ જ વ્યાપક રીતે નુક્સાન ખેતીને પણ થયું છે. અનેક ખેતરો હજુ પણ પાણીથી તરબોળ છે, તો અનેક સ્થળે હજુ પણ રસ્તાઓ બંધ છે. અનેક જગ્યાએ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસેલા છે તથા હેઠવાસમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પણ હજી પાણી છે.

જિલ્લામાં ૭૬ લોકોનું રેસ્ક્યુ, ૧૦૩૮નું સ્થળાંતર

Matter 6 1 1

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. પાણીમાં ફસાયેલા ૧૦૩૮ વ્યક્તિઓ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં, જ્યારે ૭૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જામનગર જિલ્લામાં સતત બે દિવસ અવિરત મેઘસવારી ચાલુ રહેતા જળબંબાકારની સ્થિતિ થવા પામી હતી, જેમાં અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા હતાં તેમનું એનડીઆરએફની ટીમ અને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં જોડિયામાં ૬૦ લોકોનું, બાદનપર (જોડિયા) માં નવ લોકો, ધ્રાંગડામાં સ્થાનિક લોકો દ્વારા પાંચ વ્યક્તિ અને વડલામાં એનડીઆર.એફ ટીમ દ્વારા બે લોકો મળી કુલ ૭૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

જ્યારે કાલાવડ પંથકમાં ૯પ, જામનગરના ગ્રામ્ય વિસ્તારના ચેલાના ૪પ૦ મળી કુલ ૪૬૧ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતાં. જોડિયાના બાદનપરમાં ૩૦પ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ધ્રોળના નિચાણવાળા વિસ્તારમાંથી ૪પ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. જામજોધપુરના ૪પ લોકોને અને જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી ૮૭ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

જામનગર શહેરમાં છેલ્લા બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. અનેક રસ્તાઓ અને ખાસ કરીને શેરી-ગલીઓમાં તો ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે વાહન-વ્યવહારને અસર થઈ હતી. અનેક વાહનો પાણીમાં બંધ પડીને ફસાઈ ગયા હતાં. વરસી રહેલા વરસાદમાં ભીંજાવવાનો આનંદ માણવા લોકો ચાલીને તેમજ ટુ-વ્હીલર વાહનોમાં નીકળી પડ્યા હતાં. તેમાંય શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવમાં નવા નીરને નિરખવા અને આનંદ માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તેમાં યુવા વર્ગની હાજરી વિશેષ જોવા મળી હતી. જો કે વરસાદમાં આનંદ માણવા નીકળેલા લોકોએ મોઢાં પર માસ્ક પહેરવાની દરકાર તો કરી ન હતી, પણ સાથે સાથે સામાજીક અંતરનું પણ જરાય પાલન કર્યુ ન હતું.

નાના બાદનપર પાસે નદીમાં તણાયેલા ખેડૂતનો મૃતદેહ મળ્યો

કાલાવડના નાનીવાવડી ગામમાં એક ખેડૂત સોમવારે સાંજે વરસતા વરસાદમાં પોતાના ખેતરેથી ઢોરને નીરણ નાખી પરત ફરતા હતાં ત્યારે નાના બાદનપર ગામ પાસે નદીમાં જોશભેર પ્રવાહ વધી જતા તેઓ તણાઈ ગયા હતાં. આ ખેડૂતનો ગઈકાલે નદીના પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના ખેડૂત રામજીભાઈ દામજીભાઈ પ્રાગડા (ઉ.વ. ૪૦) પટેલ સોમવારે સાંજે પોતાના ઘરેથી મોટરસાયકલ પર ખેતરે ઢોરને નીરણ નાખવા માટે નીકળ્યા હતાં. ખેતરે તે કામ પૂરૂ કર્યા પછી રામજીભાઈ જ્યારે પોતાના વાહનમાં પરત ફરતા હતાં ત્યારે નાનાવદર ગામ પાસેની નદી નજીક પહોંચ્યા ત્યારે ચાલુ વરસાદે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. પાણીના જોશભેર વહી જતા વહેણમાં રામજીભાઈ મોટરસાયકલ સાથે તણાઈ ગયા હતાં. જેની તેમના પરિવારને જાણ થતા જામનગરના રણજીતસાગર રોડ પર સેટેલાઈટ પાર્કમાં રહેતા તેમના નાનાભાઈ કરશનભાઈ પ્રાગડા સહિતના પરિવારજનો દોડી આવ્યા હતાં. પાણીના ધસમસતા વહેણમાં તણાઈ ગયેલા રામજીભાઈને શોધવા માટે શરૃ કરાયેલી જહેમત પછી ગઈકાલે બપોરે રામજીભાઈનો મૃતદેહ પાણીમાંથી મળ્યો હતો. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા કાલાવડના એએસઆઈ જે.જે. ઈસાણી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવ્યું છે અને કરશનભાઈનું નિવેદન નોંધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.