Abtak Media Google News

આ ચૂંટણી રાષ્ટ્રવાદી પાર્ટી અને રાષ્ટ્રિય પાર્ટી માટે મરણીયો જંગ હતી તો ચૂંટણી કમીશન માટે અગ્ની કસોટી અને પોલીસદળ માટે કુરૂક્ષેત્રનો જંગ હતી !

અસ્તિત્વ માટેનો જંગ

ગોધરાકાંડ પછી રાજકીય આક્ષેપો પ્રતિઆક્ષેપોનો ધોધ વહેતો રહ્યો સાથે અસ્તિત્વ ટકાવવા માટે અને મતબેંકો મજબુત કરવા માટે રાજકીય પક્ષો મરણીયા થઈને અનેક ચિત્ર વિચિત્ર છળકપટ અને કાવાદાવા કરતા હતા તેનો ભોગ બીચારી જનતા અને જનતાથી પણ બીચારૂ એવું વહીવટી તંત્ર બનતુ હતું તેમાં પણ ખાસ મર્યાદીત સંખ્યાબળને કારણે પોલીસદળના થાણા અધિકારીઓની હાલત બાર સાંધે ત્યાં તેર તુટે જેવી હતી અને દિવસ રાત દોડાદોડી કરી અનેક ઉપાધીઓ વેઠીને બ્લડ પ્રેસરમા વધારો કરી રહ્યા હતા ! આમ આ વખતની રાજય વિધાનસભાની મધ્ય સત્ર ચૂંટણીઓ રાષ્ટ્રીય પાર્ટી અને રાષ્ટ્રવાદી પાર્ટી માટે અસ્તિત્વ માટેનો મરણીયો જંગ હતો તો ચૂંટણી કમીશન માટે અગ્નિ કસોટી અને પોલીસ દળ માટે કુરૂક્ષેત્રનો જંગ હતો.

4 Banna For Site

આ દરમ્યાન ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલા રાજય સરકારે વહીવટીતંત્રમાં જેમ આગે આગ સે ચલી આતી હૈ માફક ઉચ્ચ અધિકારીઓના ફેરફારો ચાલુ કર્યા. આ ફેરબદલીઓમાં પણ આક્ષેપો પ્રતિ આક્ષેપોથી રાજકીય રોટલા શેકાયા આ ફેરફારોમાં કોમી તોફાનો પહેલા ચાર પાંચ મહિના અગાઉ મહેસાણા જિલ્લાના નિષ્ઠાવાન અને લોકપ્રિય પોલીસ વડાની મહેસાણાથી બદલી થયેલ તે પોલીસવડાને ફરીથી મહેસાણા જીલ્લામાં નિમણુંક મળી જુઓ પ્રકરણ ૧૯૬ ખાતાની ખટપટ ૩ છેલ્લો પેરેગ્રાફ

આજ જિલ્લાનો અગાઉનો રાજકીય, સામાજીક અને ગુન્હાકિય સંજોગોનો અનુભવ આ ફેર નિમણુંક પામેલા પોલીસ વડાને સારો એવો હતો જેથી તેમણે મધ્યસત્ર ચૂંટણીના બંદોબસ્તના આયોજનમા તેનો પૂરો ઉપયોગ કરી ચૂંટણી દરમ્યાન કયાંય પણ બબાલ કે માથાકૂટ ન થાય અને થાય તો તાત્કાલીક તેને પહોચી વળવાનું આયોજન કર્યું

અંતે વર્ષની આખરમા ચૂંટણી કમિશને વિધાનસભા મધ્યસત્ર ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી જ દીધું. રાજયમાં મતદાન નિર્ભય રીતે, મુકત મને અને તટસ્થતાથી થાય તે માટે રાજયમાં કેન્દ્રમાંથી પોલીસ દળને સહાયક એવા પેરામીલ્ટ્રી દળો જેવા કે બી.એસ.એફ. (બોર્ડર સીકયોરીટી ફોર્સ), આઈટીબીપી (ઈન્ડો તીબેટ બોર્ડર પોલીસ), સી.આઈ.એસ.એફ (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીકયોરીટી ફોર્સ), આર.પી.એફ. (રેલવે પ્રોટેકશન ફોર્સ) વિગેરે ફાળવીને ચૂંટણીના પંદર દિવસ પહેલા જ જે તે પોલીસ સ્ટેશનો ને ફાળવી દીધા જેમાં ઉંઝા પોલીસ સ્ટેશન માટે ત્રણ કંપનીઓ (૩૦૦ જવાનો + અધિકારીઓ) ફાળવી દીધી.

ઉંઝા પીઆઈ જયદેવે આ કંપનીઓ માટે પાણી, ઈલેકટ્રીક અને રહેવા માટેની વ્યવસ્થા કરવાની હતી જયદેવે એક કંપનીની ઉનાવા માર્કેટ યાર્ડમાં વ્યવસ્થા કરી અન્ય એક કંપનીને દાસજ ગામે ગોગમહારાજ મંદિરનાં મેદાનમાં ગોઠવણ કરી અને એક કંપનીને ઉંઝામાં મુકામ કરાવ્યો પ્રાથમિક સુવિધાઓની ગોઠવણ કરી દરેક કંપની કમાન્ડરને મળી તાલુકાના રાજકીય અને કાયદો અને વ્યવસ્થાના માહોલથી માહિતગાર કરી સવારસાંજ ગામડાઓની ફેરણી (પેટ્રોલીંગ) માટેની યાદી અને રૂટ આપ્યા તથા આ બંદોબસ્ત માટે જીલ્લા કલેકટરના ખાસ જાહેરનામા મુજબ રીકવીજીટ કરેલા ખાનગી વાહનો લોગબુક સહિત તેમને આપ્યા જયદેવે વધુમાં દરેક કંપનીને એક એક દિવસના બડા ખાના (મીઠાઈ વિગેરે) માટે પોતા તરફથી ખાસ વ્યવસ્થા કરી આપી ત્રણે કંપનીઓ એ પોતાની અનુકુળતાએ બડાખાના નું વારાફરતી આયોજન કર્યું અને તેમણે તે બડાખાનાના કાર્યક્રમમાં જયદેવને પણ આમંત્રણ આપ્યું. આમ કેન્દ્રીય સુરક્ષા દળો અને લોકલ પોલીસ વચ્ચે સમન્વય અને સહકાર ભર્યું વાતાવરણ બની રહે તેવું આયોજન કર્યું. નહિ તો સામાન્ય રીતે કેન્દ્રીય દળો પોતાને કાંઈક અલગ જ સમજીને પોતાની રીતે બંદોબસ્ત કાર્યવાહી કરતા હોય છે. જેથી કયારેક મુસીબત પણ ઉભી થાતી હોય છે.

લગભગ ચૂંટણી જંગની તૈયારીઓ થઈ ચૂકી હતી. જયદેવે ગ્રુપ પેટ્રોલીંગ, ફીકસ પોઈન્ટો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર ભૂતકાળમાં અને તાજેતરમાં થયેલા પોસ્ટ ગોધરા કોમી તોફાનો ને લક્ષમાં લઈ, પરિસ્થિતિ અને સંજોગો મુજબ પોલીસ અધિકારીઓ, જવાનો ને તેમની કક્ષા, હેસીયત અને લાયકાત મુજબ નામ જોગ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં ઉંઝા પોલીસ સ્ટેશનના બ્રાહ્મણ વાડા આઉટ પોસ્ટના વિશોળ વરવાડા વિગેરે દસ ગામો સિધ્ધપૂર વિધાનસભા મત વિભાગમાં સામેલ હતા. સિધ્ધપૂર બેઠક માટે રાષ્ટ્રવાદી પાર્ટીના મંત્રીઅને રાષ્ટ્રીય પાર્ટીના સ્થાનિક ઉદ્યોગપતિ વચ્ચે કાંટાની ટકકર અને ગળાકાપ હરીફાઈ હતી. આ દસ ગામોમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન જ ખૂબ આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હતા અને અનેક પ્રકારની વાતો સાંભલવા મળતી હતી. આ બ્રાહ્મણ વાડા વિસ્તારનું એક ખાનગી વાહન જયદેવે બંદોબસ્ત માટે જાહેરનામા અન્વયે રીકવીજીટ કરેલું તેમાં તો બંને રાજકીય પક્ષના માંધાતાઓ પોલીસ ઉપર તુટી પડેલા કે વાહન ગમે તે કરો મૂકત કરો અને બીજુ રીકવીજીટ કરી આ રીકવીજીટ કરેલુ વાહન તે વિસ્તારમાં મોટુ મતદાન ધરાવતી કોમના આગેવાનનું હતુ જયદેવને થયું કે આ તે કેવી લોકશાહી? વાહન કયાં મફતમાં રીકવીજીટ કર્યું છે અને કયાં મારા ગગાના લગ્નમાં વાપરવાપનું છે, ઉપયોગ દેશના લોકશાહીના આધાર સ્તંભ એવા ચૂંટણી યજ્ઞ કાર્ય માટે કરવાનો છે અને સરકારી ધારા ધોરણ મુજબ તેને ભાડુ પણ ચૂકવવાનું છે વાહન મૂકત કરવા ખૂબજ દબાણ અને રજૂઆતો થઈ આથી જયદેવને થયુંકે આમ તો વહિવટ કેમ ચાલે અને તટસ્થતા અને ન્યાય કયાં રહ્યો ? રાજકીય વગ વગરના લોકોનો જ દેશની સેવામાં ઉપયોગ કરવાનો? (રાજકીય વગ વાળાએ જલસાજ કરવાના) જયદેવે નકકી કર્યું કે સમતા હોવી જ જોઈએ, આથી વાહન મૂકત કર્યું જ નહિ આથી સિધ્ધપૂર બેઠકના રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવાર એવા મંત્રી ખૂબ જ ગીન્નાયેલા.

આ બ્રાહ્મણ વાડા વિસ્તારના દસ ગામોનું મતદાન સિધ્ધપૂર બેઠક માટે નિર્ણાયક બનવાનું હોઈ રાષ્ટ્રીય પાર્ટીએ મુંબઈ વિગેરે બહારગામ હોટલો વિગેરે વ્યવસાયમાં સંકળાયેલા લઘુમતી કોમના મતદારોને મતદાન કરવા વતનમાં ખાસ આમંત્ર્યા તો રાષ્ટ્રવાદીપાર્ટીએ સુરતમાં હીરા ઉદ્યોગ અને અન્ય ધંધામાં સેટલ યેલા બહુમતી કોમના અહીના વતનીઓ એવા મતદારોને ખાનગી બસો ભરાવી વતનમા જલસો ગોઠવ્યો જયદેવને ખ્યાલ આવી ગયો હતો કે ભલે આ બ્રાહ્મણવાડાના દસ ગામોમાં ગોધરકાંડના તોફાનોની અસર થયેલ નહતી. પરંતુ ચૂંટણીમાં મતદાન સમયે આજ વિસ્તાર અતિ સંવેદનશીલ બનવાનો હતો. (રાજકીય હુંસાતુંસીને કારણે) આથી જયદેવે બ્રાહ્મણ વાડા ગ્રુપ પેટ્રોલીંગ માટેના મોબાઈલ વાહનના ઈન્ચાર્જ તરીકે મજબૂત ફોજદાર રહીમભાઈ ટાંકને મૂકયા હતા અને પોલીસવડાએ તે વ્યવસ્થા સ્ક્રીમને મંજૂરીની મહોર પણ મારી દીધી હતી. ઉનાવા ખાતે હવે બંને પક્ષો કાયદેસરની કાર્યવાહીથી થાકી ગયા હતા હવે ત્યાં કાંઈ જ બનવાનું નહતુ.

પરંતુ ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા ગયા તેમ બંને રાજકીય પક્ષોએ ચૂંટણી યુધ્ધમાં આક્ષેપોની ઝડી વરસાવવામાં કાઈ બાકી રાખ્યુંં નહિ જેમાં દેશના ચૂંટણી કમિશ્નરને પણ આક્ષેપોની હડફેટે લીધેલા અને મહેસાણા જીલ્લા પોલીસ વડાને પણ હડફેટે લીધા હવે ચૂંટણી મતદાનકના દિવસને ત્રણ ચાર દિવસ જ બાકી હતા તેવા સંજોગોમાં તટસ્થ ચૂંટણીના નામે મહેસાણા પોલીસ વડા ને બદલી શકાય તેમ તો ન હતા. કેમકે કોઈ વજુદ વાળા આક્ષેપો જ ન હતા છતા ચૂંટણી કમિશને તટસ્થતા ના દાવે મહેસાણા પોલીસ વડાને પાંચ દિવસની રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા તેમની જગ્યા એ રજાપૂરતા આવેલા નવા પોલીસ વડાપણ નિષ્ઠાવાન અને કડક હતા પરંતુ તેમને મહેસાણા જીલ્લાની રાજકીય, સામાજીક ભૂગોળનો ખ્યાલ ન હોય તે સહજ હતુ.

ચાર્જમાં આવેલા પોલીસ વડાએ ટુંકા સમયમાંજ તમામ પોલીસ સ્ટેશનોની જે તે વિભાગનાં ડી.વાય.એસ.પી. સાથે વિજીટ કરી તેમ ઉંઝા પોલીસ સ્ટેશનની પણ વિજીટ કરી ચૂંટણી અંગે મતદાનના દિવસના બંદોબસ્તની સ્કીમની ચર્ચા કરી. વિસનગરના નવ નિયુકત ડીવાયએસપીએ કાંતો પોતાની બુધ્ધિ પ્રતિભા દર્શાવવા અથવા તો ચૂંટણીમાં કાંઈક ડખો કે બબાલ થાયતો જયદેવ બદનામ અને હેરાન થાય તે હેતુથી ચાર્જમાં આવેલા પોલીસ વડાને બંદોબસ્ત સ્કીમ અંગે આંગળી કરી કે ફોજદાર રહીમભાઈ ટાંકને ઉનાવા રાખવા જોઈએ નહિ કે બ્રાહ્મણ વાડા ગ્રુપ પેટ્રોલીંગમાં, આથી ચાર્જમાં આવેલ પોલીસવડાએ ફકત કોમી તોફાનોને જ લક્ષમાં લઈને જયદેવનો કોઈ જ અભિપ્રાય લીધા સિવાય સ્કીમમાં ફેરફાર કરતો હુકમ કરી એક નિવૃત્તિે આરે આવેલા વયોવૃધ્ધ જમાદારને બ્રાહ્મણ વાડા ગ્રુપ પેટ્રોલીંગના ઈન્ચાર્જ તરીકે અને ફોજદાર ટાંકને ઉનાવા ફીકસ પોઈન્ટમાં મૂકી દીધા આથી જયદેવને આંચકો તો લાગ્યો જ પણ અમંગળના એંધાણ પણ દેખાયા પરંતુ પોલીસ ખાતાના શિસ્તના નિયમો પ્રમાણે હંમેશા “ઇજ્ઞતત શત ફહૂફુત શિલવિંનું પાલન કરી ચૂપ રહ્યો.આખરે ચૂંટણી જંગન મતદાનનો દિવસ આવી ગયો સમગ્ર દેશ નહિ સમગ્ર વિશ્ર્વનું ધ્યાન આ ગુજરાતની વિધાનસભા મધ્યસત્ર ચૂંટણી ઉપર હતી જેનું કારણ ગોધરાકાંડ અને તેના અનુસંધાને થયેલા કોમી તોફાનો તથા રાજકીય આક્ષેપ બાજી હતા.

ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તાર માટે ચૂંટણી બંદોબસ્ત સુપરવિજન માટે ફરી એજ ડીવાયએસપી પેન્થર સર આવી ગયા પોલીસ સ્ટેશન વિસ્તારના સમગ્ર બંદોબસ્તનો હવાલો પીઆઈ જયદેવ પાસે હતો. જયદેવે પેન્થર સર ને બંદોબસ્ત સ્કીમ અને ચાર્જમાં આવેલા પોલીસ વડાએ વિસનગર ડીવાયએસપીના કહેવાથી બ્રાહ્મણવાડાની હાલની પરિસ્થિતિથી વાકેફ કર્યા, પેન્થરસર અનુભવી તો હતા જ પણ તેમને પોસ્ટ ગોધરા કોમી તોફાનો દરમ્યાનની જયદેવની કાર્ય પધ્ધતિનો અનુભવ પણ હતો તેઓઆ વાત સાંભળી ખીન્ન થઈ ગયા અને બોલ્યા કે, આ ખાતામાં આવું જ ચાલે છે તેથી જ તો તે બદનામ થાય છે. મતદાનના આગલા દિવસે મતપેટીઓ અને જે તે બુથ ઉપરના ફરજના કર્મચારીઓ જેતે ગામોએ મતદાન કેન્દ્રોએ પહોચી ગયા.બ્રાહ્મણ વાડાના દસ ગામોએ અગાઉ જણાવ્યા પ્રમાણે મુંબઈ અને સુરત વિગેરે શહેરોમાંથી સ્થાનિક વતનીઓ અને મતદારો આવી ગયા હતા. જેમાં વિશોળ ગામે ચાર પાંચ ખાનગી લકઝરી બસોમાં અહીના મૂળ વતનીઓ એવા સુરતનાં હીરા વ્યવસાયીઓ આવી ગયા હતા.

વિશોળ ગામે લગભગ તમામ વસ્તી બહુમતી કોમની જ હતી પરંતુ તેમાં બંને રાજકીય પાર્ટીના અરધ અરધા બહુમતીમાં પણ પેટા કોમ મુજબ ભાગ પડી ગયા હતા અને ગામે દેખાવની ઉપર છેલ્લી શાંતી જણાતી હતી અંદર ખાને પેટા કોમ વાઈઝ અતિશય આક્રમકતા અને ઝનુન હતુ આવુ ઝનુન તો બંને ઉમેદવારો વચ્ચે પણ નહિ હોય. આવી જ હાલત આઉટ પોસ્ટના મુખ્ય ગામ બ્રાહ્મણ વાડાની હતી તે વસ્તીમાં મોટુ અને નેશનલ હાઈવે ઉપરનું ગામ હતુ અહી પણ બહુમતી કોમમાં પણ રાજકીય પાર્ટીઓ માટે પેટા કોમ આધારીત અડધા અડધા ભાગ હતા એક કોમ રાષ્ટ્રીય પાર્ટી પક્ષે અને બીજી કોમ રાષ્ટ્રવાદી પાર્ટી પક્ષે હતી અને બંને એક બીજાને ભરી પીવાના મૂડમાં હતી.

વિશોળ ગામે સુરતથી આવેલા મૂળ વતનીઓ એવા મતદારો અને તેમના સગાવહાલા કુટુંબીઓમાં તે સમયે કોઈ સામાજીક પ્રસંગ કે તહેવાર જેવો માહોલ હતો. વાડાઓમાં વિશાળ સમીયાણા નખાયા હતા. વિવિધ પ્રકારના ભાવતા ભોજનીયા પીરસાતા હતા તો બીજી બાજુ પ્રમાણમાં પછાત અને શ્રમજીવી એવી બહુમતી કોમના જ પણ ઓબીસી કોમના રાષ્ટ્રીય પાર્ટીના કાર્યકરો અને લોકો આ બધુ શાંત ચિતે નિહાળી રહ્યા હતા.

સવારના મતદાન શરૂ થતા જ રાજકીય પક્ષોની ચીલાચાલુ પધ્ધતિ મુજબ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા મતદાન મથકોકે નજીકનાં વિસ્તારમાંથી સાચી ખોટી ફરિયાદો આક્ષેપો એક બીજી પાર્ટી ઉપર કરવાનો વરસાદ ચાલુ થયો.પરંતુ મોબાઈલ ફોનનો જમાનો આવી ગયેલ હોય જયદેવ પાસે દરેક મતદાન કેન્દ્રો પરનાં પોલીસ જવાનો અને મતદાન અધિકારીઓના ફોન નંબરો હોઈ તે દ્વારા જે તે ફરીયાદોની ખાત્રી અને ખરાઈ કરતો જતો હતો અને પોતે ઉંઝા શહેરના મતદાન કેન્દ્રોથી પેટ્રોલીંગ ચાલુ કરી દીધી.

દરમ્યાન દાસજ ગામેથી કરલી ગામે અગાઉ રાજકીય રીતે અકસ્માત બનાવને ખૂન કેસમાં ખપાવનાર હારેલા સરપંચને ગર્ભીત અને છુપી મદદ કરનાર મુખ્ય પાત્ર એવા તાલુકા પ્રમુખે (જુઓ પ્રકરણ ૨૨૩ કપટની રાજનીતિ પરાજયનો બદલો) પોલીસ સ્ટેશનમાં ટેલીફોનથી ફરિયાદ કરી કે હરીફ પાર્ટીના લોકો દાસજ ગામે લઘુમતીઓને અને કહોડા ગામે તેમના લોકોને મતદાન કરવા દેતા નથી. અને મતદાન કેન્દ્રો કબ્જે કરી લીધા છે.

જે રીતે પોલીસ બંદોબસ્ત અને અર્ધ લશ્કરી દળોનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને તેમાં પણ દાસજ ગામે તો બીએસએફની કંપનીનો પંદર દિવસથી કેમ્પ જ હતો અને તાલુકા પ્રમુખની માનસીકતા મુજબ આ બાબત ઉપજાવી જ કાઢી હોય તેમ જયદેવ જાણતો હતો છતાં તેણે દાસજ અને કહોડા ગામે ફોનથી ખાત્રી કરતા આક્ષેપો મુજબનું કાંઈ જ હતુ નહિ છતા જયદેવને મનમાં થયું કે આવો ખટપટીયો રાજકીય વ્યકિત આ વિસ્તારમાં ફરે છે. જેથી જો કોઈ નહિ હોય તો પણ કાંઈક ખોટુ તુત ઉભુ કરશે આથીઆ વિસ્તારમાં જાતે ચકકર મારવું જરૂરી ખરૂ કેમકે દાસજમાં તો હજુ વિસ પચ્ચીસ દિવસ પહેલા જ કોમી તોફાનો થયા હતા. આથી જયદેવે પેન્થર સરને તે બાબતથી વાકેફ કરી પોતે દાસજ ગામ તરફ રવાના થયો.                          (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.