Abtak Media Google News

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગાંધીનગર સીટના સંભવિત દાવેદારોની પ્રદેશ ભાજપની યાદીમાં અડવાણીની બાદબાકીથી અનેક તર્ક વિતર્કો

રાજકારણમાં કયારે શું થશે? તેની ભવિષ્યવાણી કરવી ખુબ જ અધરી હોય છે. સક્રિય રાજકારણીઓ સામ, દામ, દંડ અને ભેદની નીતિમાં એટલા ખંધા મનાય છે કે તેઓ પોતાના અંગત પુત્રનો પણ ભરોસો કરતા નથી. ખંધા રાજકારણીઓ પોતાને આગળ લાવનારા પોતાના ગુરુઓને છેહ આપવામાં પાછું વળીને જોતા નથી. જેથી જે રાજકારણીઓ સમય સાથે ચાલી શકતા નથી. તેઓ પાછળ ફેંકાઇ જાય છે તેવી જ સ્થિતિ ભાજપના સ્થાપકોમાંના એક પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની છે. લોકસભાની ચુંટણીના ઉમેદવારો નકકી કરવા મળેલી કેન્દ્રીય ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ટીકીટના દાવેદારોના નામમાં અડવાણીના નામની ચર્ચા પણ કરવામાં ન આવી હતી. જેથી અડવાણીનો રાજકારણમાં સુરજ આથમી ગયાનું રાજકીય નિરિક્ષકોનું માનવું છે.

ભાજપના વરિષ્ટ નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકીય ગુરુ મનાતા લાલકૃષ્ણ અડવાણી કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ રાજકીય હાંસિયામાં ધકેલાઇ ગયા છે.  એક સમયે ભાજપમાં જેમનો પડયો બોલ ઝીલાતો હતો અને ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો સામેથી અડવાણીને ગાંધીનગરથી બેઠક પર લડવા આગ્રહ કરતા હતા તેવા અડવાણી આગામી ચુંટણીમાં ગાંધીનગરથી લડવા ઇચ્છુક છે. પરંતુ સોમવારે  નવી દિલ્હીમાં યોજાયેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રદેશ ભાજપે સંભવિત દાવેવારોની યાદીમાં અડવાણીને બાકાત કરી દઇને તેમને ચુંટણી લડાવવામાં રસ દાખવ્યો ન હતો. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણી પહેલા વડાપ્રધાનપદના દાવેદારીના મુદ્દે અડવાણીને નરેન્દ્રભાઇ મોદી સાથે વિવાદો થયા હતાં.

જે બાદ ચુંટણી પ્રચારમાં પણ ભાજપના નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન પદનો ચહેરો જાહેર કરવા સામે અડવાણીએ વાંધો લીધો હતો. જેથી, કેન્દ્રીય ભાજપમાં અને સંઘમાં દબદબો ધરાવતા નરેન્દ્રભાઇ મોદીએ તેમની ગાંધીનગરની ટીકીટ લટકાવી રાખી હતી. જે બાદ વિવાદ વકરતાં માંડ માંડ અડવાણીને ટીકીટ આપવામાં આવી હતી. એક તબકકે અડવાણીને અમુક આગેવાનો માથે રહીને ગાંધીનગર બેઠક પરથી હરાવીને તેમનો કાંટો કઢાવી નાખવા તત્પર બન્યાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ઉઠી હતી. પરંતુ, અડવાણી આ અગ્નિપરીક્ષામાં પાસ થઇને ગાંધીનગર બેઠક પરથી બહુમતિથી ચુંટાય આવ્યા હતા. જે બાદ કેન્દ્રમાં મોદી સરકાર બનતા અડવાણીને ભાજપના માર્ગદર્શક મંડળમાં મુકીને જેમને રાજકીય હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.

રાજયની ૨૬ બેઠકો પર ઉમેદવારો પસંદ કરવા પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં નિરીક્ષકો મોકલીને સંભવિત દાવેદારોની યાદી તૈયાર કરી હતી. આ સંભવિત દાવેવારોમાંથી ઉમેદવારની પસંદગી કરવા સોમવારે નવી દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતની ગાંધીનગર સહીત ૧૧ બેઠકો પર દાવેદારોના નામો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉ૫સ્થિત પ્રદેશ આગેવાનોએ જે સંબંધીત દાવેદારોની યાદી બોર્ડમાં રજુ કરી તેમાં ગાંધીનગર બેઠકના દાવેદારોમાં લાલકૃષ્ણ અડવાણીનું નામનો ઉલ્લેખ ન હતો. આ બેઠકમાં હાજર રહેલા એક ભાજપી નેતાએ જણાવ્યું હતું નીરીક્ષકોના રીપોર્ટના આધારે બોર્ડે પણ અડવાણીના નામની ભલામણ આ બેઠક પર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠક પર અમુક આગેવાનો કાર્યકરોઓ રાષ્ટ્રીય કક્ષાના નેતાને ચુંટણી લડાવવા માંગ કરી હતી. પરંતુ તે અમિત શાહને લડાવવા માટે હતી નહિ કે અડવાણી માટે આ બેઠકમાં મહેસાણા સીટ માટે વર્તમાન સાંસદ જયશ્રી પટેલ, પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ, કે.સી. પટેલ અને એનઆરજી લીડર અને વિશ્ર્વ ઉમિયાધામના ટ્રસ્ટી સી.કે. પટેલના નામ પર ચર્ચા થઇ હતી. અમદાવાદ પશ્ર્ચિમની અનામત બેઠક પર વર્તમાન સાંસદ ડો. કીરીટ સોલંકી, રમણલાલ વોરા, આત્મારામ પરમારના નામની અમદાવાદ પૂર્વની બેઠક પર સાંસદ પરેશ રાવલની સાથે પૂર્વ સાંસદ હરિન પાઠક સહીતના નામનો ચર્ચા થઇ હતી. પાટણની બેઠક પર વર્તમાન સાંસદ લીલાધર  વાઘેલા, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ભરતસિંંહ ડાભી , ભાવસિંહ રાઠોડ, જુગલ ઠાકોરના નામોની ચર્ચા થઇ હતી. સાબરકાંઠા માટે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ, જયસિંહ ચૌહાણ, ભીખુસિંહ પરમારના ના નામો પર ચર્ચા થઇ હતી.

બનાસકાંઠાની બેઠક પર કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, પૂર્વ રાજયમંત્રી શંકર  ચૌધરી, પ્રવિણ કોટક અને પારથી ભટોલના નામોની, સુરેન્દ્રનગર બેઠક પર સાંસદ દેવજી ફતેપરા, પૂર્વ સાંસદ શંકર વેગડ, રોહિત ભામશા, અને ડો. મહેન્દ્ર મુંજપરાના નામોની ભાવનગર બેઠક પર સાંસદ ભારતી શિયાળ સાથે પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકી અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના નામોની જામનગર બેઠક પર વર્તમાન સાંસદ પુનમબેન માડમ, રીવાબા જાડેજા, રાધવજી પટેલ અને ચંદ્રેશ પટેલના નામો પર ચર્ચા થઇ હતી. પાર્લામેન્ટરી બોર્ડ સ્તર પ્રમાણે દાવેદારોની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.