Abtak Media Google News

ગોકુલધામ સોસાયટી કુંભાર પરિવારોની વ્હારે ૮૦૦ ગરબા ખરીદયા

લોકોની આર્થિક, માનસિક અને શારીરિક અક્ષમતાના સમયમાં જે પડખે ઊભો રહી સહકાર આપે તે સાચો માનવ… અને તેની માનવતા…. આ વાતને ખરી કરી છે, જુનાગઢ ખાતે આવેલ ગોકુલધામ સોસાયટીના ૩૪૦ પરિવારોએ… જેમણે હાલના કપરા સમયમાં માતાજીના ગરબા ઘડી એક પ્રકારની માતાજીની સેવા કરી રહેલા કુંભાર પરિવારને સહાયરૂપ થવા માટે ૮૦૦ જેટલા ગરબાની ખરીદી કરી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથોસાથ કોરોનાના સમયમાં લોકોને શીખ આપતા, ખરા અર્થમાં માતાજીની આરાધના, જપ, તપ અને ગરબા ગાઈ માતાજીની નવલી નવરાત્રિની ખુબજ ભાવભક્તિ સાથે ઉજવણી પણ કરવામાં આવી રહી છે.

જૂનાગઢ શહેરના ગોકુલધામ સોસાયટીના પ્રમુખ કાંતિભાઈ ઝાંઝરૂકિયા ના જણાવ્યા અનુસાર તેમની સોસાયટીમાં ૩૪૦ પરિવારો રહે છે અને આ વખતે જ્યારે કોરોનાની મહામારી છે તથા ગરબી જેવા મોટા આયોજનો બંધ રાખવાનો સરકાર અને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે માતાજીની આરાધના સાથે આર્થિક સંકટ ભોગવી રહેલા અને ગરબા બનાવી પોતાનું પેટીયું રળતા કુંભાર પરિવારોને શક્ય તેટલા મદદરૂપ થવાની ભાવના સાથે સોસાયટીના તમામ પરિવારો એ એક નહીં પરંતુ બે બે ગરબા લઈ શક્ય તેટલી આર્થિક મદદરૂપ થવાનું સર્વાનુમતે નક્કી કર્યું હતું અને એ અનુસાર ગોકુલધામ સોસાયટીના ૩૦૪ રહેવાસીઓએ ૮૦૦ જેટલા ગરબા ખરીદી, કુંભાર પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યા હતા

બીજી બાજુ આ સોસાયટીએ કોરોનાના કપરા કાળમાં સોશિયલ ડિસ્ટન્સ ની જાળવણી સાથે, સોસાયટીમાં ઝળહળતા ગરબાઓના સ્વસ્તિક સહિતની મોટી રંગોળી બનાવી, આ નવરાત્રીના દિવસોમાં માતાજીની આરાધના શરૂ કરી હતી, અને સાંજના સમયે ૩૪૦ પરિવારની  બહેનો અને ભાઈઓ માતાજીના ગરબા પ્રગટાવી, સોશિયલ ડિસ્ટન્સ સાથે ચોકમાં આવી, માતાજીના બેઠા ગરબા સાથે માતાજીની સ્તુતિ, ભક્તિ, અને આરાધના કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.