Abtak Media Google News

કન્ટેનમેન્ટ એરીયા એવા વોરાવાડ અને ખોજાવાડ વિસ્તારને સીસીટીવીથી આવરી લઈને કલેકટર ચેમ્બરમાંથી કરવામાં આવતી કામગીરીને બિરદાવાઈ

રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની સમિક્ષા અર્થે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી લલીત નારાયણસીંગ સાંદુ અને જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સાથે એક બેઠક યોજી હતી. જેમાં સબંધિત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયાં હતા. રાજયના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે બોટાદ જિલ્લામાં કોરોના વાયરસની ઉદ્દભવેલી પરિસ્થિતિથી માહિતગાર બની કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંઓની વિસ્તૃત સમિક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ જિલ્લામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાધ ધરાયેલ કામગીરીની વિસ્તૃત રૂપરેખા આપતા જણાવ્યું હતુ કે, બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૫૬ પોઝીટીવ કેસો નોંધાયા છે. જે પૈકી ૨૨ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે ૩૩ કેસ હાલમાં સક્રિય છે. જિલ્લાના જે વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવના કેસો જોવા મળ્યા છે, તે તમામ ક્ધટેનમેન્ટ વિસ્તારોના લોકોને તકલીફ ન પડે તેને ધ્યાને લઈ સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવેલ લોકોને શોધી શકાય તે માટે કોન્ટેકટ ટ્રેસીંગ સીસ્ટમ થકી ઓળખીને તે તમામ લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના ક્ધટેનમેન્ટ વિસ્તારો એવા વોરાવાડ અને ખોજાવાડ સમગ્ર વિસ્તારને સી. સી. ટીવીથી આવરી લેવામાં આવ્યો છે, અને તેનું મોનીટરીંગ જિલ્લા કલેકટરની ચેમ્બરમાંથી થઈ શકે તેવી સઘન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અધિક મુખ્ય સચિવએ જિલ્લા તંત્ર દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવેલ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતુ કે, પરિવર્તનશીલ સમયમાં સરકાર તેની વ્યુહરચના સાથે કોરોના સામેના જંગમાં સક્રિયતાથી કાર્ય કરી રહી છે. તેને ધ્યાને લઈ બોટાદ જિલ્લામાં પણ કોરોનાના સંક્રમણને નાથવા સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા તથા સુક્ષ્મ/સતત સુપરવિઝન કરવા સૂચન કર્યુ હતુ. તેમણે લોકોમાં આ બાબતે જાગૃતિ આવે અને સોશ્યલ ડીસ્ટન્સીંગની સાથે લોકો લોકડાઉનના નિયમોનું ચૂસ્તતાથી પાલન કરે તે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતુ. તેમણે આ તકે આરોગ્યની પરિસ્થિતિની વિસ્તૃત સમિક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતુ. બેઠક બાદ અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જિલ્લા સેવા સદન ખાતે ઉભા કરવામાં આવેલ વોર રૂમની તથા શહેરના ક્ધટેનમેન્ટ વિસ્તારો એવા વોરાવાડ અને ખોજાવાડની તેમજ સાળંગપુર ખાતે બનાવવામાં આવેલ કોવીંડ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.