Abtak Media Google News

શહેરના તબીબો સહિતના શખ્સોની સંડોવણીની શંકા: ગર્ભપાત કરવાના સાધનો મળી આવ્યા

શહેરના કોઠારીયા રોડ પરના હુડકો કવાટર્સમાં આવેલા ફોરમ કિલનીકમાં મંગળવારે સાંજે પોલીસે હોમિયોપેથી મહિલા ડોકટર ગર્ભપાત કરાવી રહી હતી. પોલસીને જોતા જ મહિલા તબીબે ભ્રૂણ ફલશ કરી ગટરમાં વહાવી દીધું હતુ પોલીસે મહિલા તબીબની ધરપકડ કરી કિલનિકમાંથી ગર્ભ પરીક્ષણના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. મહિલા તબીબની પુછપરછ દરમિયાન તે ૧૭ વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરતી હોવાનું અને છેલ્લા દસેક વર્ષથી સોનોગ્રાફીની મદદથી ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતી હોવાની કબુલાત આપી છે. તેની સાથે તબીબો સહિતના શખ્સોની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી છે.

હૂડકો કવાર્ટર્સ નં. બી. ૩૮૩માં આવેલા ફોરમ કિલનિકમા ડો. હીનાપટેલ ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતી હોવાની હકિકત મળતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવી સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતુ મંગળવારે સાંજે ૭.૩૦ વાગ્યે મહિલા કોન્સ્ટેબલ ડમી દર્દી બનને કિલનિકે પહોચ્યા હતા. મહિલા કોન્સ્ટેબલેપોતે ગર્ભવતી હોવાનું અને ગર્ભપરીક્ષણ કરાવવાનું કહેતા ડો. હીના પી. પટેલે રૂ.૩૦ હજારનો ચાર્જ કહ્યો હતો.

મહિલા કોન્સ્ટેબલ સાથે વાર્તાલાપની સાથોસાથ ડો. હીના પટેલ એક સગર્ભાનો ગર્ભપાત પણ કરી રહી હતી.ડો. હીના પટેલ ગર્ભપાત કરી રહ્યાની મહિલા કોન્સ્ટેબલે જાણ કરતા જ પીઆઈ ગઢવી સહિતનો કાફલો કિલનીકમાં ઘસી ગયો હતો. પોલીસને જોતા જ ડો. હીના પટેલે બાથરૂમમાં ફલશ કરી ભ્રૂણ ગટરમાં વહાવી દીધું હતુ પોલીસે પૂછપરછ કરતા ડો. હીનાએ એક તબકકે તો ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરવા અંગે ઈનકાર કર્યો હતો. પરંતુ તેની પાસે દર્દીના સ્વાંગમાં બેઠેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સ્પષ્ટ થતા જ ડો. હીના પટેલ ભાંગી પડી હતી.

પોલીસ કિલનિકના રૂમ ચેક કરતા ત્યાંથી આઈપેડ, વાયરલેસ અલ્ટ્રાસાઉન્ડ પ્રોબ અને અલ્ટ્રા સાઉન્ડ જેલ મળી આવ્યા હતા. ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત થતું હોવા અંગેની જાણ થતા મહાનગરપાલીકાના નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી અને તેની ટીમ પણ સ્થળ પર પહોચી હતી. પોલીસે ડો. વિસાણીની ફરિયાદ પરથી ડો. હીના પટેલ સામે ગર્ભપરીક્ષણ, ગર્ભપાત અને ગેરકાયદે સોનોગ્રાફી મશીન રાખવા સબબનોગુનો નોંધી ડો. હીનાની ધરપકડ કરી હતી ડો. હીના એ ડિપ્લોમાં હોમિયોપેથીનો અભ્યાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.