Abtak Media Google News

ડેમમાં હાલ ૬૬૩  એમસીએફટી પાણી સંગ્રહિત: રોજ ૬ એમસીએફટી  પાણીનો ઉપાડ: જુન-જુલાઈ સુધી રાજકોટવાસીઓને પાણીની તકલીફ નહીં પડે

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અપુરતો વરસાદ પડવાના કારણે શહેરની જળજ‚રીયાત સંતોષતા ભાદર સિવાયના એક પણ જળાશયમાં રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત થયું ન હતું. ઉનાળામાં રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ત્રીજી વખત રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી ભરી દેવાની મંજુરી આપી હતી. દરમિયાન ડેમ ૭૧ ટકા ભરાતાની સાથે જ ગત મંગળવારથી આજીમાં નર્મદાના નીર ઠાલવવાનું બંધ કરી દીધું છે. હાલ ડેમમાં ૬૬૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક ૬ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. જુન-જુલાઈ સુધી રાજકોટવાસીઓને પાણીની કોઈપણ પ્રકારની હાડમારી વેઠવી નહીં પડે.

આ અંગે કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ૩જી જાન્યુઆરીથી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે છોડવામાં આવ્યું હતું જે ૫મી જાન્યુઆરીના રોજ આજીડેમે પહોંચી ગયું હતું ત્યારે ૨૯ ફુટે ઓવરફલો થતા આજીડેમની સપાટી ૧૫.૯૧ ફુટની હતી. ૯૩૩.૩૬ એમસીએફટીની સંગ્રહ શકિત ધરાવતા આજીમાં માત્ર ૨૬૯.૭૪ એમસીએફટી પાણી સંગ્રહિત હતું જે કુલ સંગ્રહ શકિતના માત્ર ૨૯ ટકા જેટલું હતું. વિતરણ માટે રોજ ૪૬૦ એમસીએફટી પાણી ઉપાડવામાં આવતું હતું.

દરમિયાન ગત મંગળવારથી સૌની યોજના અંતર્ગત આજીડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ૨૯ ફુટની સપાટી ધરાવતો આજીડેમ હાલ ૨૪.૭૦ ફુટ સુધી ભરેલો છે. ડેમમાં કુલ ૬૬૩.૪૯ એમસીએફટી પાણી સંગ્રહિત છે જે કુલ સંગ્રહશકિતના ૭૧.૦૮ ટકા જેવું થવા પામે છે. વિતરણ, લાઈનલોસ અને બાષ્પીભવન સહિત દેશમાંથી રોજ ૬ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટને જુન કે જુલાઈ માસના પ્રથમ સપ્તાહ સુધી ચાલે તેટલો જળજથ્થો હાલ આજીડેમમાં ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું નબળું રહેતા મહાપાલિકાએ સરકાર પાસે આજીડેમમાં સૌની યોજના અંતર્ગત ૭૩૩ એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરી હતી. આજીડેમમાં કુલ ૪૦૦ એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે અને છેલ્લા ૪૦ દિવસ દરમિયાન રોજનું ૬ એમસીએફટી પાણી વિતરણ માટે ઉપાડવામાં આવ્યું છે એટલે સૌની યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા આજીડેમમાં ૬૪૦ થી ૬૫૦ એમસીએફટી જેટલું પાણી ઠાલવી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.