રાપરના પલાસવા નજીક એસ.ટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ મુસાફરોના મોત

પલાસવા નજીક એક તરફના હાઈવે પર કામ ચાલુ હોતા કરાયો હતો બંધ: એક જ માર્ગ પર ટ્રાફિક ચાલતો હોવાથી જીપ ઓવરટેક કરવા જતાં એસટી સાથે ટકરાઈ હતી

જીપમાં સવાર ત્રણ લોકોને કાળ ભેટ્યો, ૧૪ મુસાફરોને નાની મોટી ઇજા થતાં સારવાર હેઠળ ખસેડયા

રાપર તાલુકાના પલાસવા નેશનલ હાઇવે પર નજીક જીપ અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કમાન્ડર જીપમાં સવાર ૩ લોકો કાળનો કોળીયો બન્યા હતા. જ્યારે ૧૪ માણસોને નાની મોટી ઇજા થતાં રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બપોરના સમયે પલાસવાથી સામખિયાળી તરફ આવતી બસની સામે  નેશનલ હાઇવે પર ટ્રેલરને ઓવરટેક કરવા જતાં જીપ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માતના બનાવ અંગે પાટણના સાંતલપુરમાં રહેતા રાધનપુર એસ.ટી ડેપોમાં બસ ડ્રાઈવર તરીકે કામ કરતા પ્રવિણસિંહ જાડેજા ( ઉ.વ ૪૬ )એ ઓડેસર પોલીસ સ્ટેશનમાં કમાન્ડર જીપ ચાલક સામેથી એસટી બસને ટક્કર આપી અકસ્માતમાં ત્રણ પેસેન્જરનું મોત નિપજાવી અને ૧૪ લોકોને ઇજા પહોંચાડ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે પી.એસ.આઈ વાય.કે.ગોહિલે આઈ.પી.સી ૩૦૪ (અ),૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ ૧૧૭,૧૮૪ મુજબ ફરિયાદ નોંધાવી છે.

ગત.તા ૨૯ ના રોજ રાધનપુર એસ.ટી બસ સ્ટોપમાંથી ઉપડેલી એસટી બસ મુસાફરો ભરી પલાસવા ગામે મુસાફરો ઉતાર્યા બાદ ચિત્રોડા ગામ નેશનલ હાઇવે પર જતી હતી. ત્યારે ચિત્રોડા થી  આડેસર ગામ આવતા રોડનું કામ ચાલુ હોય તો બસ ચાલક સ્પીડ ધીમી કરી ચલાવતો હતો.તે અરસામાં સામેથી આવતા  ટ્રેલરને ઓવરટેક કરી પેસેન્જર ભરેલી જીપ બસ સાથે ધડાકાભેર  અથડાઇ હતી. બસમાંથી ચાલક પ્રવિણસિંહ જાડેજા તથા કંડકટર મેઘાભાઈ મેથાભાઈએ તાકીદે નીચે ઉતરી જીપમાં દબાઈ જવાથી મૃત્યુ પામેલા આડેસરના ભવન દેવા દેવીપૂજક ,પલાસવાના  જશરામ વેલાભાઈ ભરવાડ ,વરણના  ધવલ રમેશ ભરવાડના મૃતદેહને બહાર કાઢી આડેસર પોલીસને જાણ કરી હતી. અકસ્માત અંગે જાણ થતાં પી.એસ.આઈ વાય.કે.ગોહિલની ટીમે દોડી જઇ ત્રણેય  મૃતદેહોને પી.એમ અર્થે ખસેડયા હતા. જ્યારે નાની મોટી ઇજા આપનાર ૧૪ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.રસ્તા પર થયેલા ટ્રાફિકજામને ક્લિયર કરાવ્યો હતો, તો બીજી બાજુનો એક તરફીય માર્ગ પણ બંધ થઈ ગયો હતો.

છેલ્લા ઘણા સમયથી પલાસવા સામખિયાળી હાઈવે પર પલાસવા નજીક જ કામ ચાલુ હોવાથી એક બાજુનો રોડ બંધ કરી દેવાયો હતો. પરિણામે એક જ તરફથી ટ્રાફિક પસાર થતો હતો. જેમાં એસટી બસ પલાસવાથી સામખિયાળી તરફ જતી હતી. અને સામેથી આવતી જીપ ધડાકાભેર એસટી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં જીપમાં સવાર ત્રણ મુસાફરો મોતને ભેટ્યા હતા. બનાવની જાણ આડેસર પોલીસને થતા પીએસઆઈ વાય.કે. ગોહિલ સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો.