Abtak Media Google News

ભારત ધર્મ પ્રિય દેશ છે…

માનવસેવાએ ધર્મનો પ્રાણ છે.

આપણા દેશના એક રાષ્ટ્રપતિ સારી પેઠે ધાર્મિક હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ સાદાઇ અને વિનમ્રતાપૂર્વક રહેતા હતા. તેઓ અત્યંત કલાપ્રિય પણ હતા. ચતુર રાજકારણી છતાં ભદ્રપુરૂષ હતા.

ઝાકિરહુસેન જયારે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે દરરોજ સાંજે એક કલાક હિન્દી શીખવા જતાં, અને એ માટે તેમણે પોતાની સામે ગાંધીજીનો આદર્શ રાખ્યો હતો. પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે, આ મહાત્માએ પોતાની દીર્ધદ્રષ્ટિથી આ દેશને માટે જે કેટલાંક સુન્દર કામો કર્યા છે તેમાંથી એક હિન્દીના પ્રચારનું છે. હિન્દી ગાંધીજીની માતૃભાષા નહોતી. તેમ છતાં તેઓ હિન્દીનો પ્રચાર એટલા માટે કરવા માગતા હતા કે તેમની દ્રષ્ટિએ બે વાતો સાફ હતી. એક તો એ કે દેશમાં જે એકતા અંગ્રેજી ભાષા દ્વારા દેખાઇ રહી છે.

તે ત્યાં સુધી જ ટકી શકવાની છે જયાં સુધી થોડા  લોકો લખતાં – વાંચતા શીખે છે અને પોતાને બીજાઓથી ઊંચા માનીને એમનાથી અલગ એક વિદેશીની જેમ જીવે છે, પરંતુ દેશ જયારે આઝાદ થશે ત્યારે એકે એક બાળક લખતાં વાંચતા શીખશે. અને તે લખવા વાંચવાનું કાંઇ વિદેશી ભાષામાં નહિ બની શકે. તે તો દેશની  જુદી જુદી ભાષાઓમાં થશે અને થવું જોઇઅ. બાપુએ અલગ અલગ ભાષા બોલનારાઓને એક કરવા માટે હિન્દીની પસંદગી કરી અને તેનો પ્રચાર કરવાનો વિચાર કર્યો તેઓ હિન્દી સારી નહોતા બોલતા, પણ હિન્દીમાં જ બોલ્યા અને તેના માઘ્યમથી તેમણે લોકોના દિલ જીતી લીધાં હતાં.

ઝાહિરહુસેન  જયારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, ભારતના મહાન સપૂત ડો. રાધાક્રિષ્નન પછી મારા જેવાને આ પદને માટે પસંદ કરવામાં આવ્યો છે. એનો સ્વીકાર કરતી વખતે હું ખાતરી આપું છું કે એમના પગલે ચાલવાનો યતકિંચિત પ્રયત્નો કરીશ….

તેમણે મોગલ ઉદ્યાનને માત્ર સુરક્ષિત જ ન રાખ્યો, પણ પોતાના વ્યકિતત્વના વૈભવથી તેમાં વૃઘ્ધિ પણ કરી. તેમના વખતમાં રાષ્ટ્રપતિ ભવનના બગીચાઓમાં ૪૦૦ જાતના નવાં નવાં ગુલાબો રોપવામાં આવ્યા હતા.  અનેક રંગબેરંગી પક્ષીઓ, હરણ, મોર, સારસ, કબૂતર, રાજહંસ વગેરે ભારતને ખૂણેખૂણેથી મંગાવીને તેમાં રાખવામાં આવ્યા હતા. જાનવરો પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો બધો ઘનિષ્ઠ હતો કે તેઓ રાષ્ટ્રપતિભવનમાં પોતાની સાથે પોતાના પ્રિય તોતા, મેના અને ગાયને પણ લાવ્યા હતા.

ગાંધીજીની શિક્ષણ પઘ્ધતિનુ અનુસરણ કરતાં તેમણે બુનિયાદી તાલીમ માટે દિલ્હીમાં ‘જામિયા મિલિયા’ની સ્થાપના કરી હતી. ઘણાં લાંબા વખત સુધી ઓછા વેતને તેમાં સેવા પણ આપી હતી. તે વખતે જામિયા મિલિયાની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેથી તેઓ દર મહિને પગાર ઘટાડતાં ઘટાડતાં છેવટે ૭પ રૂપિયા પર આવીને અટકયા હતા. કામ તેઓ એટલું બંધુ ખેંચા કે એક વાર ઘરનાઓએ તેમને થોડો આરામ કરવા કહ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આરામ કેવી રીતે કરું ?  પગાર તો કામ કરવા માટે લઉ છું, આપણા દેશમાં વધુ પડતું બોલબોલ કરવાની અને ભાષણો આપવાની જે બીમારી છે તેના પ્રત્યે તેમને સખત નફરત હતી કહેતા કે ઇશ્વરે બોલવા માટે મોઢું એક અને સાંભળવા માટે કાન બે આપ્યા છે. એટલે આપણે વધુ સાંભળવું જોઇએ અને ઓછું બોલવું જોઇએ.

એમણે કયારેય કોઇ બિનજરુરી ભાષણ નથી આપ્યું, જયારે જયારે એમને કોઇ ભાષણ માટે કહેવામાં આવતું ત્યારે અતિ ટુંકમાં અને મુદ્દાસર  પોતાની વાત રજૂ કરતાં, એક વાર શિક્ષણમંત્રીઓના એક સંમેલનમાં તેમણે કહ્યું હતું કે, એવું લાગ્યા કરે છે કે સ્વતંત્રતા મળ્યા પછી આપણે ઉદધાટનો જ કર્યા છે અથવા ભાષણો જ કર્યા કર્યા છે. મે નકકી કર્યુ છે કે જો મારું ચાલશે તો ભવિષ્યમાં કોઇ ઉદધાટનો નહિ કરું, પણ હું જાણું છું કે તમે મને છોડશો નહી. મને બીક તો એ છે કે તમે લોકો કયાંક ઉદધાટન કલા પર જ કોઇ સંમેલન ન કરી બેસો અને તેનું ઉદધાટન કરવા પાછા મને જ બોલાવશે!

બુઘ્ધજયંતિ ઉદ્યાનમાં એક વાર વન મહોત્સવ વખતે તેમણે કહ્યું હતું આ વૃક્ષોની મોટામાં મોટી વિશેષતા આ જ છે. એ ચૂપચાપ ઊભાં રહે છે. સૌને ફળો અને છાંયડો આપે છે. ભારતને આજે આવા નેતાઓની જરુર છે.એમણે ખુબ લખ્યું છે જર્મની જઇને વરસો સુધી શિક્ષણ અને અર્થશાસ્ત્રની ઝીણી ઝીણી વિગતોનો અભ્યાસ કર્યો છે. એમની કાચબો અને સસલું વાર્તા માટે પ્રેરણાત્મક છે. એમનું સસલું સૂતું નથી. મંઝિલે પહોચવા પહેલા જ તેની ઉપર એક શિકારી કૂતરો આક્રમણ કરે છે. અંતે બન્નેમાંથી કોઇ જીતતું નથી. જિંદગીમાં હાર જીતનું જેટલું મહત્વ છે.

અત્યારનાં રાજકારણે આમાંનું કશું જ રહેવા દીધું નથી. આખો દેશ છિન્ન વિભિન્ન થયો છે અને વિઘટનનું અનિષ્ટ ચરમસીમાએ પહોચ્યું છે. કલ્પનામાં ન આવે એવી સુબાશાહી ડોકિયાં કરી રહી છે. આખું રાષ્ટ્ર ટુકડાઓમાં વિખેરાઇ જવાની દહેશત વધુને વધુ ગંભીર બની રહી છે!

ઉદધાટનો, ભાષણખોરી, ટાંટીયાખેંચ અને પરસ્પર ધિકકાર તથા વૈમનસ્ય, મતિભ્રષ્ટતાની અને ધર્મો-સંપ્રદાયો વચ્ચેની કલુષિત સ્પર્ધા સવા અબજ વસ્તી ધરાવતા આ દેવી-દેવતાઓના દેશને બિહામણો કરી દે તે પહેલા એની જેવું અને વિલંબ વિના બદલવું – સુધરવું જરુરી છે એવો સંદેશ લોકસભાની ચૂંટણી પછીની નવી સંસદને અને લોકશાહી સંસ્થાઓને આપવાનો ધર્મ બજાવ્યે જ છૂટકો છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.