Abtak Media Google News

જામનગરના ગ્રામ્ય પંથકોમાં કેટલાક ઘોડા ડોકટરો ડિગ્રી ન હોવા છતાં ગરીબ તથા અભણ પ્રજા પાસેથી પૈસા પડાવી લેવા માટે તબીબ તરીકે સ્થપાઈ જઈ ધમધોકાર પ્રેક્ટિસ કરતા હોય તેવા લેભાગુઓને પકડી પાડવા માટે પોલીસે કમર કસી છે તે દરમ્યાન જામનગર નજીકના ધુડશિયા ગામમાંથી ડિગ્રી વગરના એક ડોકટરને એલસીબીએ ઉપાડી લીધા છે. આ શખ્સ ધો.૧૧ સુધી જ ભણેલો હોવા છતાં બિનદાસ્ત રીતે પ્રજાને દવા આપી બ્લડપ્રેશર સહિતના રોગોનું નિદાન કરી તેઓની જિંદગી સાથે રમત કરતો હતો.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ધુડશિયા ગામમાં એક શખ્સ મેડિકલ કાઉન્સિલ દ્વારા આપવામાં આવતી લાયકાત સ્વરૃપની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં ડોકટર તરીકે ધમધોકાર પ્રેક્ટિસ કરતો હોવાની અને જુદા જુદા રોગવાળા દર્દીઓને તપાસી તેઅને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસૂલ કરતો હોવાની બાતમી સ્થાનિક ગુન્હાશોધક શાખાને મળતા એસપી શરદ સિંઘલને વાકેફ કરાયા પછી ધુડશિયામાં એલસીબી ત્રાટકી હતી.

ત્યાં આવેલા શ્રીજી નિવાસ નામના મકાનમાં એલસીબીએ દરોડો પાડતા ત્યાંથી શાંતિલાલ ભાદાભાઈ રાણપરિયા નામનો પટેલ શખ્સ પોતે ડોકટરને લગતી કોઈ ડિગ્રી ન ધરાવતો હોવા છતાં દવા આપતો મળી આવ્યો હતો. એલસીબીએ તેના મકાનની તલાશી લેતા જે ઓરડામાં દર્દીઓને તપાસતો હતો ત્યાંથી જુદી જુદી કંપનીઓ નિર્મિત દવાઓ તેમજ સ્ટેથોસ્કોપ, બ્લડપ્રેશર માપવાનું મશીન વગેરે મુદ્દામાલ સાંપડયો હતો. એલસીબીએ અંદાજે રૃા.૨૭૫૦ની ઉપરોક્ત માલમત્તા કબજે કરી આ શખ્સ સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશ્નર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.