ઉનામાંથી બોગસ તબીબ ઝડપાયો

ડીગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવી લોકોના જીવન સાથે ચેડા કરતો હતો

રૂ. ૧૩૧૫૨નો મુદામાલ કબજે કરતી સોમનાથ ગીરની એસ.ઓ.જી. ટીમ

ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસ કાફલાએ ઉના શહેરમાંથી ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી, મનફાવે તેવી ફી વસુલી વેપલો કરતા બોગસ ડોકટરને ઝડપી લીધો છે. રૂ. ૧૩૧૫૨ નો દાવો, સાધનો સહિતનો મુદામાલ કબ્જે લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો મુજબ ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર ભુતડાદાદાની ગલીમાં, પાણીના ટાંકા પાસે બોગસ તબીબનું દવાખાનં ધમધમતું હોવાની ગીર સોમનાથની એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી.

દરમિયાન એસ.ઓ.જી. ના સુભાષ ચાવડા, બાનવાભાઇ તેમજ પીઠીયાભાઇ સહિતના સ્ટાફે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતાં ઉનાનો જીતેન્દ્ર બાબુલાલ બાંભણીયા નામનો ૪૬ વર્ષનો કોળી શખ્સ તબીબના સ્વાંગમાં લોકોના આરોગ્ય અને જીવન સાથે ડિગ્રી વગર ચેડા કરતા પકડાઇ ગયો હતો.

પોલીસે ઇન્જેકશન, દવા, સાધનો, ગોળીઓ, ટેબલેયસ વિગેરે મળી સાધનો સાથે કુલ રૂ. ૧૩૧૫૨ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કહ્યું કે, તાલુકા હેલ્થ ઓફીસર ડો. ભાવેશ જે.રામના કહેવા મુજબ ડીગ્રી વગર કોઇ વ્યકિત આવી રીતે જાહેરમાં કોઇના જીવન સાથે ચેડા ન કરી શકે તેમ જણાવતા બોગસ ડોકટર જીતેન્દ્ર બાંભણીયા સામે ગુનો નોંધાયો છે.

Loading...