Abtak Media Google News

સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ ૪૩ જયારે જૂનાગઢ અને અમરેલી બેઠક પર સૌથી ઓછા ૧૩ ઉમેદવારો: જામનગરમાં ૩૪ અને પોરબંદરમાં ૧૮ ઉમેદવારો વચ્ચે ટકકર

સુરેન્દ્રનગર અને જામનગર બેઠક પર ત્રણ-ત્રણ ઈવીએમ મુકવા પડે તેવી સ્થિતિ: સોમવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલના રોજ યોજાનારા મતદાન માટે ગત ચોથી એપ્રીલે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગઈકાલે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રની ૭ બેઠકો પર ૭૩ ઉમેદવારી ફોર્મ રદ્દ થયા છે. હવે ૮ બેઠકો પર ૧૫૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જો કે, ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તા.૮ એપ્રિલ હોય આખરી ચૂંટણી ચિત્ર સોમવારે જ સ્પષ્ટ થશે.

Advertisement

સૌરાષ્ટ્રની ૭ લોકસભાની ૭ બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પર ૩૫, જામનગર બેઠક પર ૪૪, જૂનાગઢ બેઠક પર ૨૪, અમરેલી બેઠક પર ૨૩, પોરબંદર બેઠક પર ૩૧, ભાવનગર બેઠક પર ૧૯ અને સુરેન્દ્રનગર બેઠક પર ૪૮ સહિત કુલ ૨૨૪ ફોર્મ ભરાયા હતા. ગત ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ ગઈકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના માન્ય રાજકીય પક્ષોના સત્તાવાર ઉમેદવારના ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અપક્ષ તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના ફોર્મમાં પણ ક્ષતીઓ હોય તેના પણ ફોર્મ રદ્દ કરાયા છે. રાજકોટ લોકસભા બેઠક પર ૧૯, જામનગર બેઠક પર ૧૦, જૂનાગઢ બેઠક પર ૧૧, અમરેલી બેઠક પર ૧૦, પોરબંદર બેઠક પર ૧૩, ભાવનગર બેઠક પર ૫ અને સુરેન્દ્રનગર બેઠક પર ૫ ઉમેદવારી ફોર્મ સહિત કુલ ૭૩ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.હવે રાજકોટ લોકસભા બેઠક પર ૧૬ ઉમેદવારો વચ્ચે, જામનગર બેઠક પર ૩૪ ઉમેદવારો વચ્ચે, જૂનાગઢ બેઠક પર ૧૩ ઉમેદવારો વચ્ચે, અમરેલી બેઠક પર ૧૩ ઉમેદવારો વચ્ચે, પોરબંદર બેઠક પર ૧૮ ઉમેદવારો વચ્ચે, ભાવનગર બેઠક પર ૧૪ ઉમેદવારો વચ્ચે અને સુરેન્દ્રનગર બેઠક પર ૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. એક ઈવીએમ મશીનમાં માત્ર ૧૬ ઉમેદવારોનો જ સમાવેશ થઈ શકતો હોય સુરેન્દ્રનગર અને જામનગરમાં દરેક બુથ પર ત્રણ-ત્રણ ઈવીએમ જયારે પોરબંદર બેઠક પર દરેક બુથ પર ૨-૨ ઈવીએમ મુકવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. જો કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ સોમવાર હોય આખરી ચૂંટણી ચિત્ર સોમવારે જ સ્પષ્ટ થશે.

રાજયની ૨૬ લોકસભા બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલના રોજ એકી સાથે મતદાન યોજાવાનું છે. હવે ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષો પાસે પ્રચાર માટે માત્ર ૧૭ દિવસનો જ સમય હાથમાં રહ્યો છે ત્યારે આજથી ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો તથા ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારોએ જોર-શોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની જાહેરસભા, રેલી અને રોડ-શો યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.